Thursday, May 22, 2025
Google search engine
HomeReligion & SpiritualityBAPSભગવાન જોવા છે?

ભગવાન જોવા છે?

આજે મારે તમને થોડી અલગ વાત કરવી છે. મારે તમને ભગવાનનાં દર્શન કરાવવા છે. સદીઓથી બુદ્ધિશાળીઓમાં, શ્રદ્ધાળુઓ વચ્ચે ભગવાનના હોવા, ન હોવા વિશે વાદવિવાદ, વિતંડાવાદ ચાલ્યા કરે છે.

ઈંગ્લૅન્ડના ઍસ્ટ્રોનોમર ફ્રેડ હોયેલે કહેલું કે, પ્રોફેશનલી ભગવાનમાં માનવાના ગેરફાયદા કરતાં ફાયદા ઘણા છે. યાદ રહે, ફ્રેડ કહે છે, પ્રોફેશનલી. સારું, ખરાબ, મોક્ષ કે શ્રીમદ્ ભાગવતમાં લખી એ નવધા ભક્તિ, વગેરેની આપણે વાત જ કરતા નથી. પ્રોફેશનલી. તમે વેપારી હોવ કે નોકરિયાત, તો પણ લાભ છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોવી, મેડિટેશન નામસ્મરણ, મંદિરે જવું, હાથ જોડવા, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા, વગેરેના ફિઝિકલ મેન્ટલ ઈમોશનલ ફાયદા પુરવાર થયેલા છે, આની સાબિતી રૂપે ટનબંધ કાગળ ભરીને લખાયું છે. જેમ કે યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાનો એક અભ્યાસ કહે છે કે ભારતીય પદ્ધતિ મુજબ જે લોકો દરરોજ ભગવાનની સામે દસ-બાર સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે એમને ઓસ્ટિયોપોરોસીસની સમસ્યા સતાવશે નહીં…

એ પછી આ જ યુનિવર્સિટીમાં નામસ્મરણ વિશેનો અભ્યાસ થયો. આ માટે વિવિધ વયજૂથનાં ગ્રુપ પાડી સતત વીસ વીકનો સ્ટડી કરવામાં આવ્યો. દરરોજ અમુક સમય માટે જેમને જેમાં શ્રદ્ધા હોય એનું નામસ્મરણ કરવાનું. વીસ વીક પછી બધાના એમઆરઆઈ કઢાવવામાં આવ્યા તો ખબર પડી કે જે કિશોર-કિશોરી હતાં એમની યાદશક્તિમાં, આત્મવિશ્વાસમાં ખાસ્સો વધારો થયો, મધ્યવયસ્ક હતાં એમનો કૉન્ફિડન્સ વધી ગયો, જ્યારે વૃદ્ધોને ઈમોશનલ સપોર્ટ મળતો હતો.

એટલે હંમેશાં તમારો અટિટ્યૂડ આસ્તિક ભાવનો રાખવોઃ ભગવાન છે, એ જ કર્તાહર્તા છે એ મારા માટે જે કરશે એ સારું જ કરશે આટલો પોઝિટિવ અટિટ્યૂડ ભગવાન વિશે રાખશો તો ક્યારેય પાછા નહીં પડો. અંદર બધું સ્થિર રહેશે, શાંત રહેશે.

-અને હવે ભગવાનનાં દર્શન કરાવવાની વાત. થોડા સમય પહેલાં મુંબઈમાં લગભગ 400 જેટલા વિજ્ઞાનીઓને મેં લૉજિક વર્સેસ ફેઈધ (તર્ક વિરુદ્ધ શ્રદ્ધા) એ વિશે પ્રવચન આપ્યું. પ્રવચન બાદ પ્રશ્નોત્તરીમાં એક વિજ્ઞાનીએ પ્રશ્ન કર્યોઃ

“સ્વામી, તમે ભગવાનની વાતો કરો છો, પણ શું તમે ભગાવન જોયા છે?”

મેં કહ્યું “હા, જોયા છે. તમારે જોવા છે?”

જવાબ ‘હા’માં આવતાં મેં એમને પ્રથિ પ્રશ્ન કર્યોઃ “ભગવાન કેવા હોવા જોઈએ એની તમારા મગજમાં કલ્પના છે? એમનાં લક્ષણ કેવાં હશે?”

જવાબ આવ્યોઃ “આપણા જેવા લાગવા જોઈએ, શાંત હોવા જોઈએ, દયાળુ, પાવરફુલ…”

ફાઈન. હવે, આ સૃષ્ટિ પર જે સૌથી પાવરફુલ છે એની વાત કરીએ. એ છે સૂર્ય. સૂર્ય દેવતા છે એવું શાસ્ત્રમાં પણ કહ્યું છે, પરંતુ આપણે શાસ્ત્રને બાજુ પર મૂકીએ. ધારો કે કોઈ કારણસર એકાદ-બે દિવસ સૂરજ ઊગ્યો જ નહીં, તો, મેં પેલા 400 વિજ્ઞાનીઓને પૂછ્યું કે, તમે અથવા નાસા કે ઈસરોના વિજ્ઞાનીઓ એને બહાર લાવી શકશો? ચાલો, એવું તમે નહીં કરી શકો તો, શું સૂર્યનો કોઈ વિકલ્પ છે તમારી પાસે? તમારી પાસે જે જે ચીજવસ્તુ છે પેટ્રોલ, કાગળ, તેલ, વગેરે બધું સળગાવો તો પણ એનાથી સરસમજાની સવાર પડી શકશે? અરે, સવાર તો 13 કરોડ માઈલ દૂર રહેલા સૂરજનાં કિરણ પૃથ્વી પર પથરાય ત્યારે પડે. આને કહેવાય પાવર. બીજું લક્ષણ તમે કહ્યું દયાળુ. તો, જો સૂરજ દયા દાખવીને ગરમી નહીં વરસાવે તો આપણે થીજી જઈએ, આપણું લોહી થીજી જશે.

બસ તો. હવે તમે જે રૂમમાં બેઠા છો એનું બારણું કે બારી ખોલી નાખો, તમને ભગવાન દેખાશે, સૂર્યદેવતા દેખાશે, જે શક્તિશાળી છે, દયાળુ છે, જેના હૃદયમાં અનુકંપા છે. અને સૌથી મહત્વની વાત એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular