Friday, May 23, 2025
Google search engine
HomeUncategorizedઅમૃતાનો અવાજ સખ્ત થયો...

અમૃતાનો અવાજ સખ્ત થયો…

અમૃતા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેને મોટા થઈને વર્કિંગવુમન બનવાની ઈચ્છા હતી. તેણે વિચારેલું કે કોલેજ પછી તે કાયદો ભણીને કોર્ટમાં પ્રેક્ટિસ કરશે. કોલેજ પૂરી કરી ત્યાં તેના માતા-પિતાએ તેમના સમાજની પરંપરા અનુસાર એક મોભાદાર પરિવારમાં અમૃતાના લગ્ન કરાવી દીધા.

અમૃતાનો પતિ જોરાવરસિંહ ખૂબ પાવરધો માણસ હતો અને રાજકારણમાં સક્રિય હતો. તે રાજવી પરિવારથી આવતો હતો અને આજના મોડર્ન જમાનામાં પણ લોકો તેને રાજકુમાર કહીને સંબોધતા. મોટી હવેલી, અપાર સંપત્તિ અને સમાજમાં ઈજ્જત. બધું જ સારું હતું અમૃતાના ઘરમાં.

ચારેક વર્ષ પછી અમૃતાને પુત્ર અવતર્યો અને તેને કારણે પરિવારમાં તેની ઈજ્જત, આબરૂ ખૂબ વધી ગઈ. ઘરમાં સૌ તેને બા સાહેબ કહીને બોલાવે. પરિવારમાં રૂઢિ અને પરંપરાઓનું જોર વધારે એટલે અમૃતાનો મજાક-મશ્કરી કરવાનો સ્વભાવ બદલાઈ ગયો અને તેને મોટાભાગે ગંભીર અને વિનમ્ર મુદ્રામાં રહેવું પડતું. પરંતુ તેમાં કઈ દુઃખની વાત નહોતી.

પુત્રની સંભાળ રાખવા માટે ઘરમાં એક નૈની રાખવાની વાત થઇ. આમ તો નોકર ચાકર ખરા પરંતુ કુંવર સાહેબ માટે સંપૂર્ણ સમર્પિત નૈની હોય તો તેની દેખરેખ સારી થાય તેવા ઉદ્દેશ્યથી એક નૈનીની નિમણુંક થઇ. નૈની પહેલીવાર ઘરમાં આવી તો તેને જોઈને અમૃતા ચોંકી ગઈ. ભણેલી ગણેલી અને સુંદર યુવાન સ્ત્રી. એક વખત તો તેને લાગ્યું કે શું આ યુવતી તેના પુત્રનું ધ્યાન રાખી શકશે? પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેને નૈની પર ભરોસો બેસતો ગયો. ખૂબ પ્રેમાળ, મૃદુ ભાષી અને પોતાના કામમાં સમર્પિત.

ઘરમાંથી બાળકની જવાબદારીનું કામ પણ ઘટ્યું એટલે અમૃતા થોડો સમય બીજી પ્રવૃતિઓમાં શામેલ થવા માંડી અને સમાજની બીજી સ્ત્રીઓ સાથે હળવા-મળવા લાગી. એક-બે સામાજિક સંગઠનોમાં પણ જોડાઈ અને પોતાની જાતને વ્યસ્ત રાખતી થઇ. ક્યારેક તેને આ સંગઠનના કામે બહાર જવાનું પણ થાય. જોરાવરસિંહને અમૃતાની આ પ્રવૃત્તિથી વાંધો નહોતો કેમ કે તેનાથી તેની રાજકીય પ્રવૃત્તિને વધારે ફાયદો થઇ રહ્યો હતો.

એક વખત અમૃતા કોઈ સંગઠનની મિટિંગ પતાવીને સાંજે ઘરે પાછી ફરી તો તેના પુત્રના રૂમમાંથી જોરાવરસિંહને નીકળતા જોયા. પોતાના પતિ બાળકના રૂમમાં આમ તો જાય નહિ પરંતુ કદાચ સમય મળ્યો હોય અને પુત્ર સાથે રમવા ગયા હોય તેવું વિચારીને તે પુત્રના રૂમમાં પ્રવેશી. નૈની થાકેલી અને થોડી અસ્તવ્યસ્ત અવસ્થામાં લગતી હતી. તેની આંખો સૂજેલી હતી અને કપડાં ચોળાયેલા. અમૃતાને શંકા થઇ કે દાળમાં કઈંક કાળું છે.

તેને જોઈને નૈની ચોંકી ગઈ અને જલ્દીથી પોતાની હાલત સંભાળી.

‘શું થયું?’ અમૃતાએ માલિકની અદાથી પૂછ્યું.

‘કંઈ નહિ.’ કહેતા નૈની દરવાજા તરફ ચાલી.

અમૃતાએ તેનો હાથ પકડીને રોકી અને ખુરસી પર બેસવા કહ્યું. નૈની બેઠી અને અમૃતાએ ફરીથી પૂછ્યું. ‘જોરાવરસિંહ અહીં શા માટે આવ્યા હતા? તારા વાળ કેમ વિખરાયેલા છે?’

‘એ તો કુંવરસાહેબને જોવા આવેલા. પછી ઊંઘી ગયા તો ચાલ્યા ગયા.’ નૈનીએ અમૃતાની આંખોમાં આંખો ન મેળવી.

‘મને લાગે છે કે તું મારી પીઠ પાછળ કઈંક કાળા કામ કરી રહી છો. જો મને ….’ અમૃતાનો અવાજ સખ્ત થયો અને તે આગળ બોલે તે પહેલાં તો નૈની તેના પગમાં પડી રડી પડી.

‘બા સાહેબ, બે મહિનાથી મારું શારીરિક શોષણ થઇ રહ્યું છે. હું કહું તો કોને કહું? મને નોકરીની જરૂર છે અને સાહેબે મને પૈસા આપીને ચૂપ કરાવી દીધી. અને જો હું કંઈ બોલું તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે.’ તેના ધ્રુસકા રોકાતા નહોતા.

‘તે મને પહેલા કેમ ન કહ્યું? પણ જો તારી ઈચ્છાથી થઇ રહ્યું હશે તો હું તને નહિ છોડું. યાદ રાખજે.’ અમૃતાએ નૈનીને આશ્વાસન આપવાની સાથે સખત શબ્દોમાં ચેતવણી આપી.

રાત્રે ડિનર પછી જોરાવરસિંહ બેડરૂમમાં ઊંઘવા આવ્યા ત્યારે અમૃતાએ વાત ઉખેડી. ‘આજે નૈનીના રૂમમાંથી તમને નીકળતા જોયા એટલે મેં પૂછપરછ કરી.’

જોરાવરસિંહ ચોંક્યા અને સાવચેત થઇ સાંભળી રહ્યા.

‘તેનું કહેવું છે કે શારીરિક શોષણ થઇ રહ્યું છે.’ અમૃતાએ વાત આગળ ચલાવી.

‘તેની મરજીથી થયું છે.’ જોરાવરસિંહે કહ્યું. તેને ખબર હતી હવે વાત છુપાવવાનો કોઈ ફાયદો નહોતો.

‘હું મહિલા ઉત્કર્ષ માટે કાર્ય કરું છું. મારાથી આ અન્યાય નહિ જોઈ શકાય. જો મારે પારિવારિક જીવનની કુરબાની આપવી પડે તો આપી દઈશ પરંતુ કોઈ અબળા નારી પર આવો અત્યાચાર નહિ સહન કરું.’ અમૃતાએ પોતાના હાથ પર ક્રીમ લગાડતા કહ્યું.

‘ચૂંટણી આવી રહી છે. પાર્ટી મને લોકસભા માટે ટિકિટ આપવાની છે. હું ઈચ્છું છું કે મારી વિધાન સભાની સીટ ખાલી પડે તેના પર તું ચૂંટણી લડે તો સારું. તારા મહિલા ઉત્કર્ષના કામોને કારણે લોકો તને પસંદ કરવા માંડ્યા છે.’ જોરાવરસિંહે મૂંછોને તાવ આપતા અરીસામાં જોતા પ્રસ્તાવ મૂક્યો.

‘હું નૈનીને બે લાખ આપીને રવાના કરું છું અને તેને સહકારી બેંકમાં નોકરી અપાવી દઈશ.’ અમૃતાએ ક્રીમની ડબ્બી બંધ કરીને બાજુમાં મૂકી દીધી.

‘પાંચ લાખ આપી દેજે.’ જોરાવરસિંહે રૂમની લાઈટ બંધ કરતા કહ્યું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular