Sunday, May 18, 2025
Google search engine
HomeSocietyનોટ આઉટ @ 85 : મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહ

નોટ આઉટ @ 85 : મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહ

“પૈસા, પાણી અને પત્ની, ના હોય ત્યારે જ એની વેલ્યુ સમજાય!” જેવું બ્રહ્મવાક્ય પોતાની પત્નીની યાદમાં હસતા-હસતા બોલનાર અમદાવાદના જાણીતા એડવોકેટ (Taxation) મધુકરભાઈ ત્રમ્બકલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ અમદાવાદમાં. તેમને બે ભાઈ. પિતા 1936માં કરાચીથી અમદાવાદ આવ્યા અને ફુવાની દુકાનમાં સેલ્સમેન તરીકે જોડાયા. મધુકરભાઈનો શાળાનો અભ્યાસ ન્યુ હાઇસ્કુલમાં, કોલેજ એચ.એલ. કોમર્સમાં. પછી એલએલબી સુધી ભણ્યા. બાળપણમાં આઝાદીની લડતમાં વડીલોને મદદ કરતા. તેમણે 140 રૂપિયાના પગારથી કામ શરૂ કર્યું, ત્રણ રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ! દર મહિનાની પેહલી તારીખે પગાર આવે એટલે ધનાસુથારની પોળ જઈ અંબાજીના મંદિરે ભેટ ધરાવે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

હજુ 85 વર્ષે રિટાયર થયા નથી! ટેક્સેશનની પ્રેક્ટિસ ચાલુ છે, સાથે સેવા-ધર્મનું કામ પુષ્કળ કરે છે. સવારે 5:00 વાગે ઊઠે, બે લોટા પાણી પીએ, ગરમ મીઠાના પાણીના કોગળા કરે, સૂંઠની ગોળી લે. ચાલતા-ચાલતા રાજપથ ક્લબ જાય, 400 મીટરના બે રાઉન્ડ મારે, ગરમ જ્યુસ અને તુલસી-સુધા પીએ. ઘરે આવીને હળદર-મીઠાનું દૂધ લે. રોજ નાસીકા કરે. 11:00થી એક વાગ્યા સુધી ઓફિસમાં હોય. ઘેર જઈ જમીને આરામ કરે. વળી ચારથી છ ઓફિસમાં કામકાજ કરે. આજના દિવસે પણ સોશિયલ-લાઈફ જોરદાર છે! તેમણે અનેક સંસ્થાઓ સ્થાપવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. નવરંગપુરા, આંબાવાડી અને સેટેલાઈટના સ્થાનકવાસી-જૈન-સંઘનાં બંધારણ તેમણે બનાવ્યાં. જૈન-લોટસ-ગ્રુપના સ્થાપક અને સલાહકાર મંડળના સભ્ય છે. જૈન-કલ્ચરલ-ગ્રુપ સાથે 43 વર્ષથી સંકળાયેલા છે અને 43 વર્ષથી જૈન-સમૂહ-લગ્ન યોજે છે. સિનિયર-સિટીઝન કલ્ચરલ ગૃપમાંથી દર વર્ષે ઇન્ટરનેશનલ ટુર લઈ જતા. વડીલોને 18 દેશોનો પ્રવાસ કરાવ્યો છે, સખાવતી સંસ્થાઓમાં સિનિયર-સિટીઝન્સને લઈ ગયા છે અને વડીલોને ખૂબ-ખૂબ આનંદ કરાવ્યો છે તથા જ્ઞાન સાથે ગમ્મત કરાવી છે.

 

શોખના વિષયો : 

ફરવા-ફેરવવાનું ગમે. હજુ જાતે જ ગાડી ડ્રાઈવ કરે છે. સામાજિક પ્રવૃત્તિઓ  ઘણી કરે છે. સંજીવની-ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. દર મહિનાની 15મી તારીખે 250 કીટ જરૂરિયાતવાળા માણસોને આપે છે. સત્યસાંઈ-હાર્ટ-હોસ્પિટલ તથા રાજેન્દ્રનગર આશ્રમ જેવી સેવાભાવી સંસ્થાઓને અનુમોદન આપે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ઈશ્વરની મહેરબાનીથી તબિયત સારી છે. 25 વર્ષથી જેવાને તેવા દેખાય છે! ઉપર જણાવેલો સવારનો નિત્યક્રમ એકદમ નક્કી. રાતના કાયમી-ચૂર્ણ લે, તે સિવાય કોઈ દવા લેતા નથી, કોઈ રોગ પણ નથી. કદાચ જીન્સમાં જ હશે. માતાએ 103 વર્ષ, પિતાએ  94 વર્ષ અને મોટાભાઈએ 88 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું છે. તેઓ 85 વર્ષે અને નાનાભાઈ 82 વર્ષે તંદુરસ્ત છે, જોકે પત્ની 60 વર્ષે ગુમાવ્યા. પત્નીના ગયા પછીના 25 વર્ષમાં પોતાના અંગત કામ માટે કોઈની મદદ નથી લીધી.

યાદગાર પ્રસંગ:  

દિવ્યાંગોને લાગે કે તેઓ સમાજથી જુદા છે એટલે બધા સાથે મિક્સ થતાં ખચકાય. એ ખચકાટ દૂર કરવા તેમણે એકવાર દિવ્યાંગો માટે ખાસ જમણવાર યોજ્યો. રિસેપ્શનની જેમ દરેકનું ગુલાબના ફૂલથી સ્વાગત કર્યું. ટેબલ-ખુરશી પર બેસાડી, ટ્રસ્ટીઓએ તેમને જમવાનું પીરસ્યું અને ખૂબ આનંદથી તેમને જમાડ્યા! તેમના પડોશમાં એક સિંધી-કુટુંબ રહેવા આવ્યું. અમદાવાદમાં નવા હતા. તેમનો નાનો દીકરો લખોટી ગળી ગયો. કુટુંબનાં સભ્યો ગભરાઈ ગયાં. આસપાસ કોઈને ઓળખે નહીં. કોણ મદદ કરવા જાય? કોણ તેમને ડોક્ટર પાસે લઈ જાય? મધુકરભાઈ બાળકને ડોક્ટર પાસે લઈ ગયા. તરત સારવાર કરાવી અને સિંધીનો દીકરો હસતો-રમતો ઘેર પાછો આવ્યો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો ઉપયોગ નહિવત્ કરે છે. મોબાઇલનો ઉપયોગ સારી રીતે કરી જાણે છે. કોરોનાએ શીખવાડી દીધું!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજના યુવાનો બહુ સેલ્ફ-સેન્ટર્ડ છે. “મારું શું?” અને “આપણે શું?” એમાં જ માને છે. જોકે બધાં યુવાનો ખરાબ છે એવું નથી. આજના ઘણાં યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના પોકેટ-મનીમાંથી પણ ઘણું કામ કરે છે. તેમને  થોડા માર્ગદર્શનની જરૂર છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને ત્રણ દીકરા છે: એક એન્જિનિયર, બીજો એમબીએ અને ત્રીજો એડવોકેટ છે. ઘરનાં અને કુટુંબનાં યુવાનો સાથે સારું ફાવે છે. સામાજિક કામોને લીધે સમાજનાં યુવાનો સાથે સારી રીતે સંકળાયેલા છે.

સંદેશો :  

વડીલોએ યુવાનોને ગમતા થવું! બાળકોના વિકાસ અને આનંદની વચ્ચે આવવું નહીં. ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ, સારી તંદુરસ્તી અને પોઝિટિવ સ્વભાવ રાખો તો જ આજના સમયમાં ટકી શકો. આપણાથી નીચે હોય તેની ઉપર નજર રાખવી. તેમને શક્ય હોય તેટલી મદદ કરવી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular