Wednesday, May 28, 2025
Google search engine
HomeSocietyનોટઆઉટ@89: શ્રીમતી પન્ના નાયક

નોટઆઉટ@89: શ્રીમતી પન્ના નાયક

“હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, એવી પાગલ થઈ ગઈ, હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ!” લોકપ્રિય કવિતાનાં અતિ-લોકપ્રિય કવિ પન્ના નાયક! ‘કવિતા એ મારી મા, મિત્ર અને પરમધામ છે. પરદેશમાં ટકી રહી છું તે માત્ર કવિતાને કારણે’ એવું કહેનાર અનેક પારિતોષિકથી સમ્માનિત પન્નાબહેનની વાત તેમની પાસેથી સાંભળીએ.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ડિસેમ્બર ૩૩માં મુંબઈમાં જન્મ. પાંચ ભાઈ,ચાર બહેનોમાં સૌથી નાનાં. મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી  ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ અને એમ.એ. કર્યું. ૧૯૬૦થી યુ.એસ.એ. ફિલાડેલ્ફિયામાં રહે છે. ત્યાં ફરી બે વિષયોમાં એમ.એ. કર્યું. અમેરિકન કવયિત્રી એન સેક્સટનને સાંભળ્યા પછી કવિતાનો અંકુર ફૂટ્યો. સુરેશ દલાલ સારા કોલેજ-મિત્ર. તેમના દરેક અંક માટે કવિતાની ઉઘરાણી કરે. ‘પન્નાની કવિતા નહીં તો અંક નહીં’ એવું નક્કી! એકવાર પ્રખ્યાત ચિત્રકાર હકુભાઈ શાહ ઘરે રહ્યા. તેમણે આગતા-સ્વાગતા વખાણીને પૂછ્યું “આમાં પન્ના ક્યાં? દોઢ વર્ષ આપ તારી જાતને.” આમ ૩ ધક્કા વાગ્યા અને ૧૯૭૨થી કવિતા લખવાનું શરૂ કર્યું. કોઈપણ છોછ કે સંકોચ વિના, પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી તેઓ લખે છે. સત્ય કહેવાનો પ્રયત્ન કરે છે. દંભના પડદા ચીરીને, સામાજિક ભયથી ઢાંકપિછોડો કર્યા વગર લખે છે. તેમણે કાવ્ય (‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ સમગ્ર કવિતાસંચય), દીર્ઘ-કાવ્ય (‘રંગઝરૂખે’ અગિયાર દીર્ઘકાવ્યોનો સંગ્રહ), વાર્તા અને નિબંધો લખ્યાં છે. એમની ઘણી કવિતાઓ તથા ટૂંકી-વાર્તાઓનું અંગ્રેજી, હિન્દી તથા મરાઠીમાં  રૂપાંતર થયું છે અને અમેરિકાનાં મેગેઝિનોમાં છપાયું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

ઘરનું કામ અને ફરવાનું! લોકોને મળવાનું! ફોન અને ઝૂમ પર ઈન્ટરવ્યુ આપવાના! સોશિઅલ મીડિયા પર એક્ટીવ છું. એ પછી મુખ્ય કાર્ય લેખન! તેમણે દીર્ઘ-કાવ્ય લખ્યાં છે તો હાઇકુ પણ લખ્યાં છે! તેમની લોકપ્રિય કલમ ક્યારેક પીંછી થઈને કાવ્યમાં મેઘધનુષ અવતારે છે!

શોખના વિષયો :

વાંચવા-લખવાનો શોખ છે. ગીત-સંગીતનો શોખ બાળપણથી. ક્લાસિકલ અને સેમી-ક્લાસિકલ સંગીત શીખેલી. નાટક કરવાં ગમે. મુંબઈ હતી ત્યારે રેડિયો અને સ્ટેજ પર નાટકમાં વ્યસ્ત રહેતી. રસોઈ કરવાનો શોખ છે. પ્રવાસ કરવામાં મજા આવે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

બાળપણથી કસાયેલું શરીર છે. વાળ ધોળા થયા છે, આંખ-કાન પણ થોડાં હેરાન કરે છે. પણ બીજી કોઈ ગંભીર બીમારી નથી.

યાદગાર પ્રસંગો :

પ્રખ્યાત સિતારવાદક રવિશંકર સાથે ઘરોબો. ૧૯૬૨માં પ્રોગ્રામ માટે આવેલા ત્યારે ઘરે જમવા આવ્યા. તેમને તો એટલું ફાવી ગયું કે મને કહે “તને તકલીફ પડે તો તું હોટલમાં જઈ શકે છે!” આખા શંકર કુટુંબ સાથે ગમે. કમલાશંકર, લક્ષ્મીશંકર સાથે પણ ફાવે. મધર ટેરેસા મારાં આદર્શ! મળે ત્યારે વ્હાલથી મને ભેટે! એમના ધાર્મિક રિવાજ મુજબ એક વાર તેમણે મારા પગ ધોયેલા…..તેઓ પગ ધોતાં જાય અને હું રડતી જાઉં. આજે પણ તે નેપકીન સાચવી રાખ્યો છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

હા, કામ માટે વાપરું છું. ટેકનોલોજી ગમે છે. પણ એનું એડીક્શન થઈ જાય છે. હાથનાં ટેરવે બધી માહિતી મળી જાય. હજુ વધું શીખવું છે! હમણાં CDમાંથી ગીત કોપી કરવા કોઈની મદદ લેવી પડી તે બિલકુલ ગમ્યું નહીં. Facebook પર ઘણું બધું Edit કર્યા વગરનું છપાય છે. કોઈ કંટ્રોલ નથી એ બરાબર નથી.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ત્યારે જે હતું તે આજે નથી. મુંબઈ મને બહુ ગમે, પણ પહેલાંનું મુંબઈ હવે નથી રહ્યું. પોલ્યુશન, વસ્તી…. ફિલાડેલ્ફિયામાં ગમે છે. અહીં મોકળાશ છે, વિકાસની તક છે, અલગ લાઈફસ્ટાઇલ છે, પતિ ખભે-ખભા મિલાવી કામ કરે છે, કમ્પેનિયનશીપ છે! હું મુંબઈ અને ફિલાડેલ્ફિયા એક સાથે શ્વસું છું!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

હા, 5 ગ્રાન્ડ-ચિલ્ડ્રન છે, પુત્રો, મિત્રનાં બાળકો, વિદ્યાર્થીઓ, સાહિત્ય-સભાના મિત્રો, ગુજરાતી લિટરરી એકેડેમીના સભ્યો….મને યુવાનોને મળવું, તેમની સાથે ઈન્ટરેકટ કરવું ગમે છે. તેમની પાસે નવા નવા આઈડિયાનો ભંડાર હોય છે!

સંદેશો:

ભારતની આજની યુવા પેઢી માટે મને માન છે. ભવિષ્યની પેઢીમાં ખૂબ શ્રદ્ધા છે. સ્ત્રીઓની પોટેન્શિયલ બહાર લાવવા તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ જાતે બધું ફોડી લેશે! આને માટે તેમણે સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular