Sunday, July 13, 2025
Google search engine
HomeSpecial Storiesભારતની પરિવહન વ્યવસ્થાના પ્રતીક સમા રેલવે સ્ટેશનો...

ભારતની પરિવહન વ્યવસ્થાના પ્રતીક સમા રેલવે સ્ટેશનો…

ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ. આ ઐતિહાસિક શરૂઆતથી ભારતીય પરિવહન વ્યવસ્થામાં નવી ક્રાંતિ ની શરૂઆત થઈ હતી. ભારતીય રેલ્વેએ મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી સરળ બનાવવાની સાથે ભારતમાં વેપારને પણ પ્રોત્સાહન આપ્યું. તો વળી એની સાથે દેશના સૌથી જૂના રેલવે સ્ટેશનોનો ઈતિહાસ પણ શરૂ થયો. આ સ્ટેશનોએ સમય સાથે ઘણા ફેરફારો જોયા છે. તો વળી ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ પણ બની રહ્યા. વર્તમાન સમયમાં તો ભારતીય રેલવેમાં રોજ લાખો મુસાફરો વહન કરે છે. તો આજે જાણીએ ભારતના જૂના અને ઐતિહાસિક રેલવે સ્ટેશન વિશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ

મુંબઈમાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એ ભારતનું સૌથી જૂનું અને ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. જે પહેલા બોરીબંદર રેલવે સ્ટેશન તરીકે ઓળખાતુ. જેનું ઉદ્ઘાટન 1853માં કરવામાં આવ્યું હતું. 16 એપ્રિલ 1853માં બોરીબંદરથી થાણેની દેશની પ્રથમ ટ્રેન આ રેલવે સ્ટેશન પરથી ઉપડી હતી. 14 ડબ્બા સાથેની આ ટ્રેન લગભગ 400 યાત્રીઓને લઈને 34 કિલોમીટરની યાત્રા કરી હતી. આ યાત્રા એ ભારતના રેલવે ઇતિહાસની શરૂઆત હતી. 1887માં, બોરીબંદરનું નવું સ્ટેશન બાંધવામાં આવ્યું હતું અને એને વિક્ટોરિયા ટર્મિનસ (VT) નામ આપવામાં આવ્યું, જે બાદમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CST) નામે ઓળખાયું. CST સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત છે. આ રેલવે સ્ટેશનનું આર્કિટેક્ચર વિક્ટોરિયન ગૉથિક શૈલીમાં છે.

હાવડા જંક્શન, કોલકાતા

હાવડા જંક્શન રેલવે સ્ટેશન  ભારતની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક વારસાનું પ્રતીક છે. ભારતમાં સૌથી જૂના અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું પણ એક છે. આ સ્ટેશન પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકોતામાં સ્થિત છે. 1854માં આ રેલવે સ્ટેશનની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સૌથી વધુ 23 પ્લેટફોર્મ ધરાવતું આ સૌથી મોટુ રેલવે સ્ટેશન છે.

અહીંથી પહેલી યાત્રા 24 માઈલ લાંબી હાવડાથી હૂગલી સુધીની હતી.  હાવડા જંક્શનનું બાંધકામ બ્રિટિશ શાસન દરમિયાન થયું હતું. એની ડિઝાઇનમાં ક્લાસિકલ યુરોપિયન આર્કિટેક્ચરનો ટચ જોવા મળે છે. સ્ટેશનની ઇમારત ખૂબ વિશાળ છે. આ સ્ટેશનનું પ્લેટફોર્મ 23 એ ભારતનું સૌથી લાંબું પ્લેટફોર્મ ગણાય છે, જ્યાં 24 કોચની ટ્રેન સરળતાથી ઊભી રહી શકે છે. વિશાળ ઇમારત અને ઐતિહાસિક ડિઝાઇનને કારણે એ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત એશિયાના સૌથી મોટા કેન્ટીલીવર બ્રિજમાંનું એક છે.

રોયાપુરમ રેલવે સ્ટેશન, તમિલનાડુ

રોયાપુરમ રેલવે સ્ટેશન એ ભારતના રેલવે ઇતિહાસનું એક મહત્વનું સ્મારક છે. એના લાંબા ઇતિહાસ અને ઐતિહાસિક બાંધકામને કારણે, એપ્રવાસીઓ અને ઐતિહાસિક સંગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 28 જૂન 1856ના રોજ, એ સમયના મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ હૅરિસ દ્વારા રોયાપુરમ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. રોયાપુરમથી પહેલી ટ્રેન ચેન્નાઇ (ત્યારે મદ્રાસ) થી આર્કોટ (વેલોર જિલ્લો) સુધી દોડવામાં આવી હતી.તમિલનાડુના સૌથી જૂના રેલવે સ્ટેશનોમાંનું એક છે, સાથે જ દક્ષિણ ભારતમાં રેલ મુસાફરીની શરૂઆત માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.

રોયાપુરમ રેલવે સ્ટેશનની ઇમારતને બ્રિટિશ કોલોનીયલ શૈલીમાં બાંધવામાં આવી હતી. વિશાળ દરવાજા, આર્કડ ઇમારત, અને રોમન કૉલમ જેવા આર્કિટેક્ચરલ એની ઐતિહાસિક ભવ્યતા દર્શાવે છે. 21મી સદીમાં, આ સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ એની મૂળ વાસ્તુકળાને જાળવી રાખવામાં આવી છે. જેના કારણે અહીં આવતા મુસાફરો માટે આ સ્ટેશન આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે

આગ્રા ફોર્ટ રેલવે સ્ટેશન, આગ્રા

આગ્રા ફોર્ટ રેલવે સ્ટેશન એ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં આવેલું એક ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનને એનું નામ આગ્રા ફોર્ટ, એક વિશ્વ પ્રસિદ્ધ સ્મારક, પરથી મેળવ્યું છે. બ્રિટિશ શાસન દરમિયાન 1874માં આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતુ.

આગ્રા ફોર્ટ સ્ટેશનનો ઉપયોગ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે અને રાજપૂતાના-માલવા રેલવે કંપનીઓ દ્વારા કરવામાં આવતો. આ સ્ટેશન એ બ્રિટિશ શાસનના સમયના ઐતિહાસિક ઇમારતોમાંથી એક છે, એની ડિઝાઇનમાં બ્રિટિશ આર્કિટેક્ચરનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.  ઇટાલિયન શૈલીના બાંધકામને કારણે એ આજે પણ ઐતિહાસિક ઈમારત ગણાય છે. ઇમારતની ડિઝાઇન અને આર્કિટેક્ચર, તેને આગ્રાના ઐતિહાસિક વારસામાં સામેલ કરે છે. એટલુ જ નહીં આ સ્ટેશનની ઇમારતને ઐતિહાસિક સ્મારક તરીકે માન્યતા આપવામાં આવી છે. જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું, ત્યારે આ સ્ટેશનનો ઉપયોગ વાઇસરૉય અને બ્રિટિશ અધિકારીઓની ખાસ ટ્રેનો માટે થતો હતો.

વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન, ઝાંસી

વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જંકશન, જે અગાઉ ઝાંસી જંકશન રેલવે સ્ટેશન તરીકે ઓળખાતું હતું, એ 1880ના દાયકાના અંત ભાગમાં બનાવવામાં આવ્યું હતું. બુંદેલખંડ ક્ષેત્રનું આ સૌથી જૂનું રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે એ ઝાંસી અને એની આસપાસના વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડતું મુખ્ય હબ રહ્યું છે.

ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હી

1864માં બનેલું જૂનું દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હીનું સૌથી જૂનું સ્ટેશન છે.  1903માં ફરીથી એનું નવિનીકરણ કરવામાં આવ્યુ હતું, જો કે એની ઐતિહાસિક ઝાંખીને સાચવી રાખવામાં આવી છે. ભારતના વ્યસ્ત સ્ટેશનમાં આ એક મહત્વનું સ્ટેશન ઘણવામાં આવે છે. રોજ અહીંથી લાખો મુસાફરો અહીંથી મુસાફરી કરે છે. ઓલ્ડ દિલ્હી સ્ટેશન એ ચાંદની ચોકમાં આવેલું છે અને ભારતીય સ્વતંત્રતાના પ્રતીક સમા લાલ કિલ્લાની નજીક છે.

હેતલ રાવ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular