Monday, May 19, 2025
Google search engine
HomeReligion & SpiritualityBrahmakumariપવિત્રતા: મનુષ્ય આત્માનો મૂળભૂત સંસ્કાર

પવિત્રતા: મનુષ્ય આત્માનો મૂળભૂત સંસ્કાર

આપણું મન જ પ્રાર્થના, ભજન, ધ્યાન, વાંચન વિગેરે સારી વૃત્તિઓનો પણ આધાર છે. આમ મન અપરાધી નથી હોતું પરંતુ મનની એ ખરાબ વૃત્તિઓ જે કામ, ક્રોધ વિગેરે ઉત્પન્ન કરે છે તે અપરાધી છે. મનુષ્ય સૃષ્ટિમાં પહેલો વિનાશ આ કામ-ક્રોધની વૃત્તિઓ જ કરે છે. ત્યારબાદ તેની સેનામાં અનેક વિકારો રૂપી સિપાઇ જોડાઈ જાય છે. આજે સંસારમાં જ્યાં પણ અમાનવીય ઘટનાઓ બને છે, તેમાં કામ સહિત તેના વંશજ ક્રોધ, લોભ, મોહ, અહંકાર, નફરત વિગેરેનો જ હાથ હોય છે.

એટલા માટે ભગવાન શિવે પણ જાહેરાત કરી છે કે – કામ જીતે જગત જીત. આ કામ છે પ્રથમ આતંકવાદી અને વિશ્વની બાદશાહી છે ઇનામ. વિશ્વની બાદશાહીનું આટલું મોટું ઇનામ આ વિકારની ભયાનકતાનું જીવતું-જાગતું પ્રમાણ છે. આજ સુધીના કલ્પના ઈતિહાસમાં આ પ્રકારના અપરાધીને કાબુ કરવા માટે કોઈપણ જાતનો પ્રયત્ન કરવામાં આવેલ નથી. ભગવાન શિવે જ આટલી મોટી જાહેરાત કરી છે.

વિશ્વ વિજયી બનવાના સપના નેપોલિયન તથા સિકંદરે પણ રાખ્યા હતા પરંતુ તેઓ બની ન શક્યા. કારણ કે સૈન્ય બળથી, ભૌતિક સંપત્તિના બળથી ક્યારેય કોઈ વ્યક્તિ વિશ્વ વિજઈ નથી બની શકતો. માટે જ કહેવાયું છે કે – ફક્ત તપસ્યા દ્વારા જ રાજાઇ પ્રાપ્ત થાય છે. ” કામ જીતે જગત જીત”. કામ પર વિજય મેળવવો તે સૌથી મોટી તપસ્યા છે. આજકાલના સમયમાં થોડા સમયની જીત પણ ઇનામ સાથે જોડાયેલ હોય છે. જેવી રીતે ચૂંટણી જીતવા વાળાને રાજનીતિમાં પદની પ્રાપ્તિ થાય છે. હરીફાઈમાં જીત મેળવવા વાળાને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તે જ રીતે “કામજીત” ને “નિર્વિકારી વિશ્વની બાદશાહી” મળે છે. જેમાં નારી અને નર દિવ્ય તેજ તથા ડબલ તાજ થી સુશોભિત હોય છે. તે દુનિયામાં શરીર કંચન જેવું, વ્યવહાર ચંદન જેવો, ઘર મંદિર જેવું તથા અનાજ ખુટે નહીં તેટલું હોય છે. મૃત્યુનો ત્યાં ડર નથી તે દુનિયામાં અખંડ સૌભાગ્ય તથા તત્વો ઉપર અધિકાર પ્રાપ્ત થાય છે.

દ્વાપર અને કળિયુગ એ બે યુગોમાં મનુષ્ય કામને જીતવાનો પુરુષાર્થ કરે છે, પરંતુ તેમાં અસફળ રહે છે. માટે જ તે ભગવાનને પ્રાર્થના કરે છે કે “વિષય વિકાર મિટાવો”, “મનને શુદ્ધ કરો” વિગેરે વિગેરે. પરમ કલ્યાણકારી ભગવાન શિવ મનુષ્ય માત્રની પ્રાર્થના સાંભળી 1936 ના વર્ષમાં આ ધરતી પર અવતરીત થયા છે. તેઓ પ્રજાપિતા બ્રહ્માના મુખ દ્વારા સર્વ પ્રથમ વરદાન “પવિત્ર ભવ” નું જ આપે છે. ભગવાન કહે છે પવિત્રતા તમારો મૂળભૂત સંસ્કાર છે. જેને પ્રાપ્ત કરવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી. સંપૂર્ણ પવિત્રતાનો અર્થ છે મન-વચન-કર્મ તથા સપનામાં પણ સંપૂર્ણ પવિત્રતા. પવિત્રતાની અગ્નિથી વિશ્વનો કિચડ એક સેકન્ડમાં ભસ્મ થઈ શકે છે. પવિત્રતાની દુઆમાં ઘણી શક્તિ છે, જે માયાના વિઘ્નો થી બચાવે છે. માટે જ પવિત્રતાની મહિમાને સમજી અત્યારથી જ પૂજ્ય દેવાત્મા બનો.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular