Thursday, May 15, 2025
Google search engine
HomeSpecial StoriesDivandandiસંઘર્ષની ભઠ્ઠીથી સફળતાના સ્વાદ સુધી 80 વર્ષના 'ગુજ્જુબા'ની અનોખી સફર

સંઘર્ષની ભઠ્ઠીથી સફળતાના સ્વાદ સુધી 80 વર્ષના ‘ગુજ્જુબા’ની અનોખી સફર

80 વર્ષની ઉંમરે પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવવી, 3.81 લાખ સબસ્ક્રાઈબર્સ હોવા અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ સ્ટારની જેમ છવાયેલા રહેવું તે ખરેખર ખૂબ મોટી વાત છે. પ્રથમ દ્રષ્ટિએ જ આપણને પ્રશ્ન થાય કે આ વ્યક્તિ આટલી ઉંમરે પણ એક્ટિવ કઈ રીતે રહેતા હશે?

અમે વાત કરી રહ્યા છીએ ઉર્મિલાબા તરીકે દેશભરમાં જાણીતા માસ્ટર શેફ ઉર્મિલા આશરની. તેઓ એક બિઝનેસ વુમન છે, TedX સ્પીકર છે, સેલિબ્રિટી છે, અને પ્રભાવશાળી YouTuber છે. ગુજ્જુ બેન તરીકે જાણીતા ઉર્મિલાબાએ મુંબઈમાં COVID-19 લોકડાઉન દરમિયાન પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. ‘ગુજ્જુ બેનના નાસ્તા’ પાછળના તેઓ પાવર હાઉસ છે.

બા પાસે આજે 60 વર્ષ કરતાં વધુ રસોઈનો અનુભવ છે. તેઓ પોતાના પૌત્ર હર્ષ સાથે મળીને આજે અનેક મોર્ચે આગળ વધી રહ્યા છે અને અનેક લોકોને પ્રેરિત કરી રહ્યા છે. બાના જીવનની સફર ખરેખર ખૂબ જ સંઘર્ષમય રહી છે, તેમ છતાં તેમણે ક્યારેય પણ હાર માન્યા વિના દરેક સમયે સખત લડત આપી છે. આજે “દીવાદાંડી” સમાન ઉર્મિલાબા આશરના જીવનમાં એક ડોક્યું કરીએ.

ઉર્મિલાબા કોણ છે?

ઉર્મિલાબાએ કુકિંગ રિયાલિટી શો  માસ્ટર શેફમાં ભાગ લઈને સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા ભારતીયોના દિલ પોતાના સ્વભાવ, ઉત્તમ ભોજનકલા અને પોતાના યોગદાનથી જીતી લીધા. જો કે, આ તો તેમના જીવનનો એક અહ્મ પડાવ માત્ર હતો. 80 વર્ષીય ઉર્મિલાબા જ્યારે માસ્ટર શેફ ઇન્ડિયામાં આવ્યા તે પહેલેથી જ એક જાણીતું નામ હતા. તેઓ કોરોના સમયથી જ “ગુજ્જુ બેન”ના નાસ્તા નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. બાની યુટ્યુબ ચેનલમાં 3 લાખ 81 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેલન પર તમને ઉંધિયાથી લઈને પાલકની પુરીઓ સુધી અનેક પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તાઓ અને ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા મળશે. વાનગીઓની રેસિપીની સાથે-સાથે બાનો અનુભવ પણ તમને જોવો અને જાણવા મળશે. બાની યુટ્યૂબ ચેનલ પર તમને સરળ, સ્ટેપ-બાય-સ્ટેપ રેસિપી જોવા મળે છે.

બાએ આશા ગુમાવી નથી

ઉર્મિલા બાનું જીવન હંમેશા સંઘર્ષમય રહ્યું… ૧૭ વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી અને ૨૩ વર્ષની ઉંમરે ત્રણ બાળકોની માતા બન્યા પછી તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. ઉર્મિલાબાએ તેમની દીકરી માત્ર ત્રણેક વર્ષની હતી, ત્યારે જ ગુમાવી દીધી હતી. મુંબઈની ચાલીમાં રહેતા પરિવારની નાનકડી દીકરી ઉપરથી પડીને મૃત્યુ પામી હતી. આ દુઃખમાંથી બહાર આવવા માટે અને પરિવારને ટેકો કરવા માટે થઈને બાએ આસપાસના વિસ્તારમાં રહેતા ગુજરાતી પરિવારોને ત્યાં રસોઈ કરવાની શરૂઆત કરી. આ પહેલાં તેમણે પાર્લા સ્થિત પાર્લેજી કંપનીમાં પેકિંગનું કામ પણ કર્યું હતું. જો કે તેમાં લાંબા સમય સુધી પરિવાર અને બાળકોથી દૂર રહેવું પડતું હતું. આથી નજીકના વિસ્તારોમાં રસોઈનું કામ બાને યોગ્ય લાગ્યું. જમવાનું બનાવવાનો બાને શોખ પણ હતો. ત્યાર બાદ જેમ-તેમ જીવન ચાલી રહ્યું હતું. આ પછી બાએ થોડાં સમય પહેલાં પોતાના બંન્ને પુત્રોને પણ ગુમાવ્યા. એક પુત્રનું મૃત્યુ હાર્ટ એટેકથી અને બીજા દીકરાનું મૃત્યુ બ્રેઇન સ્ટોકથી થયું. જીવનમાં ખરેખર કોઈ માએ ન વિચાર્યું હોય કે તેને પોતાના સંતાનોને આ રીતે વિદાય આપવી પડશે. પરંતુ બાએ હિંમત હારી નહીં. પોતાની બન્ને પુત્રવધુઓ અને પૌત્રો-પૌત્રીઓ માટે થઈને સંઘર્ષ ચાલુ રાખ્યો. આ સંઘર્ષમાં તેમને સાથ મળ્યો પૌત્ર હર્ષનો.

કોરોના સમયે બા અને તેમનો પરિવાર સાથે મળીને કમ્યુનિટિ રસોડાની જેમ નાસ્તાઓ તૈયાર કરીને કોરોનાગ્રસ્ત પરિવારો અને દવાખાનાઓમાં તેનું ફ્રીમાં વિતરણ કરતા હતા. આ દરમિયાન પૌત્ર હર્ષે કહ્યું કે, “બા તમને આટલા સારા અથાણાં બનાવતા આવડે છે તો આપણે કેમ ન તેનું માર્કેટિંગ કરીએ?” બાનો અથાણાં બનાવતો વિડીયો હર્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને બા વાયરલ થઈ ગયા. બાને બલ્કમાં અથાણાં બનાવવાનો ઓર્ડ઼ર મળ્યો. આમ શરૂ થઈ બાની યુટ્યૂબ અને સોશિયલ મીડિયાની સફર. જે ઉંમરે લોકો નિવૃત્તિ લેવાનું પસંદ કરે છે, તે ઉંમરે ઉર્મિલા બાએ પોતાનું જીવન લોકો માટે એક આદર્શ સમાન બનાવ્યું છે.

 

ઉર્મિલા બા પહોંચ્યા માસ્ટરશેફ ઇન્ડિયામાં

કુકિંગ રિયાલિટી શો માસ્ટરશેફ ઈન્ડિયાના ઓડિશન માટેની જાહેરાત જોઈને પૌત્ર હર્ષે કહ્યું કે બા તમને રસોઈ કરવી ગમે છે તો, આ કૂકિંગ કોમ્પિટિશનમાં પણ હાથ અજમાવો. ઓડિશનના પ્રથમ રાઉન્ડ માટે બા પુરણપોણી બનાવીને લઈ ગયા હતા. જે દરેકને ખૂબ જ ભાવી. પછી તો જજિસ સામેના ફાઈનલ ઓડિશન માટે બા પાત્રા બનાવીને લઈ ગયા, તે જોઈને તો ત્રણેય જજ વિકાસ ખન્ના, રણવીર બ્રાર, ગરિમા અરોરા બાને ફેન બની ગયા. માસ્ટરશેફ ઈન્ડિયામાં સ્પર્ધક તરીકે બાની પસંદગી કરવામાં આવી અને ટીવી પર જ્યારે બાનો પ્રોમો દેખાડવામાં આવ્યો, ત્યારથી જ લોકો બાના ફેન બની ગયા. જો કે એક ચુસ્ત ગુજરાતી પરિવારમાં જન્મ અને ઉછેરના કારણે બાને માંસાહારી ભોજન બનાવતા ન જ આવડે તે સ્વાભાવિક છે. આથી શોમાંથી ખૂબ જલ્દી બા શૉમાંથી બહાર થઈ ગયા. જો કે ત્યાં સુધીમાં તો બા ઓલરેડી સ્ટાર બની ગયા હતા. બાએ કહ્યું, “આટલા સુધી આવવું અને રિયાલિટી કુકિંગ ટીવી શોનો ભાગ બનવું મારા માટે મોટી વાત હતી.” જ્યારે તેઓ શોમાંથી બહાર ગયા ત્યારે પણ, તેમણે પોતાને મળેલી તકની પ્રશંસા કરી.

ઉર્મિલા બાનું જીવન આજે દરેક લોકો માટે પ્રેરણાદાયક છે. જે દર્શાવે છે કે ઉંમર ફક્ત એક નંબર છે અને તમારા સપનાઓને પૂર્ણ કરવામાં ક્યારેય મોડું થતું નથી. તેમણે શીખવ્યું છે કે જીવન ગમે તેટલું મુશ્કેલીભર્યું કેમ ન હોય, આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. હિંમત અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધતા રહેવું જોઈએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular