Thursday, May 15, 2025
Google search engine
HomeSpecial Storiesઆ છે ગણપતિ દાદાના પ્રાચીન મંદિરો

આ છે ગણપતિ દાદાના પ્રાચીન મંદિરો

સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. નાના મોટો સૌ કોઈ વિધ્નહર્તાની ભક્તિમાં લીન બન્યા છે. આમ તો આપણા દેશમાં ભગવાન ગણેશના અનેક મંદિરો આવે છે. દરેક મંદિરની અલગ માન્યતા અને ઈતિહાસ છે. ત્યારે વાત કરીએ ભારતના 10 મુખ્ય ગણેશ મંદિરો વિશે.

 

 

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર, મુંબઈ

મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું લગભગ 219 વર્ષ જૂનું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની સ્થાપના લક્ષ્મણ વિઠુ અને દેહુબાઈ પાટિલે 1801માં કરી હતી. દેશના સૌથી ધનવાન મંદિરોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની જે પ્રતિમાઓમાં સુંઢ ડાબી તરફ વળેલી હોય, એ સિદ્ધપીઠ સાથે જોડાયેલી હોય છે અને એ મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે.  મંદિરની અંદર એક નાના મંડપમાં સિદ્ધિવિનાયક પ્રતિમા સ્થાપિત છે. 20 હજાર વર્ગફૂટમાં ફેલાયેલા આ મંદિરમાં કાળા પથ્થરની કોતરણી કરીને સિદ્ધિવિનાયકની મૂર્તિ બનાવવામાં આવી છે.

દગડુશેઠ હલવાઈ ગણેશ, પુણે

મહારાષ્ટ્રના પુણેનું દગડુ ગણેશ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. મંદિરના નિર્માણ અંગે એક કથા પ્રચલિત છે કે જ્યારે 18મી સદીમાં પ્લેગ મહામારી ફેલાયેલી હતી, એ સમયે અહીંના એક વેપારી દગડુ શેઠ હલવાઈના પુત્રનું મૃત્યુ આ મહામારીને કારણે થઇ ગયું હતું, જેને કારણે દગડુ શેઠ અને એમની પત્ની દુઃખી રહેવા લાગ્યાં હતાં. ત્યારે એમના ગુરુ માધવનાથ મહારાજના કહેવાથી એમણે અહીં ગણેશ મંદિર બનાવ્યું. ત્યાર બાદ મંદિર દગડુ શેઠના નામથી પ્રસિદ્ધ થઇ ગયું.

કનિપકમ ગણેશ મંદિર, ચિત્તુર

આંધ્રપ્રદેશમાં ચિત્તુરમાં ઇરલા મંડપમાં કનિપકમ ગણેશ મંદિર સ્થિત છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. તિરુપતિ દર્શન માટે જતા ભક્તો પહેલાં આ મંદિરમાં ગણેશજીનાં દર્શન કરવા માટે આવે છે. મંદિરનું નિર્માણ 11મી સદીના ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું. ત્યાર બાદ વિજયનગરના રાજાએ 1336માં મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરની મૂર્તિ અંગે માન્યતા છે કે એનો આકાર વધતો જ રહે છે.

ખજરાના ગણેશ મંદિર, ઇન્દોર

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ખજરાના મંદિર આવેલું છે. મંદિરમાં ગણેશજીની આશરે 3 ફૂટ ઊંચી મૂર્તિ છે, સાથે જ રિદ્ધિ-સિદ્ધિ પણ બિરાજેલાં છે. આ મંદિરનો ઈતિહાસ ખૂબ જૂનો છે. શરૂઆતમાં આ મંદિર ઘણું નાનું હતું. 1935માં હોલકર વંશની મહારાણી અહિલ્યાબાઈએ મંદિરને ભવ્ય બનાવડાવ્યું હતું. મંદિરમાં ગણેશજીની સાથે આશરે બીજા 30 મંદિર છે. અહીં શિવજી, શ્રીરામ, માતા દુર્ગા, હનુમાનજી સહિત ઘણાં દેવી-દેવતાની મૂર્તિઓ છે.

મોતી ડુંગરી મંદિર, જયપુર 

રાજસ્થાનના જયપુરમાં મોતી ડુંગરી ગણેશ મંદિર સ્થિત છે. મંદિરની ગણેશ પ્રતિમા 1761 જયપુર નરેશ માધોસિંહ પ્રથમની પટરાણીના પૈતૃક ગામ માવલીથી લાવવામાં આવી હતી. 1761 પહેલાં પણ આ પ્રતિમાનો ઇતિહાસ 500 વર્ષથી વધારે જૂનો માનવામાં આવે છે. દર બુધવારે અહીં નવાં વાહનોની પૂજા કરાવવા માટે લાંબી લાઇન લાગે છે. મંદિરમાં જમણી બાજુ સૂંઢવાળા ગણેશ બિરાજમાન છે.

ત્રિનેત્ર ગણેશ મંદિર, રણથંબોર

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે રણથંબોર કિલ્લામાં ગણેશજીનું એક પ્રાચીન મંદિર છે, જેને ત્રિનેત્ર ગણેશ મંદિર કહેવામાં આવે છે. મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણેશજીની ત્રિનેત્રવાળી પ્રતિમા સ્થાપિત છે. મંદિરનું નિર્માણ 10મી સદીનું માનવામાં આવે છે. એ સમયે રાજા હમીરે આ મંદિરને બનાવ્યું હતું. રણથંબોર ગણેશજીને દરરોજ ભક્તોના હજારો પત્ર મળે છે. કોઇપણ શુભ કામની શરૂઆતમાં ગણેશજીને ચિઠ્ઠી મોકલીને આમંત્રણ આપવામાં આવે છે. ચિઠ્ઠી કે કાર્ડ પર શ્રી ગણેશજીનું સરનામું, રણથંબોર કિલો, જિલ્લો સવાઈ માધોપુર રાજસ્થાન લખવામાં આવે છે અને ભક્તની ચિઠ્ઠી ભગવાન સુધી પહોંચી જાય છે.

મધુર મહાગણપતિ મંદિર, કેરળ

કેરળની મધુરવાહિની નદીના કિનારે મધુર મહાગણપતિ મંદિર સ્થિત છે. એનો ઇતિહાસ 10મી સદીનો માનવામાં આવે છે. એ સમયે અહીં માત્ર શિવજીનું મંદિર હતું, પરંતુ ત્યાર પછી ગણેશજીનું મુખ્ય મંદિર બની ગયું. અહીંની માન્યતા પ્રમાણે જ્યારે આ શિવજીનું મુખ્ય મંદિર હતું ત્યારે અહીં પૂજારી સાથે એમનો પુત્ર પણ રહેતો હતો. પૂજારીના નાના બાળકે એક દિવસ મંદિરની દીવાલ પર ગણેશજીની આકૃતિ બનાવી દીધી. ત્યાર બાદ આ ચિત્રનો આકાર ધીમે-ધીમે વધવા લાગ્યો. દીવાલ ઉપર ચમત્કારી રૂપથી ઊભરી આવેલી પ્રતિમા જોવા માટે અહીં લોકો આવવા લાગ્યા. દીવાલ પર ઊભરી આવેલી પ્રતિમાના કારણે આ ગણેશજીનું મુખ્ય મંદિર બની ગયું.

મનાકુલા વિનાયગર, પોંડિચેરી

ભારતના દક્ષિણમાં પોંડિચેરીમાં મનાકુલા વિનાયગર મંદિર સ્થિત છે. માન્યતા છે કે વર્ષ 1666માં અહીં થોડા ફ્રેન્ચ મુસાફરોનું એક દળ આવ્યું હતું. મંદિરનો ઇતિહાસ એના કરતા પણ જૂનો છે. મંદિરના નિર્માણની દૃષ્ટિથી આ ભારતનાં સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. મંદિરમાં દોરાયેલા ચિત્રોમાં ગણેશજી સાથે જોડાયેલી કથાઓ છે. ગણેશજીનો જન્મ, લગ્ન, શેષનાગ સાથે ગણેશજી, મોર ઉપર સવાર ગણેશજી વગેરે અનેક પ્રતિમાઓ દીવાલ પર બનેલી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવેલાં 16 સ્વરૂપનાં ચિત્ર પણ અહીં છે. મંદિરનું મુખ દરિયા તરફ છે, જેથી એને ભુવનેશ્વર ગણેશ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તમિળમાં મનલનો અર્થ કાળી માટી અને કુલનનો અર્થ સરોવર થાય છે. પ્રાચીન સમયમાં ગણેશ પ્રતિમાની આસપાસ ખૂબ જ કાળી માટી હતી, જેથી તેમને મનાકુલા વિનાયગર ગણેશ કહેવામાં આવે છે. મંદિરની સજાવટમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગણેશ ટોક મંદિર, ગંગટોક

સિક્કિમનું ગંગટોક મંદિર બૌદ્ધ ધર્મ માટે ઘણું ફેમસ છે, પરંતુ અહીં એક સુંદર ગણેશ મંદિર પણ છે, જે ગણેશ ટોક મંદિરના નામથી ઓળખાય છે. આ મંદિરનું નિર્માણ આશરે 1953માં થયું હતું. એ સમયે ભારતમાં વિદેશ મંત્રાલયના અધિકારી અપા બી. પંતે બનાવ્યું હતું. મંદિરની આજુબાજુનો વિસ્તાર ઘણો સુંદર છે. અહીનું પ્રાકૃતિક વાતાવરણ ભક્તોના મનને શાંતિ આપે છે.

ચિંતામન ગણેશ, ઉજ્જૈન

ચિંતામન ગણેશ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી એક મહાકાળેશ્વર જ્યોતિર્લિંગથી આશરે 7થી 8 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર પરમારકાલીન છે. એનો ઈતિહાસ 9-10 શતાબ્દીની આજુબાજુ માનવામાં આવે છે. મંદિરમાં ગણેશજીની ત્રણ સ્વરૂપની મૂર્તિ છે, જેમાં ચિંતામન, ઇચ્છામન, સિદ્ધિવિનાયક સ્વરૂપનાં દર્શન થાય છે. આ મંદિરનું  નિર્માણ હોલકર વંશની મહારાણી અહિલ્યાબાઈએ કર્યું હતું. ગણેશજીના ભક્ત કોઈપણ શુભ કામમાં આમંત્રણ આપવા માટે અહીં પહોંચે છે. વિશાળ સંખ્યામાં નવયુગલ ગણેશજીના આશીર્વાદ લેવા અહીં આવે છે.

 

ગુજરાતના પ્રાચીન ગણેશ મંદિર

ગણપતપુરા, કોઠ

ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે.

ઇગલ ગણપતિ, જૂનાગઢ

જૂનાગઢમાં આવેલું ઇગલ ગણપતિ ભક્તો માટે ભારે આસ્થા ધરાવે છે, વર્ષો પૂર્વે અહીં ઔદ્યોગિક એકમમાં ખોદકામ કરવામાં આવતાં જમીનમાંથી ગણપતિ મહારાજની પ્રતિમા બહાર આવી હતી. જેને લઇને અહીં ગણપતિનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન ખાસ કરીને મંગળવાર અને ગણેશ ચતુર્થી દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઇગલ ગણપતિના દર્શન કરવા આવે છે. અહીંના ઉદ્યોગકારએ પોતાના કારખાનામાં જમીન માટે ગણપતિની મૂર્તિ મળ્યા બાદ મંદિરનું સર્જન કર્યું છે આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે, અહીં કોઈ પણ પ્રકારનો ફાળો દાન કે ભેટનો સ્વીકાર કરવામાં આવતો નથી.

ધુડીરાજ ગણપતિ, વડોદરા

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ધુડીરાજ ગણપતિ ગુજરાતના સૌથી જૂના ગણપતિ  હોવાનું માનવામાં આવે છે. આ ગણપતિ મંદિર ખૂબ જાણીતું નથી પરંતુ ગણપતિ મહારાજના ચમત્કાર અને એમના રહસ્યોથી પરિચિત એમના ભક્તો માટે ગણપતિ મંદિર ખુબ જ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.

ઐઠોર, મહેસાણા

મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર ગણપતિ ભક્તોમાં ખૂબ જ પ્રિય છે પુષ્પાવતી નદીને કાંઠે આવેલા આ ગણપતિ મહારાજની પ્રતિમાને લઈને વિશેષ છે, અહીં બિરાજમાન ગણપતી મહારાજની પ્રતિમા આરસ કે અન્ય ધાતુમાંથી નહીં પરંતુ માટીમાંથી બનેલી છે. સૈકા બાદ પણ  ગણપતિ મહારાજની માટીમાંથી બનેલી મૂર્તિમાં દાદાના રૂબરુ દર્શન થાય છે.

ઢાંક, રાજકોટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા ઢાંક ગામના ગણપતિ ભક્તોના પત્રોના જવાબ આપતા ગણપતિ તરીકે પણ સમગ્ર ભારતમાં જાણીતા છે. ધાર્મિક માન્યતા અનુસાર ભક્તો પોતાની મુશ્કેલીઓ વિશે અહીં દુંદાળા દેવને પત્ર લખે છે. આવેલા પત્રોને મંદિરના પૂજારી ગણપતિ મહારાજની પ્રતિમા સમક્ષ વાંચન કરે છે. આ મંદિરમાં આજે પણ રોજના 50 કરતાં વધુ પત્રો મહારાજના નામ પર આવે છે. ઢાક ગણપતિ પત્ર દ્વારા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે એ સૌથી વિશેષ ગણપતિ તરીકે ઓળખાય છે.

 

(હેતલ રાવ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular