Monday, May 19, 2025
Google search engine
HomeSocietyઆ નવરાત્રીએ સ્વ માટે સભાનતા કેળવીએ...

આ નવરાત્રીએ સ્વ માટે સભાનતા કેળવીએ…

ગરબાના કાણા અને માળાના મણકા એક સરખા કેમ? ક્યારેય વિચાર કર્યો છે? મૂળ માળા ૨૭ મણકાની હતી. જો કે વિશ્વના ઘણાબધા ધર્મોમાં માળા ફેરવવાનું મહત્વ છે. અને દરેકના મણકાની સંખ્યા પણ અલગ અલગ હોય છે. ૨૭ મણકા અને ૨૭ નક્ષત્ર. તો પછી ૧૦૮ મણકાની વાત ક્યાંથી આવી? દરેક નક્ષત્રના ચાર ચરણને જો ગુણવામાં આવે તો સત્યાવીસ ગુણ્યા ચાર એટલે ૧૦૮ થઇ જાય. આમ બ્રહ્માંડની શક્તિઓના આવિર્ભાવની ભાવના સાથે માળાની રચના કરવામાં આવી છે.

એ જ રીતે ગરબાનું દરેક છિદ્ર પણ ગણવામાં આવે છે. ગરબાનો પ્રકાશ અવકાશી શક્તિઓનો આવિર્ભાવ કરે છે એવી ભાવના એમાં છુપાયેલી છે. આપણે કોઈ પણ કાર્ય સભાનતા પૂર્વક કરીએ તો જ એને યથાર્થ કરી શકાય. જ્યાં સુધી આપણી દરેક ધાર્મિક, આધ્યાત્મિક પ્રવૃત્તિ કે તહેવારોની ઉજવણી પાછળનું વિજ્ઞાન નહિ સમજાય ત્યાં સુધી એમાં ફેરફાર કરવાની ઈચ્છાઓ થશે. કોઈ એનું અલગ સ્વરૂપ સમજાવી જશે અને આપણને ધાર્યા પરિણામો નહિ મળે. જેમ ધર્મના નિયમોમાં સભાનતા જરૂરી છે તે જ રીતે જીવનમાં પણ સભાનતા જરૂરી છે. દરેક પરિસ્થિતિ ને પ્રસંગને સમજીને જો નિર્ણય લેવામાં આવે તો એ નિર્ણય યથાયોગ્ય જ હશે.

સભાનતા અલગ અલગ રીતે જરૂરી છે. સર્વ પ્રથમ તો સ્વ માટેની સભાનતા. પોતે કોણ છે? તેની સમજણ અને પોતાની ખાસિયતો પ્રત્યેની સભાનતા. પોતાના અસ્તિત્વની સભાનતા. જયારે વ્યક્તિ સ્વથી વિશેષ લાગણીશીલ બની અન્ય માટે વિચારે છે ત્યારે છેતરાવાનો ભય વધી જાય છે. આપણે ત્યાં કહેલું છે કે સુપાત્રને જ દાન અપાય. જ્યાં પાત્રતા નથી ત્યાં મદદ કરવા જતા સ્વને જ તકલીફ પડશે. તેથી જ કોઈ પણ કાર્ય કરતી વખતે એના પરિણામો પ્રત્યેની સભાનતા ખુબ જ જરૂરી છે. પરિસ્થિતિ પ્રત્યેની સભાનતા. માનવ જીવનમાં દરેક સમયે દરેક પરિસ્થિતિ એક જેવી નથી રહેતી. સમય આધારિત નિર્ણય લેવા ખુબજ જરૂરી હોય છે. રોજ રાત્રે સુવાનો સમય ભલે નિશ્ચિત હોય પણ જો એ દરમિયાનમાં કોઈ હોનારત થાય તો સુઈ ન રહેવાય. એ સમયે જે તે સમયને અનુરૂપ નિર્ણય લેવા જ પડે.

સ્થળ પ્રત્યેની સભાનતા: પોતે કયા પ્રદેશમાં છે અને આસપાસનું વાતાવરણ કેવું છે એના આધારે નિર્ણય લેવા જરુરી હોય છે. એજ રીતે સમયની સભાનતા પણ જરૂરી છે. પોતાનો સમય કેવો ચાલે છે તેના આધારે પણ નિર્ણય લેવા જરુરી બને છે. એનો અર્થ એવો નથી કે ખરાબ સમયમાં નિયમો સાથે બાંધછોડ કરવો જોઈએ. પણ સમયને સમજીને વ્યવહાર ચોક્કસ કરી શકાય.

વાણીની સભાનતા: વ્યક્તિ જયારે ગુસ્સામાં હોય ત્યારે એ શબ્દો માટે સભાન નથી રહેતો. અને એ શબ્દોથી દુશ્મનો જન્મી શકે છે. જોકે ક્યારે કડક વલણ દાખવવું એ પણ સભાનતાનો ભાગ જ છે. નાગ ડંખ ન મારે તો પણ એનો ફૂંફાડો જરુરી છે. માણસની પ્રતિભા અન્ય અન્ક્કી કરી શકે પણ ચારિત્ર વ્યક્તિગત છે.

ચારિત્ર પ્રત્યેની સભાનતા એક સ્વચ્છ સમાજ આપી શકશે. સભાન વ્યક્તિ હમેશા યોગ્ય નિર્ણય સાથે સફળ થતા જોવા મળે છે. આ પાંચમો ઉર્જા સ્ત્રોત સહુને શક્તિ સભર બનાવે તેવી શુભકામના.

(મયંક રાવલ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular