Thursday, July 17, 2025
Google search engine
HomeSocietyનોટ આઉટ @ 82: નીલાબહેન જોષી

નોટ આઉટ @ 82: નીલાબહેન જોષી

કુટુંબનાં અનેક મહાનુભાવોની વચ્ચે રહીને પણ જેમણે પોતાની અલગ ઓળખ જાળવી રાખી તેવા નીલાબેન જોષીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

પિતા ગાંધીવાદી અને જાણીતા સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ, સસરા જૂનાગઢની કોલેજમાં અંગ્રેજીના અનુભવી પ્રોફેસર, સાસુ જૂનાગઢની પ્રખ્યાત શાળામાં પ્રિન્સિપાલ, પતિ જયંત જોશી અંગ્રેજીના જાણીતા પ્રોફેસર, મોટો દીકરો અભિજાત જોશી જાણીતા ફિલ્મ-વાર્તાકાર, નાનો દીકરો સૌમ્ય જોશી પ્રખ્યાત નાટ્યકાર… નીલાબહેન પોતે BAમાં અવ્વલ નંબરે આવી  MA, PhD, ભણી 38 વર્ષ ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપિકા રહ્યાં!

બાળપણ અમદાવાદ તળિયાની પોળમાં. તેઓ 11 મહિનાના હતાં, તેમને સરસ તૈયાર કરીને આંગણામાં સુવાડેલા, ઝવેરચંદ મેઘાણી આવ્યા. જોઈને કહે: “આ કોણ ફૂલ સૂતું છે!” તેઓ આઠ ભાઈ-બહેનો, બધાં મિત્રોની જેમ રહે. ઘરમાં ધમધમતું વાતાવરણ. કાકા ક્રાંતિકારી. બાળપણમાં થોડી ગરીબી પણ ખરી. દાદી 28 વર્ષે વિધવા થયાં હતાં.

રોજ સાંજે પિતા યશવંતભાઈ ક્લાસ લેવા જૂના પ્રેમાભાઈ હોલમાં જાય. છ વર્ષની નીલા જોડે થાય. જયશંકર સુંદરીના દિગ્દર્શન હેઠળ થતાં નાટકના રિહર્સલ જુએ. જોતાં-જોતાં કેટલું બધું શીખી ગઈ! બીજા ધોરણમાં હતી અને જીવરામ જોશીના હાથે તેને નાટકમાં ઈનામ મળ્યું! વિદ્યાનગર શાળામાં સુંદર નાટક ભજવ્યું: “માફ કરજો, આ નાટક નહીં ભજવાય!” પછી “મોરપીંછ” નામની નૃત્ય-નાટિકા કરી. “શસ્ત્ર-પરિત્યાગ” નાટક માટે પણ ઈનામો મેળવેલાં.  “કાશીનાથ” “રાયગઢ જયારે જાગે છે” જેવાં ઘણાં એકાંકી અને ત્રિઅંકી (જશવંત ઠાકર સાથે) નાટકોમાં ભાગ લીધો અને ઈનામો મેળવ્યાં. સાહિત્યકારો, નાટ્યકારો ઘરે આવે, એટલે તેનો વારસો તેમને બાળપણથી મળેલો.

એચ. કે. આર્ટસ કોલેજમાં ફિલોસોફી(તત્વજ્ઞાન) અને સંસ્કૃત વિષય લઈને BA કર્યું. ત્યાં તેઓ પોતાના ભાવિ-પતિ જયંતભાઈ જોશીને મળ્યાં. માતાને ચિંતા હતી કે નીલા નવા વાતાવરણમાં કેવી રીતે સેટ થશે? પણ સાસુ-સસરાનું ઘણું પ્રોત્સાહન મળ્યું અને જીવન નીખરતું રહ્યું. આગળ ભણ્યાં. MA તથા “જ્ઞાનદેવ” ઉપર PhD કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

રસોઈનો શોખ ઘણો. એકવાર રા.વિ.પાઠક અને હીરાબેન ઘરે આવેલાં. તેઓ નીલાબહેનને વહાલથી ‘ડેબકી’ કહે! નીલાબહેનનો વાંચનનો શોખ જોઈને હીરાબેન ઘણીવાર કહે: ‘તું રસોડું છોડ!” સવારના કામકાજ અને વાંચન બાદ બપોરે જમીને આરામ કરે. જયંતભાઈને પુસ્તકો વાંચીને સંભળાવે. ‘અભિરુચિ’ અને ‘વિશ્વા’ જેવાં સાહિત્ય ગ્રુપોમાં ભાગ લે. દિવસનો મોટા ભાગનો સમય પુસ્તકો, વાંચન અને સાહિત્યની આસપાસ પસાર થાય!

શોખના વિષયો : 

સ્ટેજ-નાટકો, રેડિયો-નાટકો, વાંચન, લેખન તથા  કાવ્ય-પઠન તેમના શોખ! તેમના દીકરાઓની પ્રોફેશનલ કેરિયરમાં નીલાબહેનના શોખો ઊભરી રહ્યા છે! સ્ત્રી-સહજ રસોઈનો શોખ પણ ખરો.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

બીપીની વધઘટ રહે છે. બ્રેસ્ટ-કેન્સરના તકલીફવાળા તબક્કામાંથી પણ પસાર થયાં. જ્ઞાનદેવે બળ આપ્યું એટલે ઝઝૂમી શક્યાં તેવું તેઓ માને  છે. બંને પગના ઓપરેશન કરાવ્યાં છે. એકંદરે તબિયત સારી છે.

યાદગાર પ્રસંગ: 

નીલાબહેનને વાચવાનું બહુ ગમે. છાપા વાંચે, પુસ્તકો વાંચે. વાંચવા બેસે ત્યારે ઘણાં બધાં પુસ્તકો સાથે લઈને બેસે. એકવાર ઉમાશંકરભાઈ ઓચિંતા ઘરે આવ્યા. સોફા ઉપર ઘણાં પુસ્તકો પડેલાં. નીલાબહેન ઝડપથી પુસ્તકો ભેગાં કરી ગોઠવવા માંડ્યાં. ઉમાશંકરભાઈ તેમને રોકીને કહે: “જેમ છે એમ જ રહેવા દે! હવે આવાં દ્રશ્યો માંડ દેખાય છે!”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી ઓછી વાપરે છે. whatsappનો ઉપયોગ કરી દેશ-પરદેશ રહેતાં બાળકો સાથે વાતચીત અને કોમ્યુનિકેશન કરી લે છે. ટેકનોલોજી માટે ઘણાં પોઝિટિવ છે. આગળ વધવું હોય તો ટેકનોલોજીની સહાય તો લેવી જ રહી તેવું માને છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

માણસો તો બધે સરખા જ હોય! પણ જે બદલાવ આવ્યો છે તેના કરતાં ઘણો મોટો બદલાવ આવવાનો બાકી છે! સમાજના છેલ્લા તબક્કા સુધી શિક્ષણ પહોંચશે  અને  કામવાળા તથા સ્વીપરની છોકરીઓ ભણશે પછી જે જુવાળ સમાજમાં આવશે તે ઘણો મોટો હશે. તેને માટે આપણે તૈયાર રહેવું પડશે! સમાજમાં માનવ-ધર્મ અને સમાનતા પ્રસરે તેવી આશા!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

ઘરનાં અને કુટુંબનાં બાળકો અને યુવાનો સાથે તો સારા સંપર્કમાં છે જ, પણ સાહિત્ય પરિષદમાં અને લાઇબ્રેરીમાં નિયમિત જતાં હોવાથી ત્યાં પણ યુવાનોના ટચમાં છે. પૌત્રી સુંદર કવિતાઓ લખે છે. પૌત્રને ફાઈન-આર્ટસનો શોખ છે.

સંદેશો : 

વડીલોને ખાસ કહેવાનું કે બાળકોને મનગમતું કામ કરવા દો! તેમને જે બનવું છે તે બનવા દો! તમારી અધૂરી ઈચ્છાઓ બાળકો પર લાદશો નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular