Thursday, May 15, 2025
Google search engine
HomeSpecial StoriesPhoto Storyઆ તોરણ નગરની કીર્તિ દર્શાવે છે

આ તોરણ નગરની કીર્તિ દર્શાવે છે

વડનગર. આ શહેરની હાલની એક ઓળખ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ તરીકેની છે, પણ સાથે સાથે આ નગર નામે વડનગર એક ઐતિહાસિક નગર તરીકે પણ જાણીતું છે. પુરાતત્વ વિભાગના મતે, વડનગરમાં ઘણી સંસ્કૃતિઓ ધરબાયેલી છે, પણ આજે આ નગરની મુલાકાતે આવનાર વ્યક્તિ એક સ્થળે અવશ્ય જાય છે- વડનગરનું તોરણ.

હા, શર્મિષ્ઠા તળાવ પાસે આવેલું આ કીર્તિ તોરણ એની કલાત્મકતા અને ભવ્યતાના કારણે પ્રખ્યાત છે. 40 ફૂટની ઉંચાઈવાળું કોતરણીથી ભરપૂર આ સ્થાપત્ય સોલંકી કાળનું છે. રુદ્રમાળ તેમજ આ પંથકના સ્થાપત્યો આ જ શૈલીના જોવા મળે  છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરનું જૂનું નામ આનંદપુર પણ છે. અંદાજે પહેલી કે બીજી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ એકાદ કિલોમીટરનો વિસ્તાર છે.

વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની નોંધ ધરાવતાં તામ્રપત્રો મળ્યાં છે. હ્યુઅન શ્વાંગે આ નગરનો ઉલ્લેખ  આનંદપુર તરીકે કર્યો છે. સ્કંદપુરાણાન્તર્ગત નાગરખંડમાં આ નગરને લગતી પૌરાણિક કથાઓ તથા ત્યાંની નાગરોની મૂળ વસતિના રીતરિવાજોની હકીકતો આપી છે.

અહીં નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર કિલ્લેબંધ વડનગરના નદીઓળ દરવાજાની બહાર આવેલું છે.વડનગરનો કિલ્લો પ્રાચીન છે. તેનો ચૌલુક્ય સમયમાં અને ત્યારબાદ વારંવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. વડનગરની આજુબાજુ તેનો લાંબો ઇતિહાસ સૂચવતા અનેક અવશેષો વીખરાયેલા છે. વડનગર ગામમાં પ્રાચીન આમથેર માતાનું મંદિર તથા નરસિંહ મહેતાની ચોરીને નામે ઓળખાતું તોરણ આદિ મહત્વના અવશેષો છે.

આ નગર સંગીતકલા માટે પણ વિખ્યાત છે. ઇતિહાસ પ્રસિદ્ધ ગાયિકા-બેલડી તાના-રીરીની અહીં સમાધી આવેલી છે. 2006થી અહીં ખોદકામ કરતાં બૌદ્ધ વિહારો અને સ્તૂપોના અવશેષો મળી આવ્યા છે. નગરને ફરતા કોટનો પાયો ક્ષત્રપકાલીન હોવાનું ઈતિહાસવિદો જણાવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular