Thursday, May 22, 2025
Google search engine
HomeUncategorizedમને તો પ્રોફિટમાં જ રસ છે, રમેશકુમારે અકળાઈને કહ્યું...

મને તો પ્રોફિટમાં જ રસ છે, રમેશકુમારે અકળાઈને કહ્યું…

‘આવો, આવો, રમેશકુમાર, આવો. કેમ છો? ઘણા દિવસે તમારા દર્શન થયા. રમાબેન, તમે કેમ છો? તબિયત તો સારી રહે છે ને તમારી?’ મહેશભાઈએ પોતાના બનેવી અને બહેનને ઉમળકાભેર આવકારતાં કહ્યું.
‘હા, હા મહેશકુમાર, એકદમ સારી તબિયત છે. બસ ઘણા સમયથી અમે બિઝનેસમાં વ્યસ્ત રહ્યા એટલે નીકળી ન શક્યા.’ રમેશકુમારે મહેશભાઈના ઘરમાં પ્રવેશતા કહ્યું.
‘અરે બનેવી તમારા તો બિઝનેસ અને બધા કામ એટલા મોટા કે તમને ક્યાં સમય મળે?’ મહેશભાઇની મોટી બહેન રમાનાં લગ્ન મોટા ધંધાદારી વ્યક્તિ સાથે થયા હતા અને મહેશભાઈ હંમેશા તેમનાથી પ્રભાવિત રહેતા.

મહેશભાઈની પત્ની સરિતા અને પુત્ર વૈભવ પણ દરવાજે જ એમના ફઈ અને ફુવા ને આવકારવા ઉભા હતા.

‘તમે કેમ છો સરિતા? અને તારું ભણતર કેવું ચાલે છે વૈભવ?’ રમેશકુમારે હસીને બંનેને પૂછ્યું.

આગતા સ્વાગતા થઈ અને મહેમાન સેટલ થયા પછી ચા પાણી અને અલકમલકની વાતો ચાલી. રમેશકુમાર અને રમાબહેન ઘરના સૌ લોકો માટે અનેક મોંઘી ભેંટ લાવેલા. સરિતા માટે સાડીઓ, મહેશકુમાર માટે શર્ટ અને વૈભવ માટે ટીશર્ટ તથા લેપટોપ.

‘આટલી મોંઘી વસ્તુઓ લાવવાની શું જરૂર હતી રમેશકુમાર? તમે લોકો તો અમને શરમાવો છો. અમે સામે તમને આટલું વળી શકીએ તેવી સ્થિતિમાં નથી તમે જાણો છો.’ મહેશભાઈએ ક્ષોભથી કહ્યું.

‘કઈ નથી ભાઈ. લઇ લે. અને અમે તો અમારા વૈભવને આપીએ છીએ, તમને નથી આપતા હો.’ રમાબહેને વહાલથી વૈભવના માથે હાથ ફેરવતા કહ્યું.
સાંજે બધા ડીનર કરવા બેઠા હતા ત્યારે રમેશકુમારે પોતાની પુત્રીને અમેરિકા કેવી રીતે સેટલ કરી અને હવે તે કેવી સરસ નોકરીમાં ગોઠવાઈ ગઈ છે તેના અંગે વાત શરૂ કરી. તેમની દીકરી સુનિતા પપ્પા ના પૈસાના જોરે વિદેશમાં ભણવા જતી રહેલી અને ત્યાં જ સેટલ થવાનું વિચારતી હતી.

‘તારો શું પ્લાન છે વૈભવ?’ રમાબહેને પૂછ્યું.

‘ફઈબા મારી ઈચ્છા છે કે હું એન્જિનિયરિંગ પૂરું કરીને અમારા ગામની આજુબાજુમાં જ એક નાનું કારખાનું શરૂ કરું અને તેમાં કૃષિ ઉત્પાદનોને પ્રોસેસ અને પેકીંગ કરીને માર્કેટિંગ શરૂ કરું.’ વૈભવે કહ્યું.

‘પણ તેમાં શું વળશે? કોઈક સારી કંપનીમાં નોકરી નોકરી શોધને? કે પછી કંઈક મોટો બિઝનેસ વિચાર.’ રમેશકુમારે સૂચન કર્યું

‘થેન્ક્યુ ફુવા, પણ મેં આ વિષે ઘણું વિચાર્યું છે. મને લાગે છે કે હું આ રીતે નાના પાયે જ શરૂઆત કરીને સ્થાનિક લેવલે જ પોતાનું કામ કરવા માંગુ છું.’ વૈભવે પોતાનું લોજીક સમજાવતા કહ્યું.

‘અરે પણ તેમાં તું આગળ કેમ વધીશ? થોડી મહેનત કરવાની તૈયારી રાખ. મોટા શહેરમાં જા. કઈંક મોટું વિચારો. આ નાના નાના સપના જોવાનું બંધ કર અને જો અમારી સુનિતા ક્યાંથી ક્યાં નીકળી ગઈ.’ રમાબહેને પોતાનું જમવાનું પૂરું કરતાં કહ્યું.

‘હા ફૈબા, સુનિતાએ તો ખરેખર બહુ સારી પ્રગતિ કરી છે. પણ બધાના પોતપોતાના સપના હોય ને? મારી ઈચ્છા હંમેશા ગામડાના લોકો અને કૃષિક્ષેત્રે જ કંઈક યોગદાન કરવાની હતી એટલે મને લાગે છે કે હું એમાં જ ખુશ રહીશ.’ વૈભવે પોતાની મક્કમતા દર્શાવી.

‘એવું તે કંઈ હોતું હશે? આ દુનિયામાં પૈસા સિવાય કશું નથી થતું. જ્યાં વધારે પૈસા મળે એ કામ કરાય.’ રમેશકુમારનું સૂચન થોડું ઉગ્ર અવાજમાં હોય તેવું લાગ્યું.

વૈભવ ગુસ્સાવાળો અવાજ સમજ્યો એટલે આગળ કઈ બોલ્યો નહીં. મહેશભાઈ અને સરિતા પણ પરિસ્થિતિ જોઈને ચૂપ જ રહ્યા કેમકે રમેશકુમાર અને રમાબહેન તેમનાથી ઉંમરમાં અને સામાજિક દરજ્જામાં બંને રીતે મોટા હતા. પરંતુ પ્રશ્ન એ પણ હતો કે તેના પુત્રની ઇચ્છા અને સપનાને પણ કેવી રીતે કોઈ બીજાના કહેવાથી તોડાય?

થોડીવાર સૌ શાંત રહ્યા પણ પછી ફરીથી રમાબહેને આગળ કહ્યું, ‘જુઓ તમે લોકો ઘણા વર્ષોથી અહીં ગામડામાં પડ્યા છો. અમે તમને વારેવારે નાનીમોટી મદદ કરતા રહ્યા છીએ. પરંતુ જો તમને લોકોને ખુદને જ આગળ વધવાની તાલાવેલી ન હોય તો અમે તમારું ઘર ન ચલાવીએ કે તમને હાથ પકડીને ઊંચા ખેંચી ન શકીએ. આખરે તો તમારે જાતે જ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારવું જોઈએ ને? આજે વર્ષો સુધી તમે આવું મધ્યમ વર્ગીય જીવન જીવતા રહ્યા હોય અને તેમાં તમારો છોકરો પણ આગળ વધવાનું ન વિચારે તો હવે અમારે શું કહેવાનું? રમાબહેનની અવાજમાં છણકો છતો થતો હતો.

‘મને તો એવું લાગે છે લોકો પોતાના નસીબ લઈને જ આવતા હોય છે એટલે કોઈ ઇચ્છે તો પણ તેમને માર્ગદર્શન આપીને આગળ વધારી શકતા નથી.’ રમેશકુમારે થોડા કટાક્ષભર્યા અવાજે કહ્યું.

‘બહેન, બનેવી, તમારા લોકોની સલાહ અને માર્ગદર્શન અમારા માટે ખરેખર જ મૂલ્યવાન છે પરંતુ જો વૈભવને આ રીતે જ પોતાનું કરિયર અહીં સ્થાનિક સ્તરે બનાવવું હોય તો બનાવવા દેવાય. શા માટે તેને ધક્કા મારીને ન ગમે તે ક્ષેત્રમાં આગળ વધવા મજબુર કરવો? એટલે અમે તો હંમેશા તેની ઈચ્છાને જ અનુસરવાની સલાહ આપીએ છીએ.’ મહેશભાઈએ વિનમ્રતાથી કહ્યું.

કોઈ કઈ બોલ્યું નહિ. શાંતિ અકળામણવાળી લાગવા લાગી. હવે રમેશકુમાર કે રમાબહેન શું બોલશે તે ખબર નહોતી પડતી.

વૈભવે ચુપકીદી તોડી. ‘ફુવા, તમે માર્ગદર્શન આપો તો આપણે આ જ બિઝનેસને વધારે લોકોના જીવનમાં બદલાવ લાવવાનું માધ્યમ બનાવી શકીએ. પૈસા વધારે નહિ મળે, પણ લોકોના ઘરમાં સમૃદ્ધિ આવશે તો પરોક્ષ આશીર્વાદ બહુ મળશે.’

‘મને તો પ્રોફિટમાં જ રસ છે. સમાજસેવા કરવામાં હું નથી માનતો.’ રમેશકુમારે થોડા અકળાઈને કહ્યું.

‘પ્રોફિટ તમારો.’ વૈભવે કહ્યું.

‘શું?’

‘હા, પ્રોફિટનો મોટો હિસ્સો તમે રાખી લેજો. મને પગાર અને થોડી ભાગીદારી આપજો. મારો ઉદેશ્ય પણ સોલ્વ અને તમારા રોકાણનું વળતર પણ વધારે.’ વૈભવની આંખોમાં નિષ્ઠા દેખાતી હતી.

‘બેટા, તે તો દિલ જીતી લીધું. મને લાગ્યું કે તું સમજદારીના અભાવે આવો નિર્ણય કરે છે પણ ખરેખર તો તું પરિપક્વતાથી આવું વિચારે છે એ જોઈને મને ખુબ માન થયું.’ રમેશકુમારે વૈભવના ગાલે ટપલી મારી વહાલ બતાવ્યું.

પરિવારમાં ગેરસમજ અને નારાજગી ઉભી થતા ટળ્યા એટલે સરિતા અને મહેશભાઈએ એકબીજાની આંખોમાં જોયું અને નિરાંતનો શ્વાસ લીધો. તેમને પોતાના પુત્ર પર માન થઇ આવ્યું કે આટલો નાનો છોકરો પરિસ્થિતિને સાચવી ગયો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular