Tuesday, November 18, 2025
Google search engine
HomeSocietyનોટ આઉટ @ 88 હરજીવનદાસ વેદ

નોટ આઉટ @ 88 હરજીવનદાસ વેદ

જીવનના છ-છ દાયકા એક જ જગ્યાએથી (દિલ્હી-ચકલામાં) સાયકલ અને પ્રાઇમસ રીપેરીંગની દુકાન ચલાવનાર હરજીવનદાસ વેદની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ જોડિયા-બંદર(જામનગર)ના ભાટિયા વૈષ્ણવ કુટુંબમાં. સાત ભાઈ, ત્રણ બહેનનું બહોળું કુટુંબ. નાના ભાઈના જન્મ પછી માતા મૃત્યુ પામી અને ઘરની જવાબદારી તેમના ઉપર આવી  પડી. મેટ્રિક સુધીનો અભ્યાસ ગામમાં કર્યો, પછી બે વર્ષ ભાવનગર કોલેજ કરી અને બે વર્ષ અમદાવાદ કોલેજમાં ભણ્યા. પણ જવાબદારીઓ વધતાં, દિલ્હી-ચકલામાં સાયકલ અને પ્રાઇમસ રીપેરીંગની દુકાન શરૂ કરી. જીવનના છ-છ દાયકા એ જ જગ્યાએથી દુકાન ચલાવી.  30 સાયકલ ભાડે ચલાવતા! ધીમે-ધીમે કરતાં બીજી પાંચ દુકાનો શરૂ કરી, ભાઈ-ભાંડુઓને ઠેકાણે પાડ્યાં. જીવનમાં ક્યારેય કોઈનું ઉધાર લીધું નથી, બધાંને આપ્યું જ છે! પત્ની વસુમતીબહેન ‘આફ્રિકા-નિવાસી અને ગ્રેજ્યુએટ’ કહેતાં મોઢા પર આનંદ આવી જાય છે! લગ્ન સાદગીથી (500 રૂપિયામાં) કર્યાં! જીવનની શરૂઆતમાં બંસીધર મીલની બહાર ફૂટપાથ પર સૂતા છે અને આજે અમદાવાદના પોશ એરિયામાં ભવ્ય ફ્લેટમાં સંયુક્ત કુટુંબમાં રહે છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સાયકલ અને પ્રાઇમસ રીપેરીંગની દુકાનમાં આનંદ સાથે સેવા થતી એટલે નિવૃત્તિ ઘણી મોડી લીધી. હાલ સવારે છ વાગે ઊઠે. બ્રશ-દાઢી વગેરે નિત્યક્રમ કરી, ગરમ પાણીમાં હળદર અને બીજી દવાઓ લે. નાહી-ધોઈને દીકરા સાથે 9.30 વાગે ચા-નાસ્તો કરે. 11:30થી બે કલાક ઠાકોરજીની સેવા કરે. પુષ્ટિમાર્ગી છે અને પુષ્ટાવેલી સેવા છે. પત્નીની તબિયત સારી નથી રહેતી એટલે સેવા-પૂજા હરજીવનદાસ કરે છે. પછી જમીને બપોરે આરામ કરે. પહેલાં સાંજે નીચે ચાલવા જતા, હવે ઘરમાં જ ચાલે છે. અઠવાડિયામાં ફિઝિયોથેરેપીસ્ટ બે વાર આવી કસરત કરાવે છે. (CA થયેલો પૌત્ર મોટું જિમ ચલાવે છે અને આરોગ્યનું  ખૂબ ધ્યાન રાખે છે.) રાત્રે જમીને ટીવી જોઈ સુઈ જાય.

શોખના વિષયો : 

બાળપણમાં સારા પુસ્તકોનું વાંચન કરતા, બંગાળી સાહિત્યનું વાચન ઘણું કર્યું છે. ઉંમર થતાં હવે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે છે. બેઠકજીની યાત્રા કરી છે. ટીવી પર ક્રિકેટ મેચ જોવી ગમે છે. હવે પ્રભુ સેવા એ જ શોખ! ફુરસદના સમયમાં ફુલની માળાજી બનાવે છે. દીકરા-વહુ સાથે સારા સંબંધો છે. ક્યારેય મોટા અવાજે બોલવાનું થતું નથી. કંપની-સેક્રેટરી દીકરો ઉમેશ વેદ અને વહુ પારુલ તેમનું ઘણું ધ્યાન રાખે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ઘણી મજૂરી કરી છે, ઘણું કામ કર્યું છે એટલે શરીર સાથ આપે છે. શરીરને માફક આવે તેવી કસરત કરે છે. આંખ-કાનની થોડી તકલીફ છે. ઉંમર થઈ એટલે કંઈને-કંઈ તકલીફ રહે. તેમના મતે “ગોળી ગળવાની પરંતુ તેને તાબે નહીં થવાનું! ગોળીઓ જ ગોળીને મારે છે!”

યાદગાર પ્રસંગ:  

બાળપણમાં ઘણો દુઃખ જોયાં છે તેથી તકલીફના દિવસો યાદ આવે છે, સાથે-સાથે હાસ્યના પ્રોગ્રામ જોયેલા (ખાસ કરીને હસમુખ કિકાણીના) તે યાદ આવે છે. સ્કૂલના સમયે ગીતા વિશે થયેલા પ્રવચનો યાદ છે. ડોંગરેજીની છેલ્લી સપ્તાહ સાંભળી હતી તે યાદ છે. ‘આફ્રિકા-નિવાસી ગ્રેજ્યુએટ’ પત્ની સાથે 500 રૂપિયામાં સાદગીથી લગ્ન કર્યાં તે કેમ ભૂલાય!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

નવી ટેકનોલોજી ખાસ વાપરતા નથી. ટીવીમાં કસરતના પ્રોગ્રામ, ક્રિકેટ-મેચ અને ફૂટબોલ મેચ જુએ. ટીવીમાં મેળ ના પડે તો પત્નીના મોબાઈલ પર પણ હાથ અજમાવી લે! શરીરને માફક આવે તે રીતે AC વાપરે. વેપાર-ધંધામાં સમયની બચત માટે નવી ટેકનોલોજી સારી છે, પણ યુવાન-વર્ગનું જીવન તેનાથી વેડફાઈ જાય છે. બાળકોને મોબાઇલથી દૂર જ રાખવા સારા! સરકારે નવા કાયદા (સાઈબર લો) ઘડવા જોઈએ.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાં જીવન તંદુરસ્ત હતું અને લોકો મહેનત કરી આગળ વધતાં. હવે ગમે તે રસ્તેથી લોકોને જલ્દી માલદાર થઈ જવું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? તેમના શબ્દોમાં:

યુવાનો અને બાળકો સાથે બહુ સારું ફાવે! તેમની સાથે આનંદથી રહેવાનું, કોઈ વાતમાં ચંચુપાત કરવાનો નહીં, જેથી તેઓ માન આપે. કોઈ વાતે તેમને ક્રોસ કરવાના નહીં. મિત્ર જેવું સાથે રહેવાનું. યુવાનો પ્રગતિ કરતા હોય ત્યારે માગે તો જ સલાહ-સૂચનો કરવા જેથી તેઓને તકલીફ ના પડે!” તેમને એક દીકરો, એક દીકરી અને બે પૌત્રો છે.

સંદેશો :  

જિંદગી જીવવા અને માણવા માટે મળેલ છે. સાદું જીવન જીવવામાં જ આનંદ છે અને આનંદ એ જ પરમાનંદ!

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular