Tuesday, May 20, 2025
Google search engine
HomeUncategorizedસુમનની આંખો દીવાલને શૂન્યમનસ્ક તાકતી રહી...

સુમનની આંખો દીવાલને શૂન્યમનસ્ક તાકતી રહી…

વિશાલ ટેક્ષીમાં બેસીને તેની આંખોથી અદ્રશ્ય થઇ ગયો ત્યાં સુધીમાં સુમનની આંખો ભીની થઇ ગઈ હતી. ત્યારબાદ રોડ પરથી પસાર થતી ટેક્ષી તેને માત્ર કાળા-પીળા રંગના પટ્ટા જેવી દેખાઈ રહી હતી. વેઈટર ટેબલ પરથી કપ ઉઠાવવા આવ્યો ત્યારે સુમને કોફીનો છેલ્લો ઘૂંટડો ભર્યો. ગળામાં તેની કડવાશ અનુભવતા તેણે પોતાની આંખો લૂછી. બિલ આવ્યું એટલે પાંચસોની નોટ મૂકીને લગભગ અડધાથી વધારે પૈસા ટીપ માટે છોડી તે ઉતાવળે પગલે કાફેમાંથી બહાર નીકળી ગઈ.
ઘરે પહોંચી ત્યાં સુધી વિશાલ અને તેના મમ્મી-પપ્પાના વિચારો મનમાંથી ગયા નહિ. રાત ઊંઘ્યાં વિના જ વીતી. લગભગ સવાર થવા આવી ત્યારે પોતાની બેગ ઉઠાવી એ એરપોર્ટ જવા નીકળી.

આખી રાતનો ઉજાગરો હતો એટલે બે કલાકની ફ્લાઈટમાં તેને સારી ઊંઘ આવી ગઈ. કોચી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઇ ત્યારે ઉજાગરાને કારણે થઇ રહેલ માથાનો દુખાવો ઓછો થઇ ગયો હતો. રોજ સવારે તેને વિશાલ સાથે વાત કરવાની આદત હતી, પણ હવે તે છોડવાનો નિશ્ચય થઇ ગયેલો. પોતાના ઘરે ગઈ તો મમ્મીને ભેટીને ખૂબ રડી. તેના પિતાએ માથે હાથ ફેરવીને સુમનને છાની રાખવાનો પ્રયત્ન તો કર્યો પરંતુ તેમની આંખો પણ આંસુના પૂરને રોકી ન શકી.

‘બધું સારું થઇ જશે, હિંમત રાખ.’ તેના પિતાએ અજંપો વર્તાવી રહેલી શાંતિને તોડતા કહ્યું.

સુમને માથું હલાવ્યું અને આંખો લૂછી પોતાના રૂમમાં જતી રહી. નાહી-ધોઈ તૈયાર થઈને દુબઇ જવા માટે બેગ ભરવાનું શરુ કર્યું. સાંજ સુધીમાં તેણે ત્રણ મોટી બેગ તૈયાર કરી લીધી હતી. વચ્ચે વચ્ચે મમ્મી અને પપ્પાએ પણ મદદ કરેલી પરંતુ સુમને ‘હું કરી લઇશ, તમે ચિંતા ન કરો,’ કહીને બંનેને મોટાભાગે રૂમની બહાર રાખેલા. મુખ્ય ઉદેશ્ય તો તેને એકાંત મળી રહે તેવો જ હતો.

વિશાલના ખ્યાલ તેના મગજમાંથી જતા નહોતા. વિશાલને છોડવાનો નિર્ણય સાચો હતો કે કેમ તેના અંગે વારંવાર મનમાં દ્વંદ્વ ખેલાતું અને તેનાથી જાણે મગજની નસો ફાટી જશે તેવી પીડા સુમનને થતી. આખરે સ્ત્રીના આંસુ જ તેનું દર્દ ઘટાડવામાં મદદરૂપ બનતા હોય છે અને સુમન સાથે પણ તેવું જ થયું. વિશાલે આપેલ રેશમી શાલને બેગમાં ભરતાં તેને વિશાલ સાથે વિતાવેલા રોમાન્ટિક દિવસો યાદ આવી ગયા.

(પ્રતીકાત્મક તસવીર)

સાંજે મમ્મી-પપ્પાના આગ્રહથી સુમન ડિનર ટેબલ પર તેમની સાથે તો બેઠી, પણ તેની ચમચી થાળીમાંથી મોં સુધી જાણે પહોંચતી જ નહોતી.

‘મને ખાતરી છે કે તારો ઈલાજ જરૂર થઇ જશે.’ તેની મમ્મી વિશ્વાસ વગરનું વાક્ય બોલી.

‘આજે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે બધી જ બીમારીઓના ઈલાજ શક્ય છે સુમન. તું નિરાશ ન થઈશ. આપણે સારામાં સારા ડોક્ટરને બતાવીશું.’ તેના પપ્પાએ વાત પર ભાર મૂકતા કહ્યું.

‘મને ખબર છે તમને મારી ચિંતા છે પણ હું ત્રણ ડોક્ટરને બતાવી ચૂકી છું. તેમનો મત એક સરખો જ છે. છ મહિનાથી વધારે સમય નથી મારી પાસે.’ સુમને એટલી સહજતાથી કહ્યું જાણે કે તેને કોઈ દુઃખ જ નહોય.

‘શુભ શુભ બોલો બેટા.’ બોલતાં બોલતાં તેની મમ્મીથી ડૂસકું ભરાઈ ગયું.

‘મમ્મી, આ બીમારીનો ઈલાજ નથી. મેં ખુબ સારી જિંદગી જીવી છે. તમે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. વિશાલ સાથે જે સમય વિતાવ્યો તેનાથી તો મારી બાકી રહેલી બધી જ ઈચ્છાઓ તૃપ્ત થઇ ગઈ છે. હવે મને કોઈ જ દુઃખ નથી.’ સુમનના મુખ પરનું હાસ્ય સ્પષ્ટ દર્શાવતું હતું કે તેની વાતમાં ભારોભાર સચ્ચાઈ હતી.

‘તું વિશાલને બધી હકીકત કહી દે તો?’ તેના પિતાએ તર્ક કર્યો.

(પ્રતીકાત્મક તસવીર)

‘પપ્પા, મારી બીમારી વિશે જાણીને તે મને છોડી નહીં શકે. તેના પેરેન્ટ્સ અમારા લગ્ન જલ્દી કરાવી દેવાની જીદ કરશે. મારા માટે તો એ ધરતી પર સ્વર્ગ સમાન હોઈ શકે, પણ મારા ગયા પછી તે ત્રણેય લોકો પર જે આભ તૂટશે તેનું વિચારીને જ મેં આ પગલું ભર્યું છે. જો મને પહેલા ખબર હોત તો હું તેની સાથે સગાઈ પણ ન કરત.’ સુમનની આંખો દીવાલને શૂન્યમનસ્ક તાકતી રહી.

‘પણ તેઓ તારા વિશે શું વિચારશે?’ સુમનની મમ્મીએ ચિંતા જતાવી.

‘વિશાલને હું ઓળખું છું. તે મને સાચો પ્રેમ કરે છે. કોઈ પણ કારણ હોય, તે મને નફરત ક્યારેય નહિ કરે. વિશાલ તેની જિંદગીમાં સેટ થઇ જાય એટલા માટે જ મેં આ પગલું ભર્યું છે.’ સુમનની આંખોમાં આત્મવિશ્વાસ અને સમર્પણ છલકાતાં હતા.

(રોહિત વઢવાણા)

 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular