Sunday, May 18, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingગુરુને સમર્પિત થવું એટલે મુક્ત થવું

ગુરુને સમર્પિત થવું એટલે મુક્ત થવું

તમે રસ્તો ભૂલી ગયા છો. ખૂબ વરસાદ પડે છે, પવન ફૂંકાય છે, વીજળી ચમકે છે. ખૂબ ઠંડી છે, અને તમે રસ્તા પર  ખોવાઈ ગયા છો. તમે આસપાસ નજર ફેરવો અને તમે અચાનક તમારું ઘર જુઓ છો. ઘરનાં બારણાં પાસે તમે ઝડપથી પહોંચો છો. કારણ આ પરિસ્થિતિમાં બારણું તમને સૌથી વધુ સુંદર, રાહત આપનારું અને આકર્ષક લાગે છે. આ પ્રવેશદ્વારમાંથી તમે ઘરમાં અંદર પ્રવેશો છો. ઘરની અંદર તમને હજુ ગાજવીજ સંભળાય છે, વરસાદ ને તમે જુઓ છો, પરંતુ હવે આ તોફાનથી તમે ભયભીત કે વિચલિત થતાં નથી. ઘરની અંદર ઉષ્મા છે, સુરક્ષિતતા છે. બહારનું જગત ઘરમાંથી જોતાં સુંદર જણાય છે.

તો ગુરુ એ પ્રવેશ દ્વાર છે. અહીં તમે પહોંચો છો અર્થાત તમે તમારાં પોતાનાં ઘરમાં છો. હવે તમે વિશ્વને નવા દ્રષ્ટિકોણ થી જોઈ શકો છો. જ્યારે તમે સમસ્ત જગતને ગુરુની દ્રષ્ટિથી જુઓ છો, ત્યારે તમે સાચા અર્થમાં ગુરુની સમીપ આવ્યા છો. જીવનમાં ગુરુ હોવાનો આ હેતુ છે. જો તમારા જીવનમાં ગુરુ છે અને તેમ છતાં તમે તમારી દ્રષ્ટિએ જ વિશ્વને જુઓ છો, તેનું મૂલ્યાંકન કરો છો તો હજુ તમે ગુરુની સમીપ આવ્યા નથી. હજી તમે રસ્તા ઉપર જ છો, ઘરમાં પ્રવેશ્યા નથી. ગુરુની દ્રષ્ટિથી જગતને જોવું તેનો શો અર્થ થાય? તેનો અર્થ એટલો જ કે કોઈ પણ પરિસ્થિતિ માંથી તમે પસાર થઈ રહ્યા છો, તમે વિચારો છો કે ગુરુ જો મારી જગ્યાએ હોય તો આ પરિસ્થિતિમાં શું કરે? આવી સમસ્યા જો ગુરુની સમક્ષ આવે તો તેઓ શું કરશે? જો કોઈ ગુરુ ઉપર દોષારોપણ કરે છે તો તે સ્થિતિમાં તેમનો વ્યવહાર કેવો હશે?

આ સમજવા માટેની માસ્ટર કી છે: ગુરુની ઉપસ્થિતિનો નિરંતર અનુભવ કરવો. વાસ્તવમાં ગુરુ એ કોઈ સંબંધનું નામ નથી. સંબંધ તો તૂટી પણ શકે અને પાછો જોડાઈ જાય, ફરી પાછો તૂટી જાય! સંબંધમાં રાગ-દ્વેષ હોય, સંસાર-ચક્રમાં બધા જ સંબંધોમાં ભરતી-ઓટ આવ્યા કરે. પણ ગુરુ જીવનમાં સતત ઉપસ્થિત હોય છે. સંબંધ અસ્થિર હોય પણ ઉપસ્થિતિ હમેશા અનંત, સ્થિર અને અટલ હોય છે. ગુરુને સાધારણ સંબંધની દ્રષ્ટિએ ન જુઓ. “અરે, તેમણે મારી સામે જોયું, મારી સામે ન જોયું, તેમણે આ કહ્યું ને આ ન કહ્યું, અન્ય વ્યક્તિ તેમનાથી બહુ નિકટ છે, હું નથી!” આ બધું જ નિરર્થક છે.

ગુરુ રૂપી પ્રવેશદ્વારથી તમારાં પોતાનાં ઘરમાં પ્રવેશ કરો. તમારાં આત્મતત્વમાં કેન્દ્રિત થાઓ. જીવનમાં ગુરુની ઉપસ્થિતિથી જ પૂર્ણતાનો અનુભવ થશે. ગુરુ તત્વ છે, સંબંધ નથી.

પ્રાચીન સમયમાં ગુરુ તત્ત્વનાં સ્વરૂપને દક્ષિણામૂર્તિ નામ આપવામાં આવ્યું હતું. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ એક ઉર્જા છે. એક એવી ઉર્જા જે સદેહે ગુરુ સ્વરૂપે ઉપસ્થિત છે, અને આ જ ઉર્જાને દક્ષિણામૂર્તિ કહેવાય છે. જે દિવ્ય, સર્વવ્યાપી, અનંત, માર્ગદર્શક છે, જેનું પ્રકટીકરણ શક્ય નથી છતાં તે નિરંતર ઝળક્યા કરે છે. શિવને દક્ષિણામૂર્તિ કહે છે. શિવ એ આદિ ગુરુ છે. શિવ એક કિશોરનાં સ્વરૂપમાં વિરાજમાન છે. અને શિષ્યો તેમનાથી ઘણી વધુ વય ધરાવે છે. આ શિષ્યો જેવા શિવની સન્મુખ થાય છે, તેમની સામે આસન ગ્રહણ કરે છે કે તરત જ પ્રગાઢ મૌનની અવસ્થામાં જ, એક પણ શબ્દનાં ઉચ્ચારણ વગર તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થાય છે. આ સમગ્ર સંવાદ મૌનમાં ઘટિત થાય છે. આનો અર્થ એ કે ગુરુની ઉપસ્થિતિ માત્રથી શિષ્યમાં પ્રાણ ઉર્જાનો વિસ્ફોટ થાય છે. આ જ ગુરુ તત્ત્વ છે.

ગુરુની ઉપસ્થિતિ પર્યાપ્ત છે, તો ધ્યાન વગેરે સાધનાનું શું મહત્વ છે? તો અહી ચાર અવસ્થામાંથી શિષ્ય પસાર થાય છે: સાંનિધ્ય – ગુરુની ઉપસ્થિતિમાં રહેવું, સામીપ્ય- ગુરુની નિકટ જવું, સારૂપ્ય- ગુરુ નાં સ્વરૂપ જેવુ સ્વરૂપ ધારણ કરવું, ગુરુ સમાન જ બની જવું અને અંતે સાયુજ્ય – ગુરુની અંદર ઓગળી જવું:એકાકાર થઈ જવું! ધ્યાન દ્વારા શિષ્ય આ અંતિમ ચરણ સુધી પહોંચે છે. અહી તેનામાં અને ગુરુમાં કોઈ ભિન્નતા નથી.

૫૦૦૦ વર્ષ પહેલાની એક કથા છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પરમ સખા અને વિદ્વાન એવા ઉદ્ધવજીને ગોપ-ગોપીઓ પાસે મોકલ્યા. ઉદ્ધવજીએ તેમની સાથે  જ્ઞાન અને મુક્તિ નો સંવાદ કરવાની શરૂઆત કરી. પરંતુ તેમનામાંથી કોઈએ આ વાતો સાંભળવામાં રુચિ ન દર્શાવી. તેમણે કહ્યું: “ના, જ્ઞાનની વાતો અમારે સાંભળવી નથી. જ્ઞાન તો આપ આપની પાસે જ રાખો, અમને એ કહો કે કૃષ્ણ કેમ છે? અમારા કૃષ્ણના સમાચાર આપ અમને કહો. અમે તો તેમના માટેનો અમારો પ્રેમ અને તેમની ઝંખનામાં બહુ ખુશ છીએ. ચાલોને, આપણે ગીતો ગાઈએ અને નૃત્ય કરીએ!” – તો તેઓને તો માત્ર આ જ જોઈતુ હતું. પ્રેમ આપને પાગલ બનાવે છે, બધી સીમાઓનો પ્રેમમાં અંત આવે છે, આપ સર્વ સાથે ઐક્ય અનુભવો છો, સમગ્ર સૃષ્ટિ સાથે ઐક્ય અનુભવો છો, અને આ જ ગુરુ તત્વ છે.

ભક્તિ આપનો સ્વભાવ છે. જયારે આપ આપના સ્વભાવમાં વિશ્રામ કરો છો ત્યારે ત્યાં કોઈ જ ઘર્ષણ નથી. પોતાના કોઈ દુર્ગુણ અથવા કૃત્ય માટે આપણે શરમ અનુભવતાં હોઈએ છીએ. જેને આપ સ્વયં દૂર કરી શકતાં નથી એવો આ બોજ ગુરુ હળવો કરે છે અને આપનામાં ભક્તિપૂર્ણ પ્રેમ પ્રેરિત કરે છે. તો ગુસ્સો, હીનતા જેવી આપની સર્વ ભાવનાઓ ગુરુને અર્પણ કરી દો. સારી અને ખરાબ સર્વે ભાવનાઓ ગુરુને સમર્પિત કરી દો. આપની કુશળતા અને આવડત આપનામાં અહંકાર અને તોછડાઈ પ્રેરે છે. આપનું જીવન અતિશય ભારે અને બોજ્પૂર્ણ બની જાય છે. પરંતુ જયારે આપ આ સઘળું ગુરુને અર્પણ કરો છો ત્યારે આપ મુક્ત બની જાઓ છો. આપ એક પુષ્પની જેમ હળવા બની જાઓ છો. હાસ્ય ફરીથી ખીલી ઉઠે છે. આપ પ્રત્યેક ક્ષણની સુંદરતાને માણો છો. ત્યાર પછી જે શેષ રહે છે આપનામાં એ શુદ્ધ પ્રેમ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular