Saturday, June 28, 2025
Google search engine
HomeSpecial StoriesDivandandiભયના ઓથારથી શેવનિંગ સ્કોલરશીપ: એક કશ્મીરી યુવતીની સફર

ભયના ઓથારથી શેવનિંગ સ્કોલરશીપ: એક કશ્મીરી યુવતીની સફર

ભારતના મુકુટ સમાન ગણાતું જમ્મુ-કાશ્મીર, આતંકવાદ અને રાજકીય અરાજકતાના કારણે કાયમથી અશાંત રહ્યું છે અને અહીંના લોકો હંમેશા ભયના ઓથાર તળે જીવતા આવ્યા છે.

આવી પરિસ્થિતિમાં એક કશ્મીરી યુવતી કશ્મીરમાં જ ભણે અને અગવડો વચ્ચે રસ્તો કરતી કરતી છેક બ્રિટીશ સરકાર દ્વારા અપાતી શેવનિંગ સ્કોલરશીપ મેળવવા સુધી પહોંચે એ વાત જ કેટલી પ્રેરણાદાયી છે?

આજે દીવાદાંડી વિભાગમાં વાત કરીએ આવી જ એક યુવતી નામે રક્ષંદા રાશિદની. કશ્મીર યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા પછી અનેક માપદંડો પર ખરા ઉતરીને શેવનિંગ સ્કોલરશીપ સુધી પહોંચનાર રક્ષંદા હાલમાં લંડનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.

શું છે શેવનિંગ સ્કોલરશીપ? 

શેવનિંગ શિષ્યવૃત્તિ બ્રિટિશ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી અત્યંત પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ છે, જેના દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરવામાં આવે છે. 1983થી દર વર્ષે અપાતી આ શિષ્યવૃત્તિ અગાઉ અલ્વારો ઉરીબે (કોલંબિયાના રાષ્ટ્રપતિ), અમિતાભ કાંત (નીતિ આયોગના સી.ઈ.ઓ.), આનંદ રામલોગન (ત્રિનિદાદ અને ટોબૈગોના એટોર્ની જનરલ), એની અનરાઈટ (બુકર પ્રાઈઝ વિજેતા લેખિકા), કાર્લોસ અલ્વારાડો કેસાડા (કોસ્ટા રિકાના રાષ્ટ્રપતિ), ગીગા બોકેરિયા (રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ, જોર્જિયા), પૂજા કપૂર (બુલ્ગેરિયામાં ભારતીય રાજદૂત), રાજેશ તલવાર (ભારતીય લેખક) જેવા લોકોને મળી ચૂકી છે.

શું છે રક્ષંદા રાશિદનું પારિવારિક બેકગ્રાઉન્ડ?

રક્ષંદા રાશિદના માતા-પિતા વધારે ભણેલા નથી, પરંતુ તેઓ હંમેશા બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા. માતા દિલશાદ શેખ એક ગૃહિણી છે. પિતા અબ્દુલ રાશિદ શેખ જ્યારે સફરજનની સિઝન હોય ત્યારે ખાનદાની બગીચાઓમાં કામ કરે. એ સિવાયના સમયે શ્રીનગરના નિશાત વિસ્તારમાં આવેલા ઘર પાસે એક નાની દુકાન ચલાવે છે. મોટી બહેન તૌસીફ રાશિદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)માં સાયકાટ્રિક સોશિયલ વર્કર તરીકે કાર્યરત છે. જ્યારે ભાઈ ઝૈદ-બિન-રાશિદ શ્રીનગરની મેડિકલ કોલેજમાંથી M.B.B.S.ના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરે છે.

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં રક્ષંદા કહે છે, “વર્ષ 2009-10માં શાળાના સમય દરમિયાન અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કોલેજના સમયે તો પરિસ્થિતિ વધારે ખરાબ હતી. વર્ષ 2015થી 2019ની વચ્ચે મારો એન્જિનિયરિંગ અભ્યાસ ચાલી રહ્યો હતો એ સમયે રાજકીય રીતે વાતાવરણ ખૂબ જ તંગ હતું. મારો અભ્યાસ પણ ચારના બદલે સાડા ચાર વર્ષે પૂરો થયો હતો. તંગદીલીના લીધી કોલેજો તો બંધ રહેતી જ હતી. શહેરમાં શટ-ડાઉન થતા હતા, કર્ફ્યૂ મૂકી દેવામાં આવતો હતો. ઈન્ટરનેટની સુવિધા પણ મહિનાઓ સુધી બંધ રાખવામાં આવતી હતી. જેનાં કારણે અમે ક્લાસીસ અટેન્ડ ન હતા કરી શકતા કે ન તો બીજા કોઈ માધ્યમ દ્વારા ભણી શકતા. દેશના બીજા રાજ્યોની સરખામણીએ અમારે લોકોએ ભણવા માટે વધારે પ્રયત્નો કરવા પડતા હતા.”

એ કહે છે, “ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે છોકરીઓ ઓછી હોય. જમ્મુ-કાશ્મીરમાં તો નહિવત કહી શકાય એટલી છોકરીઓ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરે છે. અલબત્ત, મારી કોલેજમાં પ્રોફેસર્સ, સાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ખૂબ જ સપોર્ટિવ હતા. ક્યારેક જેન્ડરને લઈને કોઈ પણ પ્રકારના ભેદભાવનો અનુભવ થયો ન હતો.”

રક્ષંદાએ કોરોના સમયમાં કોમ્યુનિટી સેવા પણ કરી હતી. એ કહે છે, “અમારે ત્યાં તો પહેલેથી જ કલમ 370ના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ રહેતી. જમ્મુ-કાશ્મીરમાં જે કોવિડના કેસ આવ્યા હતા તેમાં મારા પરિવારના લોકોને પણ ઈન્ફેક્શન લાગ્યું હતું. એ લોકો જ્યાં ક્વોરોનટાઈન થયા હતા તે સેન્ટરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. સ્વચ્છતાનો અભાવ હતો. પૂરતા પ્રમાણમાં દવાઓ પણ ઉપલબ્ધ ન હતી. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડી. એની અસર થઈ અને લોકોને સ્વચ્છ રૂમ અને પૂરતાં પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ થઈ. આ સિવાય, અમે લોકો જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં કોવિડથી પ્રભાવિત પરિવારો માટે ભોજન બનાવતા હતા. મેડિકલ પેકેજ તૈયાર કરીને તેનું વિતરણ કરતા હતા.”

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શાખા પસંદ કરવા પાછળનું કારણ જણાવતાં એ રક્ષંદા કહે છે, “મને નાનપણથી ગણિત વિષયમાં ખૂબ જ રસ હતો. મારા પરિવારમાં કેટલાંક એન્જિનિયર હતા. તેમનું કામ જોઈને મને પણ એન્જિનિયરિંગમાં રસ જાગ્યો. જમ્મુ-કાશ્મીરમાં અત્યારે ઈલેક્ટ્રિકલ સેક્ટરની જે પરિસ્થિતિ છે અને યોગ્ય મેનેજમેન્ટના અભાવે લોકોએ ખૂબ જ પરેશાન થવું પડે છે તેને જોતાં મને એવું લાગ્યું કે મારે આ જ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરીને પરિસ્થિતિ સુધારવા માટે કંઈક કરવું જોઈએ.”

શેવનિંગ સ્કોલરશીપ માટેની સફર

જમ્મુ-કાશ્મીરના મારિયા નામની એક વિદ્યાર્થિનીને પહેલાં આ સ્કોલરશીપ મળી હતી. તેણે રક્ષંદાને આ સ્કોલરશીપ વિશે જણાવ્યું. પ્રોજેક્ટ એજ્યુએક્સેસ નામની સંસ્થા દ્વારા યોજાએલા એક પ્રોગ્રામમાં રક્ષંદા અગાઉ સ્કોલરશીપ મેળવી ચૂકેલા કેટલાંક વિદ્યાર્થીઓને પણ મળી. શેવનિંગ સ્કોલરશીપ વિશે પણ જાણવા મળ્યું એટલે આ સ્કોલરશીપ વિશે વધુ અભ્યાસ કર્યો અને મેન્ટરશીપ પ્રોગ્રામ માટે એપ્લાય પણ કર્યું. આકરી મહેનતના અંતે તેને આ સ્કોલરશીપ મળી. દેશમાં કુલ છ સ્ટુડન્ટ્સને આ સ્કોલરશીપ મળી છે એમાં રક્ષંદા એક છે. હાલ એ યુકેમાં એનર્જી સિસ્ટમ એન્ડ ડેટા એનાલિસિસ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે.

રક્ષંદા કહે છે, “મારે એનર્જી સેક્ટરમાં જ કામ કરવું છે. મેં એનર્જીની સાથે-સાથે ડેટા-સાયન્સ અને AIને પણ જોડી દીધું છે. આ પ્રોગ્રામમાં અમને શીખવવામાં આવે છે કે તમે ડેટા સાયન્સનો ઉપયોગ એનર્જી સેક્ટરમાં કઈ રીતે કરી શકો છે. અભ્યાસ બાદ મારી જન્મભૂમિ જમ્મુ-કાશ્મીરના લોકો માટે એનર્જી સેક્ટરમાં કામ કરવાની ઈચ્છા છે, જેનાથી હું ગ્રાઉન્ડ લેવલ પર કેટલાંક બદલાવ લાવી શકું, લોકોની મદદ કરી શકું. આ સિવાય, હું જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે મેન્ટરશીપ પ્રોગ્રામ પણ કરવા માગું છું. કાશ્મીરની યુવતીઓ એન્જિનિયરિંગ અને ટેક્નિકલ સેક્ટરમાં, ડેટા સાયન્સ સેક્ટરમાં વધારે જોવા મળતી નથી. આથી હું તેમને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાની ઇચ્છા પણ ધરાવું છું.”

ઉલ્લેખનીય છે કે રક્ષંદાની સ્કોલરશીપ યુકે ગર્વમેન્ટ અને અમદાવાદસ્થિત અદાણી ફાઉન્ડેશન દ્વારા ફંડેડ સ્કોલરશીપ છે. એક ભારતીય, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરની યુવતીને વિપરીત સંજોગોમાંથી અહીં સુધી પહોંચવાની તક મળી એ રક્ષંદાની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. શિક્ષણ મેળવ્યા પછી પોતાના પ્રદેશ માટે કાંઇક કરવાની એની ઇચ્છા હકીકતમાં તો એના જેવી અનેક કશ્મીરી યુવતીઓની ઇચ્છા છે. રક્ષંદા એ યુવતીઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular