Saturday, May 24, 2025
Google search engine
HomeSocietyનોટઆઉટ@80: યશવંત વિંચુરકર

નોટઆઉટ@80: યશવંત વિંચુરકર

શિવાજી અને શાહુના વારસદાર! દૂન સ્કૂલમાં અભ્યાસ! MLA પિતા તે જમાનાના એલ.એલ.બી. ભણેલા! તેમના જીવનનાં શરૂઆતનાં વર્ષો નાસિક-પૂનામાં ગયાં પણ કર્મભૂમિ ગુજરાત બની રહી. એક ભાઈ અને એક બહેન સાથેનું નાનું અને સુખી, સમૃદ્ધ કુટુંબ. ભાઈ વિંગકમાન્ડર છે. શ્રી યશવંત વિંચુરકરના જીવનની રસપ્રદ વાતો સાંભળીએ તેમની જ પાસેથી.

તેમની સાથેની વાતચીતનો એક્સ-રે :

પ્રખ્યાત દૂન સ્કૂલના દિવસો યાદ કરતા ગૌરવથી વાગોળે છે કે વડોદરાના પ્રિન્સ ફતેસિંહરાવ ગાયકવાડ અને કાશ્મીરના પ્રિન્સ કરણસિંહ પણ શાળામાં સાથે ભણતા હતા. આવી મોટી, પ્રખ્યાત સ્કૂલમાં એમને પ્રમાણિકતા અને નમ્રતાના પાઠ બહુ સારી રીતે શીખવા મળ્યા. રાજા-મહારાજાના દીકરા હોય કે મિનિસ્ટરના દીકરા હોય, શાળામાં બધા સરખા. કોઈને કોઈ પણ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી નહીં. બધાને હાથખર્ચીના એક સમાન રૂ.૫ થી રૂ.૯ આપવામાં આવતા!

દૂન સ્કૂલમાંથી પુના પાછા આવ્યા બાદ બી.એ., બી.કોમ અને એલ.એલ.બી. નો અભ્યાસ કર્યો. મુંબઈ, અમદાવાદ અને છેલ્લે વડોદરા- જ્યોતિ લિમિટેડ નામની વિખ્યાત કંપનીમાં 25 વર્ષ સિનિયર લેવલે કામ કર્યું. કંપનીના સ્થાપક શ્રી નાનુભાઈ અમીન માટે તેમને ઘણું માન છે. અને શ્રી નાનુભાઈ અમીનને એમનામાં પૂરેપૂરો વિશ્વાસ હતો. મોટી મોટી જમીનોની લેવડ-દેવડના કામમાં શ્રી નાનુભાઈ તેમની ઉપર જ પૂરો ભરોસો રાખીને કામ કરતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ:

નિવૃત્તિ પછી હું 80 વર્ષનો થયો ત્યાં સુધી નવરચના એજ્યુકેશન સોસાયટીમાં સ્પેશિયલ ઓફિસર/ટ્રસ્ટી તરીકે કામ કરતો. સંસ્થા બહુ જ ચોખ્ખી છે. સમાજ કલ્યાણનું બહુ સારું કામ કરે છે. ફ્રેકચર થયા પછી બહાર જઈ શકાતું નથી. અત્યારે તો ન્યુઝ પેપર વાંચીને અને ટીવી જોઈને કરંટ ઇવેન્ટ સાથે મારી જાતને જોડી રાખું છું.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

કોઈ મોટી બીમારી આવી નથી. દિવસની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. યોગા અને કસરતની મદદથી તંદુરસ્તી સચવાઈ રહી છે. અત્યારે ફ્રેક્ચર થયું છે પણ એ પહેલાં સ્વિમિંગ અને ઘોડેસવારી પણ કરતો હતો. અત્યારે રોજનો કાર્યક્રમ: સવારે ઊઠીને દૂધ-નાસ્તો, થોડી કસરત, પ્રાર્થના, લંચ અને છાપાં!

શોખના વિષયો:

શોખના વિષયોમાં સુથારીકામ અને વાંચવાનું ગમે છે. દિવસના બે છાપાં તો વાંચું જ છું! થોડા સમય પહેલાં સુધી તો સ્વિમિંગ અને ઘોડેસવારી પણ કરતો હતો.

યાદગાર પ્રસંગ:

એક ગુંડાને પોતાની દીકરીનું નવરચના શાળામાં એડમિશન કરાવવું હતું. દીકરીનું પરફોર્મન્સ જોતાં એડમિશન મળે તેમ ન હતું. ગુંડાએ બહુ ધમકીઓ આપી. મારી નાખવાની ધમકી પણ આપી! જોકે અમે અમારા સિદ્ધાંતોને વળગી રહ્યા અને એડમિશન ન આપ્યું. એ જ શાળાના એક ભાઈ ઉપર અમને સૌને બહુ વિશ્વાસ. એમના ઉપર એક વાર corruption નો ચાર્જ આવ્યો. અમે બધાં એમની પડખે ઊભાં રહ્યાં અને તેમને એ ઉપાધિમાંથી ઊગાર્યા. એવો જ બીજો એક પ્રસંગ. કંપનીના હિસાબનીસ પર રૂ.૫૦ હજારની ચોરીનો આરોપ આવ્યો. અમે બધાંએ તેમની સાથે ઊભાં રહી તેમને બચાવ્યા. એ હિસાબનીશ ભાઈ હજુ પણ તે કંપનીમાં કામ કરે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

હા, અત્યારે કુટુંબમાં અમે ૪ પેઢીઓ છીએ. ઘણી વાર ચારેય પેઢીઓ સાથે રહીએ છીએ. પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો સાથે પણ કોમ્યુનિકેશન બહુ સારું છે. લાયન્સ ક્લબમાં અને રોટરી ક્લબમાં અમે ઘણાં એક્ટિવ હતાં એટલે યુવાનો સાથે બહુ સારો સંપર્ક છે.

શું ફેર પડ્યો લાગે છે ત્યારમાં અને અત્યારમાં?

પહેલાના જમાનામાં કુટુંબમાં, મિત્રોમાં જે ક્લોઝ બોન્ડીંગ હતું એ અત્યારે બિલકુલ મિસિંગ છે. અત્યારે બધા જ સંબંધો પૈસાથી મૂલવવામાં આવે છે. ઘરનાં માણસો પણ એકબીજાથી બહુ જ ડીટેચ, વિરક્ત થઈ ગયાં છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેનાં ફાયદા /ગેરફાયદા/ ભયસ્થાનો:  

હું નવી ટેકનોલોજી થોડી ઘણી વાપરું છું. ટેકનોલોજી તો સારી જ છે પણ એને લીધે બધું કામ બહુ મિકેનિકલ થઈ ગયું છે. personal touch બિલકુલ જતો રહ્યો છે. ઘરનાં માણસો સાથે બોલચાલ પણ એકદમ નજીવી થઈ ગઈ છે. કોમ્યુનિકેશન ઘટી ગયું છે. આને લીધે વાસ્તવિકતા સાથે રીલેટ નથી થતું.

સંદેશો:

ઈ-એલિમેન્ટ્સને ઓછાં કરવા જોઈએ અને કુટુંબ સાથે વધારે ને વધારે સમય પસાર કરવો જોઈએ. ભગવાનને કાયમ યાદ કરવા જોઈએ. જમતી વખતે ટેલીફોન તથા મોબાઇલ બિલકુલ ના વાપરવા જોઇએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular