Tuesday, July 1, 2025
Google search engine
HomeSocietyસરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનું પ્રશંસનિય ‘માતૃભાષા મિશન’

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનું પ્રશંસનિય ‘માતૃભાષા મિશન’

ગુજરાતી ભાષા લુપ્ત થવાની અણી પર છે એવી વાતો અવારનવાર કાને પડતી હોય છે, પણ આ માન્યતા ખોટી છે. હા એને ટકાવી રાખવાની તેમ જ વિકસાવવાની જવાબદારી આવી પડી છે એ વાતને નકારી ન શકાય. પણ એ માટે ગુજરાતી ભાષા પ્રેમીઓ કટિબદ્ધ છે. ચોક્કસ સંસ્થાઓ દ્વારા કે વ્યક્તિગત ધોરણે ચાલતાં આવા ‘માતૃભાષા મિશન’નાં ભગીરથ પ્રયત્નો ખરેખર બિરદાવવા જેવા છે.

‘ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી’ (કે.ઇ.એસ.)નું નામ શિક્ષણક્ષેત્રે હંમેશા મોખરે રહ્યું છે. આ સંસ્થાના સંચાલન હેઠળ ચાલતી સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, અહીંના ટ્રસ્ટીગણ, મેનેજમન્ટ તેમ જ શિક્ષકો માતૃભાષા સંવર્ધન માટે કાયમ પ્રયત્નશીલ રહ્યાં છે અને તાજેતરમાં તેને નવા સ્વરૂપે વેગ અને આકાર અપાઈ રહ્યો છે. જેને માટે એક એવું પણ સ્લોગન તૈયાર થયું છે, ‘મારી શાળા બદલાઈ રહી છે!’

આજના બાળકની પરિસ્થિતિ ત્રિશંકુ જેવી

કે.ઈ.એસ.ના ટ્રસ્ટી મહેશ શાહ (વાઈસ પ્રેસિડન્ટ) કહે છે, ‘માતૃભાષાને છોડીને પારકી ભાષામાં સંતાનને શિક્ષણ અપાવવાની માતા-પિતાની તીવ્ર ઝંખનાને લીધે આજના બાળકની હાલત ત્રિશંકુ જેવી થતી જાય છે. ઘરમાં બોલચાલની ભાષા અને શાળામાં અંગ્રેજી ભાષાના બે હિસ્સામાં બાળક વહેંચાઈ જતું હોય છે. છેલ્લા 40-50 વર્ષથી અંગ્રેજી માધ્યમનું મહત્ત્વ વધ્યું છે.’

‘જોકે, અમારી શાળાના ગુજરાતી માધ્યમમાં ભણી ચૂકેલી પેઢીનો ગ્રાફ જોશો, તો તેમણે કારકિર્દીમાં કે સફળતાની દૃષ્ટિએ જીવનમાં સર્વાંગી વિકાસ સાધ્યો જ છે,’ એમ મહેશભાઈએ વધુમાં કહ્યું.

શાળાના માહોલમાં ભાષાનો તફાવત સિવાય બીજો કોઈ તફાવત નહીં અને અંગ્રેજી માધ્યમ કરતાં પણ સવિશેષ પ્રવૃત્તિઓનો સમાવેશ અહી થાય છે એવું જણાવતાં ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ કહે છે, ‘અમારે ત્યાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ એઇડેડ એટલે કે ફ્રી (નહીંવત ફી) એજ્યુકેશન આપનારા છે. એટલે મોટાભાગના માતાપિતાની અદમ્ય ઇચ્છા તેમનું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે એવી હોય છે. પણ અમારા મેનેજમેન્ટે ભગીરથ અને સફળ પ્રયાસો સાથે એક એવો માહોલ તૈયાર કર્યો છે જ્યાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભાષાનો તફાવત છોડીને બીજો કોઈ તફાવત ન રહે. ગુજરાતી બાળકો તેમની માતૃભાષામાં વાંચે, વિચારે અને લખે છે એનું રિઝલ્ટ અમને વધુ પોઝિટિવ મળ્યું છે. દિનકરભાઈ જોષી જેવા સાહિત્યકારે પણ અમારા આ અભિયાનમાં ખૂબ સાથ આપ્યો છે. અહીં ગુજરાતી માધ્યમ માટે ડ્રામા, સિંગિંગ, કરાટે, સ્પોર્ટ્સ, ડાન્સ, કમ્પ્યુટર એજ્યુકેશન જેવી ઇત્તર પ્રવૃત્તિઓ સહિત અંગ્રેજી માધ્યમ કરતાં પણ સવિશેષ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની સાથે ગુજરાતી માધ્યમના બાળકોનું અંગ્રેજી કાચું ન રહે એ માટે છેલ્લા બે વર્ષથી ખાસ કેજીથી જ ફોનેટિક્સ ટેક્નિક સાથે અંગ્રેજી શીખવવામાં આવે છે. આ ભગીરથ પ્રયત્નોમાં શાળાએ આવનારા બાળકોને યુનીફોર્મ, સ્કૂલ બેગ, વોટર બોટલ, ટીફીન જેવી મુળભુત વસ્તુઓ પણ મેનેજમેન્ટ તરફથી આપવામાં આવે છે.’

ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર સંગીતા શ્રીવાસ્તવ

તમામ વાલીઓએ પહેલ કરવાની જરૂર

જોકે કરૂણતા એ છે કે ફ્રી એજ્યુકેશનનો અર્થ ઘણી વાર એવો થઈ જાય છે કે જાણે પાછલા કે પછાત-ગરીબ વર્ગના લોકો માટે જ આ ભણતર છે અથવા તો જેની પહેલી જનરેશન માંડ હજુ શાળામાં જઈને ભણવાની શરૂઆત કરી રહી છે એવી માન્યતા લોકોના મનમાં ઘર કરી ગયેલી હોય છે એવો અફસોસ વ્યક્ત કરતાં સંગીતાબેન કહે છે, ‘એટલે આમાં પડકારોનો ખૂબ સામનો કરવો પડે છે. માતૃભાષામાં ભણતર એ ફક્ત આર્થિક રીતે પછાત લોકો માટે જ નથી. બસ માત્ર પહેલ કરવાની જરૂર છે. માતૃભાષામાં શીખનારા બાળકની સમજણશક્તિ કલ્પના શક્તિ, તર્કશક્તિ અને ગ્રહણશક્તિ વધુ સારી રીતે ખીલી શકે છે. એટલે બાળકનું પાયાનું શિક્ષણ માતૃભાષામાં થવું જરૂરી છે. આ પાયાની માનસિકતા કેળવવાની જરૂર છે.’

‘ગુજરાતી ભણવામાં વાંધો શું છે? હું પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું’

પ્રખર સાહિત્યકાર દિનકર જોષી

ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક દિનકર જોષી કહે છે, ‘અંગ્રેજી ભાષા અને સાહિત્ય સુંદર છે. એની ના નથી, પણ ગુજરાતીમાં ભણવામાં વાંધો શું છે? હુંય ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું અને આ જ સ્કૂલમાં ભણ્યો છું. હા, ત્યારે આ શાળાનું નામ કાંદિવલી વિદ્યાલય હતું.’  દિનકરભાઈ થોડા વર્ષો પહેલાંની વાતો વાગોળતા કહે છે, ‘એ દરમિયાન હું દર વર્ષે અનેક વાલીઓને મળતો. પારકાના કામ કરીને રળનારા અને પેટે પાટા બાંધીને બાળકોને ભણાવનારા મોટાભાગના વાલીઓ બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની જીદ કરતાં. ઉપલો કે નીચલો- વર્ગ કોઈ પણ હોય આ માનસિકતા જ ખોટી છે. માતૃભાષા તો માતાનું ધાવણ છે, અને બાળકને માનું દૂધ જ વધુ વિકસાવે છે- મજબૂત બનાવે છે. આ તો ‘માને છોડીને મીંદડીને ધાવવાની વાત’ થઈ. આમાં ભાષાને કોઈ મંદવાડ નથી. ભાષિકોને મંદવાડ છે. મંદવાડ આપણી માનસિકતાનો છે. આપણે માંદા પડેલા છીએ, એટલે જ કદાચ આપણે આપણાં સંતાનને બાટલીનું દૂધ પીવડાવી રહ્યા છીએ.’

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયની ગતિવિધિ

અંગ્રેજો આપણે ત્યાં રાજ કરતાં હતા ત્યારે છેક 1936માં કે.ઇ.એસ. દ્વારા આ શાળાનો પાયો નખાયો હતો. અને અત્યાર સુધીમાં ગુજરાતી સહિત અંગ્રેજી માધ્યમનો વિભાગ વિસ્તરવાની સાથે આ શાળાનો ગ્રાફ સતત વધતો રહ્યો છે. અત્યારે શાળાનાં ગુજરાતી કેજી વિભાગનાં પ્રિન્સિપાલ મેડમ મનીષા ભટનાગર તેમજ 1થી 4 ધોરણનું પ્રાઇમરી સેક્શન કવિતાબેન મારુ સંભાળે છે.

મનીષા ભટનાગર, કવિતાબેન મારુ, દીપ્તીબેન રાઠોડ

મનીષાબેન, કવિતાબેન અને શિક્ષિકા દીપ્તી રાઠોડ કહે છે, ‘એસી, સ્માર્ટ ટીવી સહિત અમારા ક્લાસરૂમ મોડર્નાઇઝેશન ટચ સાથે તૈયાર થયા છે. બાળકના અભ્યાસક્રમ માટેનું ઇ-કન્ટેન્ટ, પીપીટી અહીંના ટીચર્સ ખુદ તૈયાર કરે છે. દરેક બાળકની શીખવાની અને ગ્રહણ કરવાની શક્તિ અલગ હોય છે એટલે એક જ કન્સેપ્ટ અમે ડ્રામા, ઓડિયો વિઝ્યુઅલ, રમતાં-રમતાં એમ જુદાં-જુદાં ચાર-પાંચ માધ્યમથી શીખવીએ છીએ. આખા વર્ષ દરમિયાન થતી પેરેન્ટ્સ વર્કશોપ સહિત ઓપન હાઉસમાં દરેક બાળકના પ્રોગ્રેસ અને વીકનેસ બાબતે તેના પેરેન્ટ્સ સાથે મુક્તમને ચર્ચા થાય છે. પહેલા ધોરણથી અમે પુસ્તકને બદલે વર્કશીટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે. બાળકની રોજેરોજની વર્કશીટની એક ફાઇલ મેઇનટેઇન થાય છે. રીડિંગ, રાઇટિંગ, અવેરનેસ સ્કીલ વધારવાના પ્રયાસ સાથે શિસ્ત અને વેલ્યુબેઝ્ડ એજ્યુકેશન માટે અહીંનું મેનેજમેન્ટ, સ્ટાફ, ટીચર્સ સતત પ્રયત્નશીલ છે. સરકારી હેલ્થ ચેક-અપ ઉપરાંત અહીં મેનેજમેન્ટ દ્વારા ખાસ હેલ્થ ચેક-અપ કેમ્પ અને બાળકોનો હેલ્થ રેકોર્ડ રખાય છે. બેન્ક, મોલ વગેરેની ગતિવધિઓ સમજવા માટે ખાસ અલાયદો એક્ટિવિટી રૂમ ફાળવેલો છે જ્યાં બાળક પ્રેક્ટિકલ નોલેજ મેળવે છે. કેજીથી જ બાળકોને કમ્પ્યુટરનું નોલેજ મળી શકે એ માટે અહીંની ખાસ તૈયાર કરેલી બે કમ્પ્યુટર લેબમાં દોઢસો જેટલા કમ્પ્યુટર્સ છે. નજીકના ભવિષ્યમાં અમે ફિલ્ડ ટ્રીપનો કન્સેપ્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ.’

માતૃભાષા, સંસ્કૃતિ અને મૂળિયાંનું જતન અને ગ્લોબલ એક્સપોઝર

મહેશભાઈ કહે છે, ‘પ્રત્યેક બાળકનો માતૃભાષા પ્રત્યેનો સંપર્ક તાજો રહેવો જરૂરી છે. હવે તો સરકાર પણ એવો કાયદો લાવી રહી છે કે પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. જોકે, બાળકને ગુજરાતી માધ્યમમાં ભણવાનો અર્થ એ નથી કે તેનું અંગ્રેજી કાચું રહે. અમારા પ્લાનિંગ મુજબ અમારી શાળાના આવનારા વર્ષમાં અમે ગુજરાતી માધ્યમના પાંચમા ધોરણથી ગણિત અને વિજ્ઞાનના વિષયને અંગ્રેજીમાં આવરી લેવાના છીએ. બાળક પોતાની માતૃભાષા, સંસ્કૃતિ અને મૂળિયાં સાથે જોડાયેલું રહે, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવે અને સાથે આધુનિકરણની હરીફાઇમાં પણ કાચો ન ઊતરે એ પ્રકારનું ટકોરાબદ્ધ ઘડતર આપવાની દિશામાં અમે સતત પ્રયત્નશીલ છીએ કે જેને લીધે બાળક બહારની દુનિયામાં પ્રવેશે ત્યારે ગ્લોબલ એક્સપોઝર સાથે લયબદ્ધ તાલમેલ મેળવી શકે.’

તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકવું શા માટે જરૂરી છે?
ભાષાને બચાવવા? સાહિત્યને બચાવવા? કે ગુજરાતી અસ્મિતાને બચાવવા?
ના,  બાળકનું બાળપણ સાચવવા તેમજ તેજસ્વિતાને વધુ ખીલવવા માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular