Wednesday, October 15, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingઆપણી આસપાસ કયા પ્રકારના લોકો હોય છે?

આપણી આસપાસ કયા પ્રકારના લોકો હોય છે?

ઘણી વખત લોકોથી તમે કંટાળી જાઓ છો? એવો અનુભવ કરો છો, કે જો સામી વ્યક્તિને સરળતાથી સમજી શકતાં હોઈએ તો જીવન કેટલું સુગમ બની જાય! ક્યાંય કોઈ ગેરસમજનો અવકાશ જ ન રહે તો કેટલું સારું! પરંતુ પ્રિય મિત્ર, વાસ્તવમાં, કોઈ પણ દેશમાં, સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં લોકો હોય જ છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો તે એક કળા છે. તો પહેલાં એ સમજીએ કે, કયા કયા પ્રકારનાં લોકો આપણી આસપાસ હોય છે.

  • પહેલાં પ્રકારનાં લોકો એટલે એવા લોકો જે હમેશા ઉત્સાહથી તરવરતાં હોય છે. કોઈ અવરોધોને તેઓ ગણકારતાં નથી. તેઓ હમેશા ખુશ રહે છે, અને પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરીને રહે છે.
  • બીજા પ્રકારનાં લોકો ખૂબ સુંદર સંચાલન કરી જાણે છે. આ લોકો નવું સર્જન કરી નથી શકતાં, નવું સાહસ પણ નથી કરી શકતાં, પરંતુ જે કઈં તેમની પાસે છે, તેને ખૂબ સાચવે છે. માવજત કરે છે. તેમની વિચારસરણી પરંપરાગત હોય છે.
  • ત્રીજા પ્રકારનાં લોકો ક્રાંતિકારી અથવા તો બંડખોર હોય છે. તેઓ ચીલાચાલુ પરિસ્થિતિને બદલવા ઈચ્છે છે. પરિવર્તન લાવવા માટે તેઓ વિનાશકારી પ્રવૃત્તિઓ કરતાં પણ અચકાતાં નથી.
  • ચોથા પ્રકારનાં લોકો તેજસ્વી, મેધાવી અને સર્જનશીલ હોય છે. તેઓ નવા નવા રચનાત્મક કાર્યો અને પ્રયોગો કરતાં રહે છે.
  • પાંચમા પ્રકારનાં લોકો હમેશા સહુને સાથે લઈને ચાલે છે. તેમનામાં અપાર કરુણા હોય છે. જ્યાં જ્યાં સમાજમાં સમસ્યાઓ ઊભી થાય છે, તેઓ મદદ કરવા તત્પર હોય છે, અને કોઈને અન્યાય ન થાય, દુખ ન પહોંચે તે રીતે સમસ્યાનું સમાધાન કરે છે. આ લોકો શાંતિ દૂત બનતા હોય છે, અને સર્વે પ્રતિ અપાર કરુણા અને અપનત્વની ભાવના ધરાવતાં હોય છે.

તમારી ભીતર જુઓ. તમારી શું લાક્ષણિકતાઓ છે, તેના પર ધ્યાન આપો. મનનાં ક્ષેત્રમાં બે સમાન પરિબળો પરસ્પર આકર્ષે છે. તો આ પાંચ પ્રકારોમાંથી તમે કયા પ્રકાર પ્રત્યે આકર્ષણ અનુભવો છો? જાણો કે તમે એ જ પ્રકારનાં વ્યક્તિ છો. એ મુજબ તમે તમારાં જીવનની દિશા નક્કી કરી શકો છો.

પરંતુ ભિન્ન ભિન્ન પ્રકાર ધરાવતી વ્યક્તિઓ, ભાવનાત્મક રીતે પણ તદ્દન ભિન્ન હોય છે. તો અલગ અલગ ભાવનાત્મક ભૂમિકા ધરાવતી વ્યક્તિઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ? જેથી તમારું પોતાનું મન શાંત અને નિશ્ચલ રહે! તો આ માટે ચાર પ્રકારનાં અભિગમ તમે અપનાવી શકો છો.

૧. મૈત્રી: જે લોકો ખુશ છે, ઉત્સાહી છે તેમની સાથે મૈત્રી રાખો. જો ખુશ અને ઉત્સાહી વ્યક્તિ સાથે તમારી મિત્રતા નથી તો ચોક્કસ ક્યારેક એમના પ્રત્યે ઈર્ષા-ભાવ થવા નો જ. એના કરતાં ખુશમિજાજ, ઉત્સાહી વ્યક્તિ સાથે દોસ્તી કરી લો. અને જુઓ કે તમારું મન પણ વધુ ને વધુ પ્રસન્ન રહેશે.

૨. કરુણા: જેઓ દુ:ખી છે, તેમની સાથે મિત્રતા ન રાખો, પણ અપાર કરુણા રાખો. જો દૂ:ખી વ્યક્તિ સાથે મૈત્રી કેળવશો તો તમે પણ દૂ:ખી થઈ જશો. અને તમે જ દૂ:ખી છો, તો અન્યને કઈ રીતે દૂ:ખી માનસિક્તામાં થી બહાર લાવી શકશો? ઘણી વાર દૂ:ખી વ્યક્તિની સાથે આપણે પણ દૂ:ખી રહેવું જોઈએ તેમ માનવા લાગીએ છીએ. આ મોટી ભૂલ છે. આ તો એવું થયું કે દર્દી ની સારવાર માટે ડૉક્ટરએ પણ બીમાર થવું પડે! ડૉક્ટર બીમાર હશે તો સારવાર કે રીતે કરી શકશે? તો જેઓ દૂ:ખી છે, તેમના પ્રત્યે દયા નહીં પરંતુ કરુણા રાખો, મદદ કરો.

૩. પ્રસન્નતા: જેઓ સારું કાર્ય વિશ્વમાં કરી રહ્યા છે, પોતાનાં ક્ષેત્રમાં સફળ છે તેમના તરફ અત્યંત પ્રસન્નતાનો ભાવ રાખો. જો કોઈ સંગીતમાં પારંગત છે તો તેમના પ્રત્યે હ્રદયપૂર્વક પ્રસન્નતા વ્યક્ત કરો. જો કોઈ પોતાનાં ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તો તેમની પ્રવીણતા અને પ્રગતિ પ્રતિ પ્રસન્ન બની જાઓ. તમારી પોતાની ચેતનાનું ઊર્ધ્વીકરણ થશે.

૪. નિર્લેપતા : જે લોકો સમાજમાં ભાંગ-ફોડ કરી રહ્યા છે, નુકશાન કરી રહ્યા છે, તેમના તરફ સામાન્ય રીતે આપણે ગુસ્સાની લાગણી અનુભવીએ છીએ. પરંતુ જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમે તમારી ઉર્જા અને તમારા ઉત્સાહને ખોઈ બેસો છો. આ તો કેટલું મોટું નુકશાન છે! અને આ સ્થિતિમાં તમે પણ તેમના જેવા બનતા જાઓ છો. જે પરિસ્થિતિ, જે વ્યક્તિનો તમે અસ્વીકાર કરો છો, અને પરિણામ રૂપે ક્રોધ કે તીરસ્કાર કરો છો, ત્યારે અંતત: તમારામાં અને તે વ્યક્તિમાં કોઈ તાત્વિક ફેર રહેતો નથી. તો આ સંજોગોમાં શું કરવું જોઈએ? સામી વ્યક્તિનો સ્વીકાર કરો અને નિર્લેપ બની જાઓ. ત્યાર પછી તમે અસરકારક પગલાં લઈ શકશો.

આ ચાર પ્રકારનાં અભિગમથી તમારું મન શાંત રહેશે. એક શાંત અને ધ્યાનસ્થ મન ઉર્જાનો અનંત સ્ત્રોત છે અને કોઈ પણ સકારાત્મક પરિવર્તન લાવવા સક્ષમ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular