Thursday, May 15, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingમન અને અસ્વસ્થતા

મન અને અસ્વસ્થતા

મનની ઉપર જે પાંચ પરિબળોનો પ્રભાવ પડે છે તેમના વિશે જોઈએ: સ્થળ, સમય, આહાર, ભૂતકાળની મન પર પડેલી છાપો, સંગતિ તથા કર્મો.

સ્થળ: તમે જ્યાં છો તે જગ્યા. તમે જ્યાં હોવ તે દરેક સ્થળની મન ઉપર અલગ અલગ અસર પડે છે. તમારા ઘરમાં પણ તમે જોશો તો અલગ અલગ ઓરડાઓમાં તમને અલગ અલગ ભાવ ઉપજે છે. જે સ્થળે ગાયન, મંત્રજાપ અને ધ્યાન થતા હોય છે તેની મન પર એક અલગ જ અસર પડે છે.

સમય: સમય પણ એક પરિબળ છે. દિવસ અને વર્ષ દરમિયાન અલગ અલગ સમયનો મન પર અલગ અલગ પ્રભાવ પડે છે.

આહાર: તમે જે વિવિધ આહાર લો છો તેની તમારા પર થોડા દિવસો સુધી અસર રહે છે.

ભૂતકાળની મન પર પડેલી છાપો: કર્મોનો મન પર અલગ અલગ પ્રભાવ હોય છે. સજગતા, સાવધાની, જ્ઞાન અને ધ્યાન આ બધા ભૂતકાળની અસરોને નષ્ટ કરવામાં સહાય કરે છે.

સંગતિ અને કર્મો: તમે જે લોકો અને ઘટનાઓ સાથે સંકળાયેલા હોવ છો તેનો તમારા મન પર પ્રભાવ પડે છે. કેટલાક લોકોની સંગતિમાં તમારું મન અમુક પ્રકારે વર્તે છે જ્યારે બીજાઓ સાથે અલગ રીતે.

આ પાંચ પરિબળોનો જીવન તથા મન પર પ્રભાવ હોવા છતાં એ સમજી લો કે તમારી ચેતના ઘણી વધારે પ્રબળ છે. તમે જ્ઞાનના માર્ગે વિકાસ કરો છો તેમ તેમ તમે તે બધા પર પ્રભાવ પાડતા થશો.

અસ્વસ્થતા: હવે આપણે અસ્વસ્થતાના પ્રકારો અને તેના ઉપાયો વિશે જોઈએ.અસ્વસ્થતા પાંચ પ્રકારની હોય છે.

પહેલી છે તમે જે સ્થળ પર છો તેના લીધે. તમે જ્યારે તે સ્થળ, ગલી કે ઘરથી દૂર જતા રહો છો તો તમને તરત સારું લાગવા માંડે છે. મંત્રજાપ, ગાયન, બાળકોનું રમવું અને હસવું આ વાતાવરણીય અસ્વસ્થતાને બદલી શકે છે. જો તમે તે સ્થળે મંત્રજાપ કરો છો અને ગાવ છો તો તે સ્થળના સ્પંદનોમાં પરિવર્તન આવે છે.

બીજા પ્રકારની અસ્વસ્થતા શરીરમાં હોય છે. અયોગ્ય પ્રકારનું ભોજન અથવા અયોગ્ય સમયે કરવામાં આવેલું ભોજન, વ્યાયામનો અભાવ અને અતિશય કામ- આ તમામ શારીરિક અસ્વસ્થતા કરી શકે છે. આનો ઉપાય છે વ્યાયામ કરવો, કામ કરવામાં મધ્યમ માર્ગ અપનાવવો. એક કે બે દિવસ માટે ફળ-શાકભાજી અથવા તેમના રસનું ભોજન કરવું.

ત્રીજા પ્રકારની અસ્વસ્થતા એ માનસિક અસ્વસ્થતા છે. તે મહત્વકાંક્ષા, પ્રબળ વિચારો તથા ગમા-અણગમાને લીધે થાય છે. આ પ્રકારની અસ્વસ્થતાનો એક માત્ર ઉપાય છે જ્ઞાન: જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણથી જોવું. આત્મા વિશે સમજણ અને બધું અનિત્ય છે તે સભાનતા. તમારા મૃત્યુ કે જીવન વિશેનું જ્ઞાન. આત્મવિશ્વાસ તથા ઈશ્વરમાં શ્રદ્ધા માનસિક અસ્વસ્થતાને શાંત પાડી શકે છે.

ચોથા પ્રકારની અસ્વસ્થતા ભાવનાત્મક હોય છે. આ પ્રકારમાં કોઈ પણ જ્ઞાન સહાયરૂપ નીવડતું નથી. સુદર્શન ક્રિયા મદદ કરે છે! તમામ ભાવનાત્મક અસ્વસ્થતા અદ્રશ્ય થઈ જાય છે. ઉપરાંત, ગુરુ, જ્ઞાની અથવા સંતની ઉપસ્થિતિ તમારી ભાવનાત્મક અસ્વસ્થતાને શાંત પાડવામાં મદદ કરે છે.

પાંચમા પ્રકારની અસ્વસ્થતા જવલ્લે જોવા મળે છે. તે છે ચેતનાની અસ્વસ્થતા. જ્યારે બધું પોકળ અને અર્થહીન જણાય છે ત્યારે જાણો કે તમે બહુ સદ્ભાગી છો. તેમાંથી બહાર આવવા પ્રયત્ન ના કરો. તેને વળગીને રહો! માત્ર ચેતનાની આ અસ્વસ્થતા જ તમારામાં યથાર્થ પ્રાર્થના જન્માવી શકે છે. તે જીવનમાં સંપૂર્ણતા અને ચમત્કાર લાવે છે. ઈશ્વર માટેની એ તીવ્ર તડપ આવવી બહુ મહામૂલી છે. સત્સંગ, આત્મસાક્ષાત્કાર પામેલી વ્યક્તિની ઉપસ્થિતિ ચેતનાની અસ્વસ્થતાનું શમન કરે છે. ઈશ્વરને આકાશમાં ક્યાંક ના શોધો, પરંતુ નયનોની દરેક જોડીમાં, કુદરતમાં અને પ્રાણીઓમાં તેને જુઓ. તમારા પોતાનામાં ઈશ્વરને જુઓ. માત્ર ઈશ્વર જ ઈશ્વરની આરાધના કરી શકે છે.

સજગતામાં વૃધ્ધિ તમને વાસ્તવિકતાની નજીક લાવે છે. એ વૃધ્ધિ માટે તમારે પ્રાણશક્તિ વધારવી પડે. (1) ઉપવાસ, તાજો ખોરાક (2) પ્રાણાયામ, સુદર્શન ક્રિયા, ધ્યાન (3) મૌન (4) ઠંડા પાણીથી સ્નાન (5) નિંદ્રાધીન ના થવું (6) ભાવનાત્મક પરાકાષ્ઠા (7) ગુરુની ઉપસ્થિતિ (8) ગાયન અને મંત્રજાપ (9) દાનકર્તાની ભાવના વગર આપવું અને કર્તાપણા વગર સેવા કરવાથી વધે છે. આ તમામ સમગ્રપણે હોય ત્યારે યજ્ઞ કહેવાય.

જ્યારે તમને સમસ્ત વિશ્વ માટે આદર હોય છે ત્યારે તમે તેની સાથે સંવાદિત હોવ છો. એ પછી તમે આ વિશ્વની કોઈ ચીજનો અસ્વીકાર નથી કરતા અથવા ત્યજી નથી દેતા. જ્યારે તમને તમારા બધા સંબંધો માટે સન્માન હોય છે ત્યારે તમારી પોતાની ચેતના વિસ્તૃત થાય છે. એ પછી એક નાની વસ્તુ પણ અગત્યની અને મોટી જણાય છે. દરેક નાનુ પ્રાણી પણ ગૌરવવંતુ દેખાય છે. તમારા જીવનની દરેક ક્ષણ સન્માનસહ હોય તેવું કૌશલ્ય કેળવો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular