Monday, May 26, 2025
Google search engine
HomeSocietyનોટ આઉટ @ 88 : સુરેન્દ્રભાઈ જોષી

નોટ આઉટ @ 88 : સુરેન્દ્રભાઈ જોષી

સેલ્સ-ટેક્સ ઇન્સ્પેક્ટરની નોકરી તથા સેલ્સ-ટેક્સ અને ઇન્કમટેક્સની કન્સલ્ટન્સીથી વધારે જેમને સમાજ-સેવામાં સાર્થકતા લાગી તેવા, સુરુભાઈના હુલામણા નામથી ઓળખાતા, સુરેન્દ્રભાઈ જોષીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ બામણામાં(ઇડર-સ્ટેટ, સાબરકાંઠા). સુરુભાઈ સાડા-ત્રણ વર્ષના હતા ત્યારે તેમણે પિતા ખોયા. ગરીબ કુટુંબ, થોડી ખેતી અને થોડાં ઢોર, એટલે બા દૂધ-ઘી વેચી ગુજરાન ચલાવે. કાકાઓની સહાય પણ ખરી. પ્રાથમિક-શિક્ષણ બામણાની શાળામાં. પછી હિંમતનગર હતા, જ્યાં ખરાબ મિત્રોની સોબતમાં બીડી પીવા લાગ્યા. કાકીએ અમદાવાદ બોલાવી લીધા અને સી.એન. વિદ્યાલયમાં દાખલ કર્યા. કાકા ઉમાશંકરભાઈ જોષીના સ્વતંત્રતા-ચળવળના સારા મિત્ર ભાસ્કરરાવ વિદ્વાંસને ઘેર થોડો વખત રહ્યા. બંને પાસેથી જીવન-ઘડતરના પાઠ શીખ્યા. એચ.એલ. કોમર્સમાંથી બી.કોમ. કર્યું. પ્રિન્સિપાલ એસ.વી. દેસાઈ માટે ખૂબ માન. મુંબઈમાં સેલ્સ-ટેક્સ ઇન્સ્પેક્ટરની નોકરી મળી. પી.જી. હોસ્ટેલમાં રહેતા અને સાંજે એલ.એલ.બી. કરતા. ત્રણ વર્ષ પછી વડોદરા બદલી થઈ પણ કરપ્શનને કારણે તેમને કામ ગમતું નહીં. ઇન્કમટેક્સ શીખી નોકરી છોડી પોતાની કન્સલ્ટન્સી શરૂ કરી. જોડે-જોડે વુલની એજન્સી લીધી, જેમાં સાત-આઠ વર્ષમાં સારું કમાયા. વર્ષાબેન સાથે લગ્ન કર્યા. ફોઈના દીકરાને તથા કુટુંબના ત્રણ-ચાર છોકરાઓને પાટે ચડાવ્યા. એમનું ઘર રી-ફોર્મ-હાઉસ તરીકે ઓળખાતું! 1964માં સનત મેહતાના પરિચયમાં આવ્યા. જન-સંપર્ક માટે મેડિકલ-સેન્ટર બનાવવાનો સુરુભાઈનો પ્રસ્તાવ હતો. 1982ના અરસામાં એન.આર.આઈ. ગોરધનભાઈએ 10 લાખ રૂપિયા હોસ્પિટલ માટે આપ્યા. તેમણે અને ડોક્ટર વ્યાસે ખૂબ મહેનત કરી શૂન્યમાંથી સર્જન કર્યું. 1984 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ ગઈ. સુરુભાઈએ પ્રેક્ટિસ છોડી કાશીબેન ગોરધનભાઈ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સંપૂર્ણ સમય આપ્યો.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

એકદમ નિયમિત જીવન છે. સવારે 6:30 વાગે ઊઠી અડધો કલાક કસરત કરે. ચા પીએ, છાપા વાંચે. પછી હોસ્પિટલ જાય. હોસ્પિટલનું કામ પતાવી ઘેર આવી જમીને આરામ કરે. મિત્ર-મંડળ ઘણું મોટું છે, જેથી સાંજ સોશિયલ-એક્ટિવિટીમાં જાય.

વિદ્વાંસ-કુટુંબ સાથે ગાઢ પરિચય. અશોકભાઈ વિદ્વાંસ ભાવનગરથી વડોદરા શિફ્ટ થયા ત્યારે એક સરસ એક્ટિવિટી-ફ્રેન્ચ લોકો સાથે એક્સચેન્જ પ્રોગ્રામ- FRATERNITY વડોદરા લઈ આવ્યા, જેમાં સુરુભાઈ ખૂબ જ સક્રિય છે.

શોખના વિષયો : 

વાંચવાનો શોખ. દેશ-પરદેશનાં મિત્રો સાથે રહેવાનું અને વિચાર-વિનિમય કરવાનું ગમે! સુરુભાઈનું ઘર મિત્રોથી ભરેલું હોય! ફરવાનો શોખ એટલે દુનિયામાં ઘણું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. એકવડો બાંધો, ઓછું વજન અને સતત કાર્યશીલ એટલે હરતા-ફરતા છે. 50 વર્ષ ડ્રાઇવિંગ કર્યું પણ ગિયર-લેસ ગાડી ફાવી નહીં એટલે જાતે ડ્રાઇવિંગ કરતા નથી.

યાદગાર પ્રસંગ:  

સુરુભાઈને સમાજ-સેવાનું અને સિદ્ધાંતો માટે લડવાનું ગમે. એ જમાનામાં ગેસનો બાટલો નોંધાવે પછી બે-ત્રણ મહિને મળે. એકવાર તેમનો નોંધાવેલો-બાટલો ઘણા સમય સુધી આવ્યો નહીં. વડોદરાની ઓફિસમાંથી સરખો જવાબ મળ્યો નહીં. એમણે મુંબઈ, મેઈન-ઓફિસમાં, કાગળ લખી હકીકત જણાવી. સાથેસાથે વડોદરામાં બર્શેન-ગેસ-યુઝર્સ એસોશિએશન બનાવ્યું અને મિટિંગ બોલાવી. ઘણાં માણસો મિટિંગમાં આવ્યા. બર્શેનની મુંબઈ ઓફિસે ખબર પડી. ત્રીજા દિવસે કંપનીમાંથી ઓફિસરો વડોદરા આવ્યા અને સુરુભાઈને મળ્યા. તેમણે આખો મામલો સરસ રીતે સુલઝાવી આપ્યો.

દિવ્યભાસ્કરની વડોદરા આવૃત્તિ શરૂ થઈ ત્યારે છાપાના તંત્રી સુરુભાઈને મળ્યા. તેઓ રોજ સુરુભાઈને ત્રણ જુદાંજુદાં છાપાં મોકલાવતા. સુરુભાઈ ત્રણે છાપાંનો અભ્યાસ કરી, સાંજે રિપોર્ટ મોકલતા. આ કામ સુરુભાઈએ છ મહિના કર્યું અને છાપામાં જરૂરી સુધારા-વધારા સૂચવ્યા.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

કોમ્પ્યુટર પર કામ કરવું બહુ ફાવે નહીં, પણ પરદેશનું કામકાજ વધારે એટલે જમાઈની મદદથી શીખી લીધું! હોસ્પિટલનો સ્ટાફ ત્યાનું કામ કરી લે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

હોસ્પિટલના કામને લીધે સુરુભાઈના સ્વભાવમાં નરમાઈ આવી છે. પહેલા ગુસ્સે થઈ જતા. હસીને કહે છે: “તેઓ ગામડાના ખરા પણ ગામડિયા નહીં!” દુનિયાભરમાં મિત્રો છે એટલે આઉટલુક ઘણો બ્રોડ. તેમના મતે સદીઓમાં આવતા બદલાવ હવે ફટાફટ આવે છે. સોશિયલ-મીડિયાને લીધે દુષણ ઘણું ફેલાય છે. જો સોશિયલ-મીડિયાના ઉપયોગ માટે કંઈક ચાર્જ લાગે તો આ દુષણ પર કંટ્રોલ આવી શકે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનોના સારા સંપર્કમાં. કુટુંબનાં અને મિત્રોનાં યુવાન બાળકો સાથે ફાવે. સાને ગુરુજીના કિશોર-સંગઠન “આંતર-ભારતી”માં ઘણા સક્રિય છે. FRATERNITY ગ્રુપમાં પણ યુવાનો સાથે કામ કરવાનું ફાવે.

સંદેશો :  

સેવાના કામમાં બદી ઘૂસી ગઈ છે. ભારતમાં પણ સેવાના નામે મટીરીયાલીસ્ટીક પવન ફૂંકાયો છે. હોશિયાર વિદ્યાર્થીઓ અને યુવાનોને મારી અપીલ છે કે સેવાના કામમાં જોડાઓ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular