Tuesday, May 20, 2025
Google search engine
HomeSocietyનોટ આઉટ@ 93: ચંદ્રવદનભાઈ ગજ્જર

નોટ આઉટ@ 93: ચંદ્રવદનભાઈ ગજ્જર

૯૩ વર્ષના ચંદ્રવદનભાઈ ગજ્જરને ઉંમર પૂછીએ તો હસતા-હસતા કહે કે “હું લતા મંગેશકર કરતા 10 દિવસ મોટો!” આખી જીંદગી ભારતીય-રેલવેમાં નોકરી કરી 1987માં સિનીયર-ચીફ-ક્લાર્ક તરીકે રિટાયર થયેલા ચંદ્રવદનભાઈની વાત સાંભળીએ તેમની પાસેથી:

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને અભ્યાસ સુરતમાં, નોકરી અને તે પછીનું જીવન વડોદરામાં. મધ્યમવર્ગી કુટુંબમાં ત્રણ ભાઈ અને એક બહેન. તેઓ સૌથી મોટા. પિતાને સુરતમાં લાકડાના ઘોડિયા બનાવવાનો ધંધો. ચંદ્રવદનભાઈએ એસએસસી ભણ્યા પછી તરત રેલવેમાં નોકરી લીધી અને 1987માં (58 વર્ષે) સિનીઅર-ચીફ-ક્લાર્ક તરીકે રિટાયર થયા! ચેરિટી-દાન કરવામાં માને. ઓછા પગારમાં પણ દાન કરતા. પુત્ર-પૌત્રને સંસ્કાર એવા કે કમાણીના 10 % દાન કરવાનું!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

રિટાયર થયાને ૩૫ વર્ષ થયાં! ઉંમરને લીધે ઊંઘ ઓછી આવે. સવારે વહેલા ઊઠી જાય. તરત ભગવાનની ભક્તિ-ભજન ચાલે. પછી યોગ અને પ્રાણાયામ કરે. નાહી-ધોઈને દેવ-સેવા કરે. પછી લાલાને જમાડે, સુવાડે….એક નાના બાળકની જેમ લાલાની સેવા કરે! આખો દિવસ લાલાની પાછળ જાય! બપોરે લાલાને સુવાડી પોતે પણ આરામ કરે. સાંજે ઘરની બહાર હિંચકે દોઢ-બે કલાક બેસે. આવતાં-જતાં સૌને “જય શ્રી કૃષ્ણ” કહે. પછી ટીવી જુએ, સમાચાર અને કેબીસી જુએ, છાપુ વાંચે, મેગેઝીન વાંચે અને રાતના મોડા સુઈ જાય. લાલો અને પૌત્ર ધ્રુપદ(જીવતો લાલો!) બે જણની સારસંભાળમાં દિવસો જાય! ઘરનાં બધાં તેમનું બહુ ધ્યાન રાખે. પુત્રવધૂ શીલાબહેન અને પૌત્રવધૂ કૃતિ તેમનું જમવાનું અને ઘરની પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખે. પુત્ર અશ્વિનભાઈ અને પૌત્ર ધ્રુપદ બેન્ક, દવા, ડોક્ટર વગેરે બહારનાં કામકાજમાં મદદ કરે.

2007માં પત્ની નિરંજનાબહેનનું આંતરડાના કેન્સરથી અવસાન થયું. નિરંજનાબહેન શ્રેય-સાધક-મંડળનાં કારોબારી સભ્ય હતાં. મંડળમાં રાસ-ગરબા, નાટક, સંગીત, વાનગી-હરીફાઈ જેવી પ્રવૃત્તિઓ થતી. નિરંજનાબહેન ખાંડવી બનાવવામાં એક્ષપર્ટ હતાં અને પુત્ર-વધૂને તે આવડત વારસામાં આપતાં ગયાં છે!

શોખના વિષયો : 

ક્રિકેટ જોવું બહુ ગમે. પહેલા ક્રિકેટ રમતા, પણ હવે રમાતું નથી. સંગીતનો શોખ, ભજન-કીર્તન સાંભળવા ગમે. ભગવાનની ચોપડી વાંચે. છાપાં-મેગેઝીન વાંચે. ખાવા પીવાનો પણ શોખ. ખાવાનું અપ-ટુ-ડેટ જોઈએ. ડ્રાયફ્રૂટ્સ ભાવે. નીચે જમીન પર બેસી જાતે અખરોટ છોલે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત ઓકે છે, થોડું પ્રેશર રહે છે, શ્વાસની તકલીફ છે, દિવસમાં ત્રણ વાર પંપ લેવો પડે છે, સાંભળવામાં તથા જોવામાં થોડી તકલીફ પડે છે. સિંગલ બોડી છે એટલે હરતા-ફરતા રહે છે. પોતાનું બધું કામકાજ જાતે કરે છે. કોઈ પાસે કોઈ કામ કરાવતા નથી. ખાવાનું બધું ભાવે. દાબેલી, સેવપુરી, પાણીપુરી, પીઝા, બર્ગર….જે આપો તે ખાય!

યાદગાર પ્રસંગો :

જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી ગયા, પણ એટીટ્યુડ એકદમ પોઝિટિવ છે, એટલે તકલીફોને ગણતા નથી. કુટુંબમાં સૌથી મોટા એટલે ભાઈ-બહેનોને ભણાવ્યાં અને તેમનાં લગ્ન કર્યાં. બાળકોને ભણાવ્યાં અને તેમનાં લગ્ન કર્યાં, બધું યાદગાર! પૌત્રને મોટો થતો જોયો, “બાલકૃષ્ણ લાલ કી જય” બોલાવીને ધ્રુપદ સાથે ક્રિકેટ રમે, અનેક પ્રશ્નોની ચર્ચા કરે. તેની વર્ષગાંઠ પર હજુ મિત્રોને ભેગા કરે અને ફુલ એન્જોય કરે! ઘરમાં બધાંનું ધ્યાન રાખે! “વડીલો વગર ઘરમાં અંધારું” આ સંસ્કાર તેમણે બાળકોને પણ આપ્યા!

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ટેકનોલોજી બિલકુલ વાપરતા નથી. હસતા-હસતા ઊમેરે છે કે “ટેકનોલોજી નથી વાપરતો એટલે જ તબિયત સારી છે!” પણ ટેકનોલોજી માટે પોઝિટિવ છે. દૂર-દૂર રહેતાં કુટુંબીઓ અને મિત્રો સાથે ટેકનોલોજીની મદદથી જ વાતો થઈ શકે છે તેમ માને છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

ધ્રુપદ તો દાદાનો દીકરો છે એટલે તેની સાથે સંપર્ક ઘણો સારો છે. કુટુંબનાં બાળકો અને યુવાનો સાથે બહુ સારું ફાવે છે. વડીલ છે અને સ્વભાવ સારો છે એટલે યુવાનો તેમને ઘણું માન આપે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાના જમાનામાં લોકો ધાર્મિક હતાં અને સાદું જીવન જીવતાં હતાં. આજે જીવન થોડું ઈઝી (સહેલું) થઈ ગયું છે. નવી ટેકનોલોજીને લીધે ભણવાનું સરળ પડે છે, અને નોકરી-ધંધામાં તકો પણ ઘણી સારી મળે છે, પણ જીવનમાં દોડધામ વધી ગઈ છે.

સંદેશો :

યોગ અને પ્રાણાયામથી તમારું શરીર ઘણું સારું રહેશે એટલે યોગ અને પ્રાણાયામ જરૂર કરજો. નિયમિત હરતા-ફરતા અને ચાલતા રહો. જે મળ્યું છે તે માટે ભગવાનનો આભાર માનજો અને રોજ પ્રાર્થના કરજો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular