Tuesday, July 1, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingપતંજલિ યોગસૂત્ર: ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિરોધ, એ યોગ

પતંજલિ યોગસૂત્ર: ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિરોધ, એ યોગ

યોગ શું છે? અહીં મહર્ષિ એ યોગની વ્યાખ્યા કરી છે.

योगश्चित्तवृत्तिनिरोध:॥१.२॥
ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિરોધ, એ યોગ છે.
ચિત્તની વૃત્તિઓ કઈ કઈ છે? તેનું વર્ણન મહર્ષિ પતંજલિ એ આગળનાં સૂત્રોમાં કર્યું છે. આ વૃત્તિઓ ઉપર નિયંત્રણ આવે ત્યારે યોગ ઘટિત થાય છે. એ જ રીતે મનના જુદા જુદા આવેગો ઉપરનું નિયંત્રણ – એ યોગ છે. 
યોગસૂત્ર -3 
तदा द्रष्टु: स्वरुपेSवस्थानम् ॥१.३॥
આ સમયે (જયારે યોગ ઘટિત થાય છે ત્યારે) દ્રષ્ટા પોતાનાં મૂળ સ્વરૂપમાં સ્થિર થાય છે.
જયારે આપ ચિત્તની વૃત્તિઓ ઉપર નિયંત્રણ મેળવો છો, ત્યારે આપ દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિર થાઓ છો. દ્રષ્ટાનો સ્વભાવ દ્રશ્ય કરતાં ભિન્ન છે. જયારે મન વિચલિત હોય છે ત્યારે આપણે દ્રશ્ય (ઘટનાઓ, પરિસ્થિતિઓ, વ્યક્તિ-વસ્તુ: બાહ્ય જગત) સાથે એકરૂપ થઇ જઈએ છીએ. પરંતુ યોગમાં આપ શું કરો છો? આપ આપનું ધ્યાન પોતા પ્રત્યે લઇ જાઓ છો. જયારે આપનું મન વિચલિત નથી અને આપ દ્રશ્ય તરફથી દ્રષ્ટા (સ્વયં) તરફ પાછા ફરો છો ત્યારે શું થાય છે?
આપ આપના મૂળ સ્વભાવમાં વિશ્રામ કરો છો. અનુશાસન થી શું થાય છે? અનુશાસનથી આપના અસ્તિત્વ લયબધ્ધતા આવે છે. અનુશાસન ન હોય તો શું થાય?
યોગસૂત્ર -4

वृत्तिसारूप्यम् इतरत्र ॥ १.४ ॥

અન્યથા – યોગ ન ઘટિત થવાની સ્થિતિમાં, દ્રષ્ટા, ચિત્તની વૃત્તિઓ સાથે એકરૂપ થાય છે.

જયારે આપ દ્રષ્ટાભાવમાં સ્થિર નથી, ત્યારે આપનું મન તેના વિકારો સાથે એકરૂપ થાય છે. આપનું મન બહારનાં જગત સાથે એકાકાર થાય છે. આપની આંખો ખુલ્લી છે અને આપ બહારનું જગત જોઈ રહ્યા છો એમાં સતત ખોવાયેલા રહો છો. એ જ રીતે આપ જે સાંભળો છો, સ્વાદનો અનુભવ કરો છો, ગંધનો અનુભવ કરો છો, સ્પર્શનો અનુભવ કરો છો, આ બધામાં આપ ગૂંથાયેલા રહો છો. જયારે આપ જાગૃત અવસ્થામાં છો, દ્રશ્ય, શ્રવણ, સ્પર્શ, સ્વાદ, ગંધ- એમ પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા, નિરંતર પ્રવૃત્ત છો. અથવા આપ નિંદ્રા અને સ્વપ્નની અવસ્થામાં છો. ત્યારે પણ આપ ખોવાયેલા છો. સ્વપ્ન અને નિદ્રાવસ્થા દરમ્યાન પણ કેટલીક સ્મૃતિઓ જીવંત હોય છે પરંતુ આપ શાંત નથી હોતા. પરંતુ જેવા આપ અનુશાસન દ્વારા આપના અસ્તિત્વમાં દૃઢ થાઓ છો ત્યારે આપ બહારનાં જગતને બદલે ભીતર જવાનું શરુ કરો છો. જયારે બાળકો કે સામાન્ય જન મુવી જુએ છે ત્યારે તે પ્રક્રિયામાં કેટલાં તન્મય થઇ જાય છે! મુવી સિવાય તેઓ બીજું કઈં જ જોઈ શકતાં નથી. જયારે આપના શરીરમાં ક્યાંક દુઃખાવો છે તો જયારે આપ કઈં નથી કરતાં ત્યારે વધુ તીવ્ર બને છે. પરંતુ આપ કોઈ પ્રવૃતિમાં લાગી જાઓ છો તો શરીરના દુઃખાવા પ્રત્યે આપનું ધ્યાન જતું નથી. ટીવી જુઓ છો ત્યારે આપ આપના શરીરનો અનુભવ જ કરી નથી રહ્યા. આપની ચેતના મુવી સાથે એકાકાર થઇ ગઈ છે, એ વૃત્તિ સાથે એકાકાર થઇ ગઈ છે.

એક નાનાં ગામમાં લોકો જયારે મુવી જોઈ રહયાં હતાં, ત્યારે વિલન ઉપર ગુસ્સે થઈને તેઓ લાકડીઓ અને પથ્થર લઈને સ્ક્રીન સામે ધસી ગયાં હતાં. ભારતના એક જાણીતા સમાજ સુધારક એક નાટક જોઈ રહ્યા હતા, ત્યારે નાટકમાં ખલનાયક જે રીતે અભિનય કરી રહ્યો હતો, તેને સાચો માનીને તેમણે પોતાનું ચપ્પલ તેના ઉપર ફેંક્યું હતું. અભિનેતાએ  આ ઘટનાને પોતાના માટે એક પુરસ્કાર ગણાવી હતી.

તો આપણી ચેતના બહારનાં જગત સાથે એકાકાર બની જાય છે. યોગનો હેતુ છે, આપની અંદર અખંડતા પ્રેરવાનો છે. આપ કોઈ પણ ઇન્દ્રિય સાથે એકાકાર થવાને બદલે પોતાનાં સ્વરૂપમાં સ્થિર થાઓ છો. અંતર્જગતમાં, પોતાનાં કેન્દ્રમાં સ્થિર થાઓ છો. દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિર થવું એ યોગ છે. જાણ્યે-અજાણ્યે જયારે પણ આપ આનંદમય બનો છો ત્યારે આપ દ્રષ્ટા સ્વરૂપમાં સ્થિર છો. અન્યથા મનના વિકારો સાથે તમે સંલગ્ન છો, અને તે સઘળી નકારાત્મકતાનું કારણ છે.

મનના વિકારો કયા કયા છે? આવતા સપ્તાહે જોઈશું.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular