Sunday, May 25, 2025
Google search engine
HomeSocietyનોટ આઉટ @ 84 : સુનિતા ચોપડા

નોટ આઉટ @ 84 : સુનિતા ચોપડા

“હરબાર મુકદ્દરકો દોષ દેના ઠીક નહીં, કભી-કભી હમ ભી હદ સે જ્યાદા માંગ લેતે હૈં!” કહી આજનો સંવાદ શરૂ કરનાર સુનીતા ચોપડાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ કલકત્તામાં, પિતાને ટ્રાન્સપોર્ટનો ધંધો. માતાની તબિયત શહેરમાં સારી ન રહેવાથી જલંધર નજીકના નૂરમહેલ સરાઈમાં રહેવા ગયાં. બે ભાઈ અને એક બહેનનું નાનું કુટુંબ. નાના ગામમાં છોકરીઓના ભણતર માટે કોઈ વ્યવસ્થા નહીં! પાંચ છોકરીઓને ભેગી કરી અને ભણાવવાનું શરૂ કર્યું! 11 ધોરણ સુધી ગામમાં ભણ્યાં, પછી જલંધર જઈ બીએ વિથ પોલિટિકલ સાયન્સ કર્યું. 1962માં લગ્ન થયા, પતિ ઓએનજીસીમાં નોકરી કરતા હતા. દેશ-વિદેશમાં બદલી થયા કરે. કલકત્તા, દેહરાદુન, રશિયા, આસામ, રાજમુંદરી, અંકલેશ્વર, અમદાવાદ….એમ ઘણું ફર્યા છે, પણ સુનિતાબહેન બાળકો સાથે અમદાવાદ જ રહ્યાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે વહેલા 05:00 વાગે ઊઠે. રસોડામાં થોડું ઊંચું-નીચું કરી છાપુ વાંચવા બેસે. સવાર-સવારમાં બે-ત્રણ વાર ચા થઈ જાય. નાહી-ધોઈને પ્રાર્થના કરે. પ્રાર્થનામાં વધારે તો કંઈ નહીં, પણ ભગવાનનો ખૂબ-ખૂબ આભાર માને કે આટલું સરસ, સુખી કુટુંબ અને સંતોષકારક જીવન આપ્યું! બપોરે બે કલાક આરામ કરે. જુવાનીમાં યોગ-કસરત કરતાં, પણ હવે ઘરનું નાનું-મોટું કામ જ કસરત છે એમ માને છે. તેમને ઘરકામમાં મદદ કરવા એક ભાઈ આવે છે અને રાતના કંપની આપવા રાત-રખી આવે છે. બાકી ઘરમાં એકલાં રહે છે. દીકરો વડોદરા રહે છે, ગુજરાતી દેસાઈની દીકરી સાથે લગ્ન કર્યા છે. દીકરી હૈદરાબાદ રહે છે, આર્મી-ઓફિસર સાથે લગ્ન કર્યા છે. દૂર રહ્યાં-રહ્યાં પણ બાળકો બહુ ધ્યાન રાખે છે. સુનિતાબહેનને અંગ્રેજી પુસ્તકો વાંચવાનું બહુ ગમે છે. તેમના તકિયા પાસે ચોપડીઓ પડી જ હોય. જાણે મીઠાઈ મળી હોય તેવું લાગે! ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથાઓ અને ઐતિહાસિક પુસ્તકો વાંચવા બહુ ગમે. હમણાં છેલ્લે દીપ્તિ નવલની આત્મકથા વાંચી. છાપા-મેગેઝીનમાંથી સારા આર્ટીકલ્સ વાંચી તેના કટીંગ કરી સાચવે.

શોખના વિષયો : 

આમ તો આદર્શ ગૃહિણી એટલે ઘરને શણગારવાનો બહુ શોખ, તૈયાર થઈ બહાર જવાનું પણ ગમે. કાયમ સુંદર સાડી પહેરે. ક્રોકરીનો બહુ શોખ. જેવા પૈસા મળે કે બજારમાં જઈ ક્રોકરી લઈ આવે! બજારમાં ફરવાનો અને ખરીદીનો પણ શોખ. અંગ્રેજી પુસ્તકો, ખાસ કરીને આત્મકથાઓ અને ઐતિહાસિક પુસ્તકો વાંચવા ગમે. જુદાજુદા સુંદર મોટીવેશનલ વાક્યો લખેલી પિતાની ડાયરી સાચવીને રાખી છે. રોજ તેમાંથી તેઓ કંઈને કંઈ વાંચે છે અને જૂનો જમાનો યાદ કરે છે.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત બહુ સારી નથી રહેતી. કઈને કંઈ ચાલ્યા કરે. ઘણી બધી દવાઓ લેવી પડે છે. પણ દીકરો અને દીકરી ઘણી સંભાળ લે છે. પતિનું 2018માં અવસાન થયા બાદ જીવન થોડું નીરસ લાગે છે.  

યાદગાર પ્રસંગ: 

દીકરાના લગ્ન ગુજરાતી ડોક્ટર દેસાઈની દીકરી સાથે ધામધૂમથી કર્યા. પંજાબી દીકરો અને ગુજરાતી દીકરીના લગ્ન રંગે-ચંગે પાર પાડ્યા તેનો બહુ આનંદ! દીકરીના લગ્ન મિત્રના પુત્ર અને આર્મી-મેન સાથે કર્યા એમાં પણ બહુ મજા કરી તે પણ યાદ છે! કોલેજના દિવસોમાં એકવાર જલંધરમાં ફોટા પડાવવા ગયા. ફોટાના પૈસા આપ્યા તો પર્સ ખાલી થઈ ગયું! હવે શું કરવું? પણ હારે તો સુનિતા શેની? નજીકમાં રહેતાં સંબંધીને ઘેર પહોંચી ગઈ. થોડી વાર વાતોચીતો કરી ઘેર જવા નીકળી એટલે રીવાજ પ્રમાણે વડીલે હાથમાં પાંચ રૂપિયા આપ્યા અને તેનું કામ થઈ ગયું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજીનો માર્યાદિત ઉપયોગ કરે છે. બાળકો સ્માર્ટફોન લેવા માટે ઘણો આગ્રહ કરે છે, પણ તેમને બહુ પસંદ નથી. એકદમ સાદો ફોન વાપરે છે અને બાળકો તથા મિત્રો સાથે સંપર્કમાં રહે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાના જમાનામાં વાતાવરણ ઘણું પવિત્ર હતું, લોકો સીધા-સાદા હતા અને જીવનમાં એક મોકળાશ હતી. હવે એ બધું જોવા મળતું નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

પીડીપીયુમાં ભણેલો પૌત્ર બહુ પ્રેમથી તેમની વાતો સાંભળે છે. બિટ્સમાં ભણેલો દોહિત્ર તેમની પાસે રહીને જ મોટો થયો છે એટલે તેની સાથે પણ સારો સંપર્ક છે. યુવાનોને મળવાનું ગમે છે પણ એવા પ્રસંગો ઓછા બને છે.

સંદેશો :  

ઈશ્વરને ફક્ત પ્રાર્થના કરો : BMW

Bless My Work!

Bring Me Wisdome!

Burry My Worries!

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular