Sunday, May 18, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingસેવા એટલે શું એ તમે જાણો છો?

સેવા એટલે શું એ તમે જાણો છો?

મોટે ભાગે જે લોકો જવાબદારી લેતા હોય છે તેઓ પ્રાર્થના કરતા નથી અને જે લોકો પ્રાર્થના કરે છે તેઓ જવાબદારી લેતા નથી. આધ્યાત્મિકતા એકી સમયે એ બન્નેને સાથે લાવે છે. પ્રાર્થના અને જવાબદારીના સંયોજને દુનિયાભરમાં લાખો લોકોને વૈશ્વિક સ્તરે બીજાઓની પરવા કરવા, પોતાનું વહેંચવાની ભાવના રાખવા અને સેવા કરવા માટે પ્રેરિત કર્યા છે.
સેવા અને આધ્યાત્મિક પ્રક્રિયાઓ સંકળાયેલા છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલી અન્યો સાથે વહેંચવાની ભાવના વધે છે. જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારો ઘણો વિકાસ થાય છે. જ્યારે તમે બીજાઓ માટે કંઈક કરો છો ત્યારે તમને તમારે માટે ફાયદા મળે છે.

ખુબ બુધ્ધિશાળી વેપારીઓ સેવા કરે છે કારણ કે તેનાથી તેમને પુષ્કળ લાભ મળે છે. જો કોઈ વ્યક્તિ ખુશ છે તો સમજી લો કે તેમણે ભૂતકાળમાં ક્યારેક સેવા કરી છે. એનાથી વિરુદ્ધ,જો તમે અત્યારે ખુશ નથી તો સેવા કરો અને તેના ફાયદા મેળવો.એ ‘બેંક બેલેન્સ’ વધારવા સમાન છે. તમે જેટલું વધારે આપશો તેટલી તમને વધારે તાકાત મળશે. આપણે પોતાની જાતને જેટલી વધારે ખોલીશું તેટલો આપણી પાસે વધારે અવકાશ હશે, જેને ઈશ્વર ભરી દે છે.

આપણી પ્રથમ અને અગ્રીમ પ્રતિબધ્ધતા દુનિયામાં સેવા કરવી તે છે. જો તમે સેવાને જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવો છો તો તે તમારા ડરને નાબૂદ કરે છે,તમારા મનમાં એકાગ્રતા લાવે છે, કાર્યમાં યોગ્ય ઉદ્દેશ આવે છે અને દીર્ઘકાલીન ખુશી મળે છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તે સમાજમાં સહજતા અને માનવીય મુલ્યોને પુનઃસ્થાપિત કરે છે,તથા તે ભય અનેે હતાશાથી મુક્ત સમાજની રચના કરવામાં સહાય કરે છે.

જો તમારામાં બીજાઓની સેવા અને સહાય કરવાની ઝંખના છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી;તમારું જીવન એ ઈશ્વર માટે કોઈ મોટી જવાબદારી નથી.તે તમારી બહુ સારી રીતે સંભાળ લઈ શકે છે.પૈસા માટે બહુ પરવા અને ચિંતા ના કરો. પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપૂર રહો, પ્રેમમાં રહીને તમારામાંના ડરને નાબૂદ કરો.

સેવા હંમેશાં મોટા લાભ આપે છે. હતાશા સામે તે સૌથી અસરકારક હથિયાર છે. જે દિવસે તમને નિરાશ,હતાશ કે બદતર લાગે ત્યારે બહાર નીકળી અને લોકોને પૂછો કે ,”હું તમારે માટે શું કરી શકું છું?”જે સેવા તમે કરી છે તે તમારી અંદર એક ક્રાંતિ લાવશે. તે તમારી આખી ‘ગ્રામોફોન રેકોર્ડ’ બદલી નાંખશે. સેવા દુખને ચોક્કસ ઓછું કરી દેશે. જ્યારે તમે એવા પ્રશ્ન પૂછો છો કે શા માટે મારી સાથે જ આવું અથવા મારું શું થશે ત્યારે તમે હતાશ થાવ છો.  આધ્યાત્મિકતાનો અભાવ માણસોને હતાશામાં ધકેલે છે.

સેવા એટલે શું એ તમે જાણો છો?

સેવા એટલે ઈશ્વરની જેમ કરવું. ઈશ્વર કશી અપેક્ષા રાખતા નથી. જ્યારે તમે માત્ર કરવાનો આનંદ આવે છે એ માટે અને નહીં કે તેમાંથી કંઈક મેળવવાની આશા રાખીને, કંઈ કરો છો તો તેને સેવા કહેવાય.ઈશ્વર તો કશામાંથી આનંદ મેળવવાની પણ અપેક્ષા નથી રાખતા.કારણ કે તે પોતે જ આનંદરુપ છે.


આનંદ એ ચેતનાનો સ્વભાવ છે. માટે,જ્યારે તમે જે કંઈ કરો છો તેમાંથી તમને આનંદ મળે છે ત્યારે તે કાર્ય આનંદની અભિવ્યક્તિ બને છે.સેવા એ સામે કશું મળવાની અપેક્ષા રાખ્યા વગર કંઈક કરવું એ છે.આથી, તમે જેટલું વધારે કરશો તેટલો વધારે આનંદ મળશે.તમારી અંદર પ્રેમ જોવો એ ધ્યાન છે અને આજુબાજુના માણસમાં ઈશ્વર જોવા એ સેવા છે.લોકો ઘણીવાર ડરતા હોય છે કે જો તેઓ સેવા કરશે તો બીજા તેમનું શોષણ કરશે. માટે,ભાવનાશૂન્ય બન્યા વગર જાગૃત અને બુધ્ધિશાળી બનો. સેવાથી ઉત્કૃષ્ઠતા આવે છે;અને તેને લીધે તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો છો અને ધ્યાન તમારું સ્મિત પાછું લાવે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular