Wednesday, May 14, 2025
Google search engine
HomeSocietyNotout@80નોટ આઉટ @ 84 : સાકળચંદભાઈ જેસંગભાઈ પટેલ

નોટ આઉટ @ 84 : સાકળચંદભાઈ જેસંગભાઈ પટેલ

રાષ્ટ્રપતિ કલામ દ્વારા જેમનું બાળલેખક તરીકે 26-01-2007ના રોજ સન્માન થયું અને જેમણે 230 પુસ્તકો (બાળસાહિત્ય, પંજાબી-ગુજરાતી અનુવાદ, પ્રૌઢસાહિત્ય) ગુજરાતી-સાહિત્યને આપ્યાં તેવા સાકળચંદભાઈ પટેલની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ, બાળપણ અને પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ વાગોસણા ગામમાં. પિતાને થોડી ખેતી, બે ભાઈ, બે બહેનનું કુટુંબ, સ્થિતિ નબળી, ફી ભરવાની શક્તિ નહીં, 13 વર્ષની ઉંમરે બહેન સાથે અમદાવાદ આવી કરિયાણાની દુકાનમાં નોકરી કરી. દોઢ-વર્ષ પછી પિતાની તબિયત બગાડતાં ગામ પાછા આવ્યા. ગાયકવાડી-રાજનું ગામ એટલે ગામમાં સરસ પુસ્તકાલય. પુસ્તકાલયનાં ત્રણ કબાટમાંથી બે કબાટ ભરેલાં પુસ્તકો તેમણે વાંચી નાખ્યાં. તેમની પહેલી વાર્તા 1961માં ચાંદનીમાં છપાઈ હતી, બે રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો! પાછું ભણવાનું ચાલુ કર્યું. 6-7-8 ધોરણ ભણ્યા, ફાઇનલની પરીક્ષા આપી. નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે  પ્રાથમિક-શિક્ષકની નોકરી મળી. પુષ્કળ વાંચન કર્યું, હિન્દી-સ્નાતકની પરીક્ષા અને એસએસસી એક્સટર્નલ ચાલુ નોકરીએ પાસ કરી. 23-24 વર્ષે હાઈસ્કૂલમાં નોકરી મળી. મહેસાણા પાસે ડાંગરવા ગામમાં એન.બી.પંચાલ હાઈસ્કૂલમાં 28 વર્ષ કામ કર્યું. શ્વાસની તકલીફ થતાં છ વર્ષ વહેલી નોકરી છોડી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

લેખનમાં વધુ સક્રિય થયા. ચાર વાગ્યે ઊઠે, જાતે ચા બનાવે, આઠ વાગ્યા સુધી લેખન કાર્ય ચાલે. પછી ચા-નાસ્તો-છાપુ-મુલાકાત ચાલે. પત્રો લખે, બહારનું  કામકાજ કરે. જમ્યા પછી અનુવાદનું કામ કરે. સાંજે વાંચન-વિચારવાનું-પત્રો લખવાના, થોડું ફરવાનું અને ચાલવાનું. તેમણે 30-35 પુસ્તકો પંજાબી-ગુજરાતી અનુવાદનાં કર્યાં છે. બરનાલામાં પંજાબી પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ માટે તેમનું સન્માન થયું હતું! તેમની હાઈસ્કૂલની પાછળ એક ફૌજીભાઈ રહેવા આવ્યા. તેમને બે બાળકો, બંને તેમની શાળામાં દાખલ થયાં. નાની દીકરી ગુજરાતી શીખી ગઈ અને તેમને પંજાબી શીખવી ગઈ!

શોખના વિષયો : 

લેખન-વાંચનનો ઘણો શોખ. એમાં બધો સમય જાય! સ્કૂલની નોકરી દરમ્યાન ચેસ રમવાનો ભારે ચસકો લાગ્યો. રિસેસમાં પણ સ્ટાફ સાથે ચેસ રમે! સારું પ્રભુત્વ મેળવ્યું  હતું. ભાઈબંધ અમદાવાદ પણ ચેસ રમવા આવતા!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકવડો-બાંધો અને માપસરનું વજન. બાળપણથી તબિયત નબળી, શ્વાસની તકલીફ. બે આશ્ચર્ય: તેઓ અત્યાર સુધી જીવ્યા! બાળપણમાં કમળો, 32 વર્ષે ટીબી, શરીર બીમારીનું ઘર! બીજું આશ્ચર્ય: તેઓ લેખક થયા અને આટલાં બધાં પુસ્તકો લખ્યાં! પરિવારમાં કોઈએ પેન પકડી નથી!

યાદગાર પ્રસંગ: 

તેઓ ત્રીજા ધોરણમાં હતા, ઘરની સ્થિતિ નબળી, પુસ્તક લાવી શકે નહીં. શાળામાં દોસ્તારનું પુસ્તક વાપરે. શિક્ષક રોજ કાન આમળે અને ગાળ દે! વાર્ષિક-પરીક્ષામાં સાકળચંદભાઈનો પહેલો નંબર આવ્યો. શિક્ષકના હાથે ઇનામ મળ્યું, આગલા વર્ષનાં પુસ્તકો! એક બળેવે બ્રાહ્મણ અનાજ લેવા આવ્યા, તેમને રાખડી બાંધી પણ ઘરમાં અનાજ નહીં. તેમણે બ્રાહ્મણને કહ્યું: આવતા વર્ષે આવજો! બીજા-વર્ષે ઘણું અનાજ પાક્યું અને બ્રાહ્મણને સુપડે-સૂપડા ભરીને અનાજ આપ્યું! તેઓ આઠમા ધોરણમાં હતા ત્યારે એક જાણીતા લેખકે જાણીતા સાપ્તાહિકમાં વાર્તા લખી, નીચે નોંધ મૂકી:  વાર્તામાં જોડણીની ભૂલ કાઢશે તેને એક ભૂલનો એક આનો આપવામાં આવશે! સાકળચંદભાઈ તો મંડી પડ્યા! તેમણે લગભગ 100 ભૂલો કાઢી સાપ્તાહિકની ઓફિસે મોકલી આપી. સુધારેલી આવૃત્તિની એક કોપી સાકળચંદભાઈને મળી પણ એકે પૈસો આપ્યો નહીં!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

તેઓ રિટાયર થયા ત્યારે કોમ્પ્યુટર હતાં નહીં, એટલે તેઓ બધું જાતે લખતા. હજુ પણ તેમનું લેખન કાર્ય હાથે જ કરે છે. તેમનું માનવું છે કે કોમ્પ્યુટર અને નવી ટેકનોલોજીની જરૂરિયાત છે ખરી પણ વધુ પડતો ઉપયોગ સારો નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાના જમાનામાં સ્વાર્થ ઓછો હતો, પ્રામાણિકતા વધુ હતી. તેઓ શાળાએથી ઘેર જતા ત્યારે વચ્ચે ખેતરોમાં છોડ-ઝાડ પર ફળો અને શાકભાજી લટકતાં હોય, પણ બીજાના ખેતરમાંથી ચોરીને ખવાય નહીં તેવી માવતરની સલાહ. આજનો માણસ સ્વાર્થી અને સ્વ-કેન્દ્રિત થઈ ગયો છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને 2 દીકરા, 2 દીકરી, 7 પૌત્ર-પૌત્રી અને 3 પ્રપૌત્ર-પ્રપ્રૌત્રી છે. પત્ની પૂરીબહેન તેમને પૂરેપૂરો સહકાર આપે છે. તેઓ નવા-જૂના લેખકોમાં ભેદ રાખતા નથી. નવા લેખકોને પ્રોત્સાહન આપે છે અને ચોપડીઓ માટે પ્રસ્તાવના લખી આપે છે.

સંદેશો :  

હસતાંહસતાં કહે છે: બીજું બધું ભલે થજો, લેખક ન થશો! લેખન કરતાં પ્રુફ-રીડિંગમાં વધુ પૈસા મળે છે! લખવું હોય તો બાળકોને અને સમાજને ઉપયોગી પુસ્તકો લખો, વાચકોને નવી દૃષ્ટિ મળે તેવું લખો, નકલ કરશો નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular