Saturday, May 17, 2025
Google search engine
HomeSocietyસમજથી ક્યાંય ઉપર શ્રદ્ધા રહેલી છે!

સમજથી ક્યાંય ઉપર શ્રદ્ધા રહેલી છે!

ખેડા: રઢુ એ વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે ખેડા જિલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ. છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે. નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદીમાં એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની રવિ શંકર મહારાજની જન્મભૂમિ અને ત્રીજી મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. જે દાદાના હુલામણાં નામે પણ પ્રખ્યાત છે. અદ્ભુત પ્રાચીન ઈતિહાસ છે આ મંદિરનો. જેની સામે બધી જ સમજદારી અને નાસ્તિકતા અવળી પડે છે.કામનાથ દાદાના મંદિરનો ઈતિહાસ 629 વર્ષ જૂનો છે. ગુજરાતમાં આવેલું આ એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે. મંદિરમાં ઘી ભરેલા 1300 ઘડા મુકવા હવે મંદિરમાં જગ્યા ઓછી પડે છે. સાચવણી માટે ચાર ધી ભંડાર બનાવાયા છે.પહેલી નજરે સાભળીને આશ્ચર્ય થશે કે બે ચાર મહિના ગરમીમાં ઘી પડી રહે તો તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામાં સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. અંદાજે ૨૦ હજાર કિલો ઘી હશે જેમાં જરા સરખી ગંધ નથી. જીવાતનો કોઈ ઉપદ્રવ નથી. માન્યતા પ્રમાણે આ ઘીને મંદિરની બહાર લઇ જવાતું નથી કે કોઈજ રીતે બીજા ઉપયોગમાં લેવાતો નથી. આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલાજ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. જેમાં દરરોજ દસ કિલો ઘી વપરાય છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ધી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં મહિના દરમિયાન સાઈઠ સિત્તેર ઘડા ધી વપરાશમાં લેવાય છે. કેટલુંય ધી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી શકતો નથી.આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી પ્રથમ વલોણાનું ઘી મંદિરમાં અપર્ણ કરાય છે. સાથે દરેક પોતાની શ્રધ્ધા મુજબ માન્તાઓ રાખે છે જે પૂરી થતા ધી ચડાવે છે. કિલોથી લઈને ધીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારા લોકો દર્શન કરવા આવે છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષો પુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.

પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર 1445માં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી 629 વર્ષ પહેલાં આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. જેસંગભાઇ અને ગ્રામજનો રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામેથી જ્યોત રૂપે દીવો લઈને આવ્યા. ત્યારથી આ સ્થાનનું મહત્વ જળવાઈ રહ્યું છે.  મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે. આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને મફતમાં જમવાની રહેવાની વ્યવસ્થા પૂરી પડાય છે. આ મહાદેવના મંદિરમાંના ટ્રસ્ટી તરીકે વર્ષો સેવા આપી ચુકેલા સ્વ. ગોવિંદભાઈ મોતીભાઈ મારા સસરા હતા, એ નાતે આ બધા સાથે અંગત પરિચય છે જેના આધારે કહી શકું તેમ છું કે આ કોઈ તર્ક નથી પરંતુ સંપૂર્ણ સત્ય છે. ભક્તોના સહયોગ અને સહકારથી અહીની તમામ પ્રવૃત્તિઓ નિઃશુલ્ક ચાલે છે.ભક્તિમાં શ્રધ્ધાની પોતાની જગ્યા છે. મારી માટે પણ આ મંદિર અને તેની માટેની શ્રધ્ધા અવિચલ છે. જ્યારે પણ ત્યાં જાઉં તો કૈલાસ જેવા પવિત્ર ધામમાં હોવાનો ભાષ થાય છે. આવી માન્યતાઓ અને અચંબિત કરતા દાખલાઓ સંસ્કૃતિનાં ધરોહર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની અંગત માન્યતા છે. પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફર્ક નથી પડ્યો એ હકીકત છે.

(રેખા પટેલ – ડેલાવર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular