Tuesday, May 20, 2025
Google search engine
HomeUncategorizedઆજે તું મારા સુખનું સરનામું બનીને ફરીથી આવે તો...

આજે તું મારા સુખનું સરનામું બનીને ફરીથી આવે તો…

આલાપ,

ખબર નહિ કેમ પણ જેને જૂઓ એ સન્નાટાનાં શહેરમાં ઉદાસી ઓઢીને બેઠેલા માણસ જેવો લાગે છે. આવું નજરે પડે ત્યારે થાય કે જીવતર આટલું ભારવાળું કેમ લખી શકતો હશે ઈશ્વર?

આમ તો જિંદગીનો ભાર ત્યારે જ લાગતો હોય છે જ્યારે એને જીવવાની કળામાં આપણે પારંગત નથી હોતા. સમય દરેકનો બદલાય છે. બદલાતા સમય સાથે જિંદગી જીવવાનો કોઈ હેતુ શોધી લેવો આવશ્યક છે. વર્ષોથી તારી આદતને મારી ચાહત બનાવી રેડિયો સાથે મારી સવારનું ઉગવું આજે પણ યથાવત છે. આંખ ખોલતાં જ રેડિયો પર એક ઘેરો ઉદાસ સ્વર કાને પડ્યો…

” જેણે કદીક જાગતાં સ્વપ્નાં ધર્યા હતા,

ગઈકાલનાં એ કાગળો હું વાંચતો રહ્યો.”

અને મારી સામે આવી ગયો એ સમય, જેમા મારી  આંખોએ સહજીવનના અનેક સપનાંઓ જોયેલા. આમ તો સમયે એ સમય જ ન આપ્યો કે એ સપનાંઓ પૂરાં થાય, પરંતુ અમુક સપનાંઓ સાથે જોડાયેલા સવાલો કે જે મેં તને ક્યારેય નહીં કહેલા.

આજે વિચાર આવે છે કે ધારો કે આજે તું મારા સુખનું સરનામું બનીને ફરીથી આવે તો તને એ નહિ કહેવાયેલી, અને છતાં સતત હોઠો પર રહેતી આવેલી વાત કરવી છે.

એકવાર તેં મને પૂછેલું, “માની લે કે જીવનનાં કોઈ એક રસ્તે ચાલતાં ચાલતાં આપણે અલગ થઈ જઈએ તો તું મને યાદ કરે?” ત્યારે તો મેં તને કોઈ જવાબ નહિ આપેલો કારણ કે મને કલ્પના જ ન હતી કે બહુ જ સ્નેહ, સમજૂતી અને પરસ્પરની હૂંફ પછી પણ આપણે અલગ પડીએ એવું પણ બને પરંતુ આજે રેડિયો પરની એક પંક્તિએ જૂની દરેક વાતો સપાટી પર લાવી દીધી. હવે મારે તને કહેવું છે, હા હું તને આટલા વર્ષોમાં એક વખત પણ નથી ભૂલી.

આજે પણ મને સતત એવો અહેસાસ થાય છે કે તું ક્યાંક મારી આસપાસ છે, મને જોઈ રહ્યો છે- મહેસૂસ કરી રહ્યો છે. આલાપ, આજે પણ મન તારા વિચારોના વનમાં જ ભટક્યા કરે છે.  એ શોધે છે તને. આજે પણ તને જોવા-મળવાની ઇચ્છાના અશ્વો હણહણે- મને મજબૂર કરે છે તારી પાસે દોડી જવા. જાતને એક સવાલ કાયમ થાય છે કે શું પ્રેમ આવો જ હોય?

કેટલું વિચિત્ર કહેવાય કે કોઈ એક માણસનું  તમારા જીવનમાં હોવું એ જીવનમાં સુખનું રંગીન મેઘધનુષ ચિતરી શકે છે અને એનું ન હોવું એ રંગીન અને ખુબસુરત દુનિયાને બેરંગ કરી દે છે છતાં, તારી યાદોને એકલી નહીં મૂકવાનો હેતુ મારા જીવવાનું બળ છે. શું તું પણ આવું વિચારે છે?

-સારંગી

(નીતા સોજીત્રા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular