Thursday, May 15, 2025
Google search engine
HomeSpecial StoriesChhoti Si Mulakatપદ્મશ્રીથી સન્માનિત થવું એટલે શબ્દોનું સન્માન થયું: તુષાર શુક્લ

પદ્મશ્રીથી સન્માનિત થવું એટલે શબ્દોનું સન્માન થયું: તુષાર શુક્લ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતના કુલ 9 મહાનુભાવોને પદ્મ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં ગુજરાતના ફાળે 1 પદ્મ વિભૂષણ, 1 પદ્મ ભૂષણ અને 7 પદ્મશ્રી એવોર્ડ આવ્યા છે. તુષાર દુર્ગેશભાઈને સાહિત્ય અને શિક્ષણની કામગીરીને લઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મૂળ વઢવાણના તુષાર શુક્લનો જન્મ 29 જૂન, 1955ના રોજ થયો. તેઓ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી છે. તુષારભાઈના પિતા દુર્ગેશ શુક્લ પણ જાણીતા સાહિત્યકાર હતા. તુષારભાઈએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એમ એનો અભ્યાસ કર્યો છે. તુષારભાઈએ 1979માં આકાશવાણી પર લોકપ્રિય કાર્યક્રમ   ‘શાણાભાઇ – શકરાભાઇ‘ના સંચાલનથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તુષારભાઈની કવિતાઓના પણ મોટી સંખ્યામાં ચાહકો છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે… મારું ચોમાસું ક્યાંક આસપાસ છે… અને દરિયાના મોજા કંઈ રેતીને પૂછે… આ બે કવિતાઓ તુષારભાઈની સૌથી વધુ લોકપ્રિય થયેલી કવિતાઓ છે.

તુષાર શુક્લ કવિની સાથે-સાથે અદભૂત સંચાલક પણ છે. સાથે જ ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ લખી ચૂક્યા છે. ફિલ્મ છેલ્લો દિવસનું ‘કહેવું ઘણું ઘણું છે…’ ફેમસ ગીત તુષારભાઈની કલમમાંથી નીકળ્યું છે. મુશાયરા અને કવિ સંમેલનમાં તુષારભાઈ એવા ખીલી ઉઠે છે કે દાદ આપનારા પણ તેમનામાં ખોવાઈ જાય. તુષારભાઈ ફક્ત ગુજરાતી ફિલ્મોમાં ગીતો જ નથી લખતા. પરંતુ એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેમણે બે યાર, વિટામિન શી અને શુભ આરંભ જેવી ફિલ્મોમાં નાનો રોલ પણ કર્યો છે. આજે આપણે ચિત્રલેખા.કોમના ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં પદ્મશ્રીથી સન્માનિત થવા જઈ રહેલાં એવા તુષાર શુક્લ સાથે વાત કરવાની છે.

ચિત્રલેખા.કોમ: આપને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, આ વિશે આપનું શું કહેવું છે?

તુષાર શુક્લ: મેં મારી કારકિર્દી આકાશવાણી સાથે શરૂ કરી હતી. એટલે કહી શકાય કે હું એક મોટાં સમૂહ સાથે કામ કરતો હતો. માહિતી, મનોરંજન તો ખરું જ પરંતુ સાથે-સાથે લોક શિક્ષણ પણ ત્યાં આપવામાં આવતું હતું. જુદા-જુદા વય જૂથના શ્રોતાઓ માટે આ કામ વર્ષો સુધી મેં કર્યું છે. આમ તો હું સાહિત્યનો માણસ છું, પણ મને આકાશવાણીએ શિખવ્યું કે, જો તમારે જન સાધારણ સાથે કનેક્ટ થવું હશે તો, તમારે સરળ તો બનવું જ પડશે. અત્યારે મુશ્કેલી એ ઉભી થઈ છે કે ગુજરાતી ભાષા આમ તો તેના સામા વહેણે તરી રહી છે. નવી પેઢી પાસે અત્યારે ગુજરાતી શબ્દ ભંડોળ ઓછું છે. તેવાં સમયે આ યંગસ્ટર્સ સુધી આપણા ભાષા અને ભાષા દ્વારા આપણું સાહિત્ય, સંસ્કૃતિ પહોંચે તે માટે આપણે ખુબ જ સરળ બનવાની જરૂરિયાત છે. આથી કહી શકાય કે આપણે યુવા પેઢી પાસે પહોંચવું હશે તો સાધનમાં ફેરફાર કરવા પડશે. રેડિયોએ મને એ શીખવ્યું પણ ખરું કે, હા આ વાત પણ જરૂરી છે. કારણ કે પાઠ્યપુસ્તકમાં કે છપાયેલી કૃતિ હોય તેનું એક જુદું સ્થાન છે. લેખિતમાંથી ઉચ્ચારાયેલો શબ્દ બને છે જ્યારે તે મોટા સમૂહ સુધી પહોંચે છે ત્યારે એ શબ્દ ઝિલાય અને સમજાય તો જ સર્કલ ઓફ કમ્યુનિકેશન પૂરું થાય છે. મેં એ રીતે કામ કર્યું છે. મારું લખવાનું, મારું બોલવાનું, મારા પસંદ કરેલા વિષયો, મારા ગીતો આ બધાં વિશે તમે કહી શકો કે, એક તો એ સરળ છે અને બીજું કે તે લોકો સુધી સરળતાથી પહોંચી જાય છે. આજની પેઢીને સમજાય તેવા શબ્દોમાં અને તેમને સમજીને મેં કામ કર્યું છે. આ કામ કરવા માટે મારી પાસે જો કંઈ હોય તો તે હતું શબ્દ. એટલે મને જ્યારે પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું કહી શકું કે આ શબ્દનો મહિમા થયો છે, તેનું સન્માન થયું છે.

સન્માન થયું છે ત્યારે આપની જવાબદારી વધી છે, એવું કહી શકાય?

મેં સભાનપણે તો પહેલા પણ કશું કર્યું ન હતું. જો તમારામાં આ પ્રકારની સભાનતા આવી જાય તો પછી કારણ વગરનો ભાર આપણે જ ઉપાડવો પડે. જીવન તો પ્રવાહમાન છે, તેમાંનો આ એક મુકામ છે. આથી સન્માન મળ્યું છે તો તેનો ભાર ઉપાડીને અટકી જવાય નહીં. એટલે જે કામ પહેલાં કરતા હતા, તે જ કામ કોઈ પણ પ્રકારના ભાર વગર ચાલુ રાખવાનું છે. ખૂબ જ ગૌરવ અને આદર સાથે સન્માનનો સ્વીકાર છે.

ગુજરાતી માધ્યમની શાળાઓ ધીમે-ધીમે ઓછી થતી જાય છે, અભ્યાસમાં ગુજરાતી ભાષાને લઈને અનેક પ્રશ્નો છે. તેના વિશે આપનું શું કહેવું છે?

મુશ્કેલી તો છે જ ભાષાને લઈને. પણ હું પ્રવાસો ખૂબ જ કરું છું તેથી કહી શકું કે આ મહાનગરોની ચિંતા છે. ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી આવા કોઈપણ પ્રકારના પ્રશ્નો ઉભા થયા નથી. મહાનગરોમાં વાલીઓ દેખાદેખીમાં અને રેસમાં બાળક પાછળ રહી જશે તેવી ચિંતામાં આ પ્રશ્નો ઉભા થાય છે. શિક્ષણમાં પણ હવે એવું થઈ ગયું છે કે, જેવી માગ તેવો પુરવઠો આપવામાં આવે છે. હા પણ એટલું કહી શકાય કે એક ભાષા જ્યારે ભૂલાતી જાય છે ત્યારે તે ભાષાની સાથે-સાથે એ ભાષા જે સંસ્કૃતિની ઓળખ આપનારી છે તે પણ ભૂષાતી જાય છે. આથી નવી પેઢીને જેટલું ગુજરાતી સમજાય તેવાં ગુજરાતી સાથે કામ કરીએ.

ગુજરાતી સાહિત્યમાં ભાષાની અસર અત્યારે કેવી છે?

ભાષા શિક્ષણ અને સાહિત્ય માટેની રૂચિ બંન્ને અલગ વિષય છે. ગુજરાતી ભાષા આવડવી અને સાહિત્યમાં રસ હોવો તે બંન્ને અલગ વાત છે. નવું જે સાહિત્ય લખાય છે, તેમાં યુવાનો તેમની આસપાસ જે અત્યારના સમય પ્રમાણે અનુભવે છે, તે પોતાના શબ્દોમાં વ્યક્ત કરતા હોય છે. દરેકની શૈલી એક સમાન ન હોય. દરેક વ્યક્તિ એકદમ ગૂઢ અને અલંકારિક શૈલીમાં લખે તે જરૂરી નથી. સરળ ભાષામાં પણ સાહિત્ય લખાતું હોય છે. નવી પેઢીના લેખકોની ભાષા એ રીતે જ ઘડાયેલી છે કે તેઓ દરેક વસ્તુને પોતાની આસપાસ અનુભવે છે તે રીતે વ્યક્ત કરી દે છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular