Wednesday, May 28, 2025
Google search engine
HomeSocietyTravel & Tourismખાનગી ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આવી સ્વતંત્રતા...

ખાનગી ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આવી સ્વતંત્રતા…

ભારતીય રેલવે મંત્રાલય દ્વારા પસંદગીના રૂટ પર ખાનગી કંપનીઓને પેસેન્જર ટ્રેનો ચલાવવાની ઓફર કરી છે, ત્યારે યાત્રીઓની કેટલીક સુવિધાઓમાં વધારો થશે, જે એમને માટે સુખદ આશ્ચર્યજનક હશે. વિમાનની જેમ આ ખાનગી ટ્રેનોમાં તેઓ પસંદગીની સીટ, ચીજવસ્તુઓ, ખાનપાનની સેવાઓ મેળવી શકશે. જોકે એ માટે તેમણે વધારે પૈસા ચૂકવવા પડશે. રેલવે માટેના આ  પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલમાં અનેક સુવિધાઓ હશે, જે દેશમાં પહેલવહેલી હશે.

કઈ સુવિધાઓ હશે?

આવી ટ્રેનોમાં તમે એરલાઇન્સની જેમ વિમાનમાં પસંદગીની બેઠક મેળવી શકશો. જોકે આ માટે તમારે ઓપરેટરને વધારાનો ખર્ચ ચૂકવવો પડશે. આ ઉપરાંત પેસેન્જરોને વધારાની સેવા જેમ કે વાઇ-ફાઇ, એન્ટરટેઇનમેન્ટ કે અન્ય સુવિધાઓ માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવાના રહેશે. આ સેવાઓ માટે ચાર્જ લેવાનો નિર્ણય પણ ખાનગી કંપનીઓના હાથમાં રહેશે.

ટ્રેનો ચલાવવા ખાનગી કંપનીઓને આમંત્રિત કરાશે

ભારતીય રેલવેએ ખાનગીકરણની દિશામાં પગલું માંડતાં 109 ઓરિજિન-ડેસ્ટિનેશન (OD) જોડીની રૂટ્સ પર 151 મોડર્ન પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે ખાનગી પાર્ટીઓને આમંત્રિત કરી છે. જોકે રેલવેએ એના આ પ્રોજેક્ટ માટે કેટલીક શરતો રાખી છે.

ભાડા નક્કી કરવાની સ્વતંત્રતા

રેલવે ખાનગી કંપનીઓને ટ્રેનો ચલાવવા આપશે, જેમાં કંપનીઓને ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા અપાય એવી શક્યતા છે. આ ઉપરાંત કંપનીઓ આવક વધારવાના નવા માર્ગોથી પોતાની આવક ઊભી કરી શકે છે.

બે તબક્કાની સ્પર્ધાત્મક બિડીંગ પ્રોસેસ કરવામાં આવશે

આ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓ માટે મુંબઈમાં ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ (ક્લસ્ટર-1)માં રસ ધરાવનાર પાર્ટીઓ વચ્ચે બે તબક્કાની સ્પર્ધાત્મક બિડીંગ પ્રોસેસ કરવામાં આવશે. જોકે રેલવેએ સ્પષ્ટ શરતો મૂકી છે કે ખાનગી કંપનીઓ દ્વારા પ્રાપ્ત થતી કુલ આવકનો અમુક હિસ્સો રેલવેને આપવો પડશે. રેલવે દ્વારા ખાનગી ઓપરેટરો માટે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં અન્ય પરિબળોમાં યાત્રાનો સમયગાળો, ટ્રેનોની લંબાઈ, ક્રૂ મેમ્બર્સ, સુરક્ષાનું સર્ટિફિકેટ, ટ્રેનની મહત્તમ સ્પીડ અને ટિકિટના પૈસા સામેલ હશે.

યાત્રાના કલાકોઃ ટ્રેન ઊપડનારા સ્ટેશનથી અંતિમ સ્ટેશન વચ્ચેના કલાકો – એક રૂટ પર રેલવેની સૌથી ઝડપી ટ્રેન સાથે તુલનાત્મક રહેશે. આ રૂટ પર નવી સમાન શેડ્યુલ કરેલી કોઈ ટ્રેન એક કલાકમાં રાખવામાં નહીં આવે.

ટ્રેનની લંબાઈઃ દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હોવા જોઈએ અને એ રૂટ પર આનાથી મોટી પેસેન્જર ટ્રેન નહીં હોય.

ટ્રેનોની રૂપરેખાઃ કંપની પેસેન્જરોની  માગને આધારે નિર્ણય લઈ શકશે.

સંચાલન અને મેઇનટેઇનન્સઃ સરકારે નિર્ધારિત કરેલાં ધોરણો અને જરૂરિયાતો મુજબ છૂટછાટ આપી શકશે. ખાનગી કંપનીઓએ ટ્રેનોની જાળવણી કરવાની રહેશે અને જરૂરિયાત મુજબ કર્મચારીઓ, સાધનોને પૂરા પાડવાના રહેશે. ટ્રેનોની નિર્ધારિત જાળવણી 31 દિવસ પહેલાં નહીં અથવા 40,000 કિલોમીટરની યાત્રા પછી કરવાની રહેશે- બેમાંથી જે પહેલું હશે, એ કરવાનું રહેશે.

ક્રૂ મેમ્બર્સઃ ટ્રેનોના સંચાલન માટે જરૂરી રાઇવર અને ગાર્ડ રેલવે દ્વારા પૂરા પાડવામાં આવશે, પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા તેમને ટ્રેનિંગ આપવી પડશે.

સુરક્ષાનું સર્ટિફિકેશનઃ સુરક્ષા પરિણામોને આધારે રેલવે દ્વારા નિયત કરેલા માપદંડોને આધારે સુરક્ષા પરિમાણો પૂરાં પાડવામાં આવશે.

કોન્ટ્રેક્ટનો પિરિયડઃ કંપનીઓને આ કોન્ટ્રેક્ટનો સમયગાળો 35 વર્ષનો હશે.

મહત્તમ સ્પીડઃ તૈયાર કરવામાં આવેલી ટ્રેનોની પ્રતિ કલાકની સ્પીડ 160ની હશે.

ભાડુંઃ ખાનગી કંપનીઓને પેસેન્જરો પાસેથી વસૂલવામાં આવનારાં ભાડાંને નક્કી કરવાની સ્વતંત્રતા રહેશે.

રેલવેએ એપ્રિલ, 2023 સુધીમાં પ્રથમ ખાનગી પેસેન્જર ટ્રેન ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે. રેલવે મંત્રાલયે 21 જુલાઈએ આ પ્રોજેક્ટ માટે પહેલી પ્રી-બિડ મીટિંગ બોલાવી છે, જેમાં એસ્સેલ ગ્રુપ, અદાણી ગ્રુપ, RK એસોસિયેટ્સ, એલ્સ્ટોમ. બોમ્બાર્ડિયર તથા અન્ય મોટાં કોર્પોરેટ જૂથોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular