Friday, May 16, 2025
Google search engine
HomeSpecial StoriesO-Womaniyaઆ મહિલાઓ સુપર વુમન નથી, એ સ્ત્રી જ છે!

આ મહિલાઓ સુપર વુમન નથી, એ સ્ત્રી જ છે!

‘આદિત્ય, મારે તને નથી કહેવું છતાં આજે કંટાળીને વાત કરવી પડે છે. પૂર્વા હવે એક બાળકની માતા છે, હું કહી કહીને થાકી, હવે તું જ એને સમજાવ કે થોડો સમય દીકરા આરવને પણ આપે.’ પૂર્વાનાં સાસુએ દીકરા આદિત્યને સળી કરતા કહી દીધું. જોકે આ પ્રથમવારનું નથી. આરવના જન્મ પછી સાત મહિને પૂર્વાએ ફરીથી જોબ શરુ કરી ત્યારથી ઘરમાં આ જ રામાયણ ચાલે છે. સાસુને લાગે છે વહુ ગૃહિણી બનીને રહે તો પુત્રનો યોગ્ય સંસ્કાર સાથે ઉછેર કરી શકે. એમને ક્યાં ખબર છે કે આ આલીશાન ફ્લેટના હપ્તા, કાર, આવનારા સમયમાં બાળકને સારી શાળામાં ભણાવવાનો ખર્ચ, સામાજિક ખર્ચ, મેડિકલ.. આ બધું આદિત્ય એકલો ક્યાંથી પહોંચી વળે? પાછી પૂર્વાની નોકરી સારી છે, ઉચ્ચ પગાર છે.

પરંતુ પોતે ના કહી છતાં નોકરી શરુ કરી એવા ખોટા અહમના કારણે સાસુ વિમલાબહેન પૂર્વા નોકરી કરે છે એ સહન કરી શકતા નથી અને વારંવાર એ વાતે પૂર્વાને મહેણાં મારે છે.

હકીકતમાં તો પૂર્વા યોગ્ય રીતે બાળક, ઘર-પરિવાર બધી જ જવાબદારી સારી રીતે નિભાવે છે.

જ્યારે પણ સમય સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો એ આદિત્યને કહે છે, તમે ચિંતા ના કરશો, હું સંભાળી લઈશ. છતાં સાસુને એનાથી સંતોષ નથી.

પરંતુ આ સમસ્યા ફક્ત એક પૂર્વાની જ નથી. હકીકતમાં મોટાભાગની વર્કિંગ વીમેન આ સમસ્યાનો સામનો કરે છે.

કેવીક છે આ સમસ્યા? શું કરી શકાય એ માટે?

..તમે તો દેવી માનીને એને હાંસિયામાં ધકેલી મુકો છો!

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગભાઈ જાની ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “મહિલાઓ બેવડી, ત્રેવડી એમ અનેક પ્રકારની જવાબદારી નિભાવી રહી છે. હકીકતમાં બહેનોને પોતાના કામ માટે મુક્તિ મળવી જોઈએ. નોકરીના સમયે ઓફિસમાં હાજર તો હોય છે જ, સાથે જ એના મનોજગતમાં એનું ઘર પણ હોય છે. મહિલાઓની જે પરિસ્થિતિ હોય છે એ સ્થિતિમાંથી ક્યારેય પુરુષોએ પસાર નથી થવું પડતું. કામકાજી મહિલા સવારે ઘરના બધા જ કામ કરીને નિકળે છે. પાછું ઓફિસમાં પણ પોતાના કામને ન્યાય આપવો પડે. આપણે એને કહીએ કે આ બંને વચ્ચે સંતુલન જાળવવા, પરંતુ એ માત્ર સમતુલન નથી. બહુ મોટી વ્યથા અને પીડા છે. ઘણીવાર એની બેવડી ભૂમિકા બખૂબી નિભાવી રહી હોય એવી મહિલાની આપણે પીઠ થાબડીએ છીએ. પણ પુરુષોને જો એમ કહેવામાં આવે કે તે ઘરનું બધું કામ પૂર્ણ કરીને નોકરી પર જાય..તો કેટલા પુરુષો એ કામ કરી શકે? પરુષો રોજ પોતાની પત્નીને નોકરી અને ઘરકામ સાથે કરતા જૂએ તો છે, પરંતુ જાતે એ કરી નથી શકતા. હજુ પણ મોટા પ્રમાણમાં બેવડી ભૂમિકા નિભાવી રહેલી મહિલાઓને પરિવાર કે પોતાના કહી શકાય એવી વ્યક્તિનો જોઈએ એટલા પ્રમાણમાં સપોર્ટ નથી મળતો.”

વધુમાં એ કહે છે કે, “આપણે વ્યાપક રીતે મહિલાઓની બેવડી ભૂમિકાનું મૂલ્ય નથી સ્વીકાર્યુ. તમે સ્ત્રીને દેવી કહો છો, ટીવી પરની જાહેરખબરમાં એમના ચાર-પાંચ હાથ બતાવો છો. નોકરી કરતી, ઘરકામ કરતી, બાળકો સાચવતી એવી અનેક ભૂમિકા નિભાવતી મહિલાઓના ચિત્ર રજૂ કરો છો, એનું ગૌરવ માનો છો પરંતુ આ ગૌરવ કરવા જેવી વાત નથી. હકીકતમાં તો તમે એને દેવી માનીને એને હાંસિયામાં ધકેલી મૂકો છો. એને મદદ કરવા પણ તૈયાર નથી. મહિલા જો નોકરી પર ચૂક કરે તો એને ત્યાં પણ સાંભળવાનું અને ઘરે બરાબર ન કરી શકે તો ત્યાં પણ મહેણાં-ટોણાંનો ભોગ બનવાનું. વર્કિંગ વુમનને સપોર્ટ કરતી હોય એવી કામ કરવાની જગ્યા પણ ઘણી ઓછી છે. વર્કફ્રોમ હોમ કરતી મહિલાને પણ બે ફર્મ સંભાળવાની હોય છે. હજુ પણ ઓફિસમાં કે ઘરમાં મહિલાઓને મદદરૂપ બની શકાય એવુ વાતાવરણ ઉભુ કરવામાં આપણે નિષ્ફળ રહ્યાં છીએ.”

હજુ પણ પુરુષપ્રધાન સમાજ ગયો નથી

KSMVS (કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ)ના પ્રમુખ હેતલ અમીન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “ઘરમાં શાંતિ રહે એ માટે વર્કિંગ વુમનને ઘરના દરેક કામ મને કે કમને કરવા જ પડે છે. બીજી એક વાત એ પણ છે કે જો મહિલા ઘરના કામ પતાવ્યા વગર જ નોકરી પર નીકળી જાય તો એ ઓફીસમાં પણ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતી. ગૃહિણી અને વર્કિંગ વુમનની બેવડી ભૂમિકા નિભાવવામાં મહિલા પીસાઇ જાય છે. ઓફિસમાં મિટીંગ હોય અને ઘરે મહેમાન આવવાના હોય કે ઘરે કોઈ પ્રસંગ હોય અને એ જ દિવસે ઓફિસનું પણ મહત્વનું કામ હોય તો એ દિવસ મહિલા માટે ઘણો કપરો રહે છે. પરિવારનો સપોર્ટ મળે તો જ મહિલા વર્કિંગ પ્લેસ પર આગળ વધી શકે છે.”

એ વધુમાં કહે છે “મારી સાથે જોડાયેલી અનેક મહિલાઓ એમના પ્રશ્નોની અમારી સાથે ચર્ચા કરે છે. મને કહે છે કે મેડમ, મારા દિયરના લગ્ન છે. અઠવાડિયા માટે ગામડે જવાનું છે તો એ સમયે મારું કામ બગડે ને મોટું નુકસાન થશે. કોમ્પિટિશનનો જમાનો છે. હવે ત્યાં એ એમ ન કહી શકે કે હું બે દિવસ જ આવીશ. આવા તો અનેક પ્રશ્નો એમને થતા હોય. હવે સમય એવો થઈ ગયો છે કે વર્કિંગ વુમન ધારે એ કરી શકે. એની શક્તિ અમાપ છે. પરંતુ એને એ માટે આ બધા સામાજિક દાયરામાંથી થોડીક ફ્રીડમ આપવી જરૂરી છે. મહિલાને જ્યારે પુરુષ સમકક્ષ ગણવામાં આવે છે. તો એને કેમ સામાજિક બંધન નડે છે, તારે સામાજિકમાં આટલું કામ તો કરવું જ પડશે, એવુ કેમ કહેવામાં આવે છે?  જો કે મારા પરિવારને મે સમજાવ્યાં અને એ મને સમજે છે સહકાર આપે છે તો હું આ સ્ટેજ પર પહોંચી શકી છું. વાસ્તવિક્તા એ પણ છે કે હજુ પણ પુરુષપ્રધાન સમાજ ગયો નથી. પ્રાઈમ મિનિસ્ટરથી લઈને ઉચ્ચ હોદ્દા પર કામ કરતી દરેક મહિલાને પોતાના દાયરામાં આવતુ કામ તો કરવું જ પડે છે. હું લગભગ દરેક મોટી પોસ્ટ પર રહેલી મહિલાઓ સાથે કામ કરું છું અમારી મિટિંગમાં આ વિષય ઘણીવાર ચર્ચાતો હોય કે આપણે સ્ત્રી છીએ તો સ્ત્રી તરીકે બધું જતું કરવું જ પડે છે.”

ખાલી સપોર્ટ કરે તો પણ મહિલા બધું જ મેનેજ કરી શકે

IITRAM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ)ના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર અને હેડ ડો. જયદેવી જયરામન ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, આપણું કલ્ચર જ એવું છે કે દરેક કામમાં મહિલાને જ આગળ આવવું પડે છે. બાળકનું ધ્યાન તો માતા જ રાખી શકે. પરંતુ વર્કિંગ વુમન માટે પરિવાર અને સોસાયટીનો સહકાર ખૂબ જરૂરી છે. એવું નથી કે પરિવાર જ બધુ કામ કરે કે બાળકોનો ઉછેર કરે, પણ ખાલી સપોર્ટ કરે તો પણ મહિલા બધુ જ મેનેજ કરી શકે. ખાસ કરીને સમાજમાં ઇન લો(સાસરીયા)ની અપેક્ષા એવી હોય છે કે પુત્રવધુ ભલે નોકરી કરે પરંતુ ઘરના કામ કરીને. પરંતુ એને છૂટ મળવી જોઈએ એવો વિચાર નથી કરતા. વર્કિગ વુમન જ્યારે કામ માટે બહાર નીકળે છે ત્યારે એને અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

બાળકોને સમય ન આપી શકવાની પણ ગીલ્ટી ફીલ થાય

IITRAMના લેબ આસિસ્ટન્ટ પૂનમ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, ‘સપોર્ટ હોય પણ જે કામ તમારે કરવાનું એ તમારે જ કરવું પડે છે. ટાઇમ મેનેજમેન્ટ વર્કિંગ વુમન માટે ખુબ મોટી ચેલેન્જ છે. આઠ નવ કલાકની નોકરી કરીને જ્યારે ઘરે આવો ત્યારે ડીનર તૈયાર કરવું, બાળકોને અભ્યાસ કરાવવો ઘરના અન્ય કામ જોવા એની વચ્ચે તમારી પાસે સમય જ નથી રહેતો. અને જો તમારી માટે બળજબરીથી તમે થોડો સમય નિકાળી પણ લો તો સામે અન્ય કામ અટકી પડે છે. સરકારી નોકરી હોય કે ખાનગી વર્કિંગ વુમન સોમથી શનિ મશીનની જેમ કામ કરે છે. એ પણ સમયસર. ઘણીવાર તો બાળકોને સમય ન આપી શકવાની પણ ગીલ્ટી ફીલ થતી હોય. મને પર્સનલ સપોર્ટ મળે છે. પરંતુ અનેક મહિલાઓને નથી મળતો. ઘણીવાર તો બાળકની શાળાના ગ્રુપમાં તમે અન્ય માતાને ઓળખતા પણ નથી હોતા. મધર્સનું ગ્રુપ હોય, તમારું નામ એમાં હોય પણ તમે ઓળખો કોઈને નહીં. બાળકોના મિત્રોને પણ મળી નથી શકતા. સંતાનોને શાળાએ લાવવા-મુકવા જવાની જવાબદારી નિભાવવી હોય પણ વર્કના કારણે એ પણ નથી કરી શકતા. આવા બધા અનેક સમસ્યાઓનો સામનો રોજ રોજ વર્કિંગ વુમન અને હાઉસ વાઈફની બેવડી ભૂમિકા નિભાવી રહેલી મહિલાઓને કરવો પડે છે.’

ઘર, પરિવાર, બાળકો, સામાજિક કામ અને દરેક વ્યવહાર-તહેવારોને પરફેક્ટ બનાવવા પોતાની ફરજ પૂર્ણ કરવા હંમેશા અથાગ પ્રયત્નોમાં રહેતી મહિલાઓ માટે ‘તે તો વર્કિંગ વુમન છે, સંતાનોના ઉછેરની તેને શું ખબર કે પછી તેને શું, હમણાં સમય થશે એટલે મેડમ ઓફિસ નીકળી જશે, કે પછી તેને તો બાળકોની પડી જ નથી’ એ પ્રકારનાં શબ્દો બોલતાં પહેલાં આ બધી બાબતો ધ્યાને લેવી જોઇએ.

(હેતલ રાવ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular