Wednesday, May 21, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingતમારા મનની અંદર છૂપાયેલા નાસ્તિકોને દૂર કરો...

તમારા મનની અંદર છૂપાયેલા નાસ્તિકોને દૂર કરો…

મહદંશે પ્રભુ ને તમે એક પિતાના સ્વરૂપમાં જોયા છે. તેનું નિવાસસ્થાન, સ્વર્ગમાં ક્યાંક ઉપર છે, તેવી કલ્પના કરી છે. પણ શું તમે પ્રભુને એક શિશુ સ્વરૂપમાં જોઈ શકો છો? જયારે તમે પ્રભુને એક પિતા સ્વરૂપે જુઓ છો ત્યારે તમે કશું માંગો છો, તમારે તેની પાસેથી કંઈ મેળવવું છે. પરંતુ જયારે તમે તેને એક બાળક તરીકે જુઓ છો, ત્યારે તમે તેની પાસે કંઈ માંગતા નથી. ત્યારે પ્રભુ તમારાં અસ્તિત્વનું કેન્દ્ર છે. પ્રભુ તમારા ગર્ભમાં છે. તમારી ગર્ભાવસ્થાની તમારે સંભાળ લેવાની છે, અને વિશ્વમાં આ શિશુને જન્મ આપવાનો છે. ઈશ્વર તમારું બાળક છે જે તમારા મૃત્યુ પર્યંત તમને વળગી રહે છે. આ બાળ સ્વરૂપ પ્રભુ પોષણ માટે રડે છે, અને સેવાભાવ, યોગ સાધના અને સત્સંગ એ પ્રભુ માટે પોષણ છે.
ઈશ્વરને નિરાકાર સમજવો, એ અઘરું છે અને સાકાર સમજવો એ પણ અઘરું જ છે. ઈશ્વરનું કોઈ સ્વરૂપ નથી, તે નિરાકાર છે એમ માનીએ છીએ તો ઈશ્વરનાં અસ્તિત્વને સમજવું જટિલ બની જાય છે, અને જો તેને કોઈ સ્વરૂપ આપીએ છીએ, સાકાર માનીએ છીએ તો તે સમજ બહુ સીમિત થઇ જાય છે. અને તેથી જ કેટલાંક લોકો નાસ્તિક બનવાનું પસંદ કરે છે. પણ નાસ્તિકતા, સુવિધાજનક છે પરંતુ વાસ્તવિક નથી. જો તમે જિજ્ઞાસુ છો, અંતર્યાત્રા પર છો, સંશોધક છો તો નાસ્તિકતા વિલીન થઇ જાય છે. એક સંશોધક, પોતે પ્રમાણ ન આપી શકે ત્યાં સુધી કશું નકારતો નથી.
એક નાસ્તિક કોઈ પણ પ્રમાણ વગર જ ઈશ્વરનાં અસ્તિત્વને નકારવા લાગે છે. ઈશ્વરનાં અસ્તિત્વને નકારવા માટે તમારી પાસે વિશાળ જ્ઞાન હોવું જોઈએ અને જયારે તમારી પાસે બૃહદ જ્ઞાન છે ત્યારે તમે ઈશ્વરનાં અનસ્તિત્વ ને સિદ્ધ કરી જ શકતા નથી. કોઈ વ્યક્તિ જયારે એમ કહે છે કે “આનું અસ્તિત્વ નથી” ત્યારે તેને આખાં બ્રહ્માંડ વિષેનું જ્ઞાન હોવું આવશ્યક થઇ પડે છે. કારણ જો તમે બધું જ જાણતા નથી તો તમે કઈ રીતે કહી શકો કે ઈશ્વરનું અસ્તિત્વ નથી? તો તમે શત પ્રતિશત નાસ્તિક ક્યારેય બની શકો નહિ. નાસ્તિક એટલે નિદ્રાધીન આસ્તિક! નાસ્તિક પણ ઈશ્વરને એક વિભાવનાના સ્વરૂપે તો સ્વીકારે જ છે! જયારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે “હું શેમાંય (ઈશ્વરમાં) માનતો નથી” તેનો અર્થ એ કે તે પોતાની જાતને તો માને છે જ. અને તે પોતાનાં અસ્તિત્વમાં માને છે, જેના વિશે તેને વાસ્તવમાં ખબર જ નથી. તે સ્વયં ને તો જાણતો જ નથી.
એક નાસ્તિક ક્યારેય નિષ્ઠાવાન નાસ્તિક બની શકતો નથી. કારણ ગહનતામાં ડૂબકી લગાવ્યા વગર નિષ્ઠા પ્રસ્થાપિત થઇ ન શકે. અને એક નાસ્તિક ગહનતાને નકારે છે. કારણ જેટલો ઊંડે તે ઉતરશે, તે એક શૂન્યનો અનુભવ કરવા લાગશે. તેની સમક્ષ અનંત સંભાવનાઓ પ્રકટ થવા લાગશે. ત્યારે તેને એ સ્વીકારવું જ પડશે કે એવાં અનેક રહસ્યો છે, જેના વિશે તે જાણતો નથી. પોતાનાં અજ્ઞાનની નોંધ તેને લેવી પડશે, જે ઘટનાને તે નકારશે. કારણ જેવી તેનામાં આત્મ નિષ્ઠા જાગવા લાગશે, પોતાની નાસ્તિકતા ઉપર જ તેને પ્રથમ સંશય આવશે. સંશય વગરનો નાસ્તિક હોઈ જ શકે નહિ. જયારે નાસ્તિક પોતાનાં અજ્ઞાન પ્રત્યે જાગૃત થાય છે, ત્યારે તે શું કરે છે? ક્યાં જાય છે? કોઈ ગુરુ પાસે જાય છે? અને ત્યારે ગુરુ શું કરે છે? એક નાસ્તિકને મૂલ્યોમાં કે અમૂર્તતામાં વિશ્વાસ નથી હોતો.
જો તમે એક નાસ્તિક છો અને ગુરુ પાસે આવો છો ત્યારે શું થાય છે? તમે પોતાનાં સ્વરૂપનો અનુભવ કરવા લાગો છો, અને તમે ખાલી છો, અવકાશ છો અને નિરાકાર છો એ સત્ય તમારી સમક્ષ પ્રકટ થાય છે. આ નિરાકાર અમૂર્તતા તમારી અંદર દ્રઢ થતી જાય છે. ગુરુ અમૂર્તને દ્રઢ બનાવે છે અને જેને તમે અત્યાર સુધી દ્રઢ- સોલિડ માનતા હતા તે હવે તમને અવાસ્તવિક લાગે છે. તમારી અંદર સંવેદનશીલતા અને સૂક્ષ્મતા ઉજાગર થાય છે. પ્રેમ હવે તમારા માટે માત્ર એક લાગણી કે ભાવના નથી, પરંતુ અસ્તિત્વનો આધાર છે, તે અનુભવ તમારા માટે સ્વાભાવિક બનતો જાય છે. નિરાકાર આત્મન, સૃષ્ટિનાં કણ કણમાં ઝળકે છે, અને જીવનનું રહસ્ય વધુ ને વધુ ગહન થતું જાય છે. નાસ્તિકતા વિરમી જાય છે અને યાત્રા શરૂ થાય છે.
આ યાત્રાના ચાર ચરણ છે:
પ્રથમ ચરણ છે: સારૂપ્ય. પ્રત્યેક સ્વરૂપમાં ઈશ્વરનું જ દર્શન કરવું, તે સારૂપ્ય છે. ઘણી વખત, ઈશ્વરને સાકાર નહિ પરંતુ નિરાકાર જ જાણવાનું વધુ સરળ લાગે છે. કારણ, ઈશ્વરને જો કોઈ રૂપ છે તો ત્યાં અંતર નો અનુભવ થાય છે. કારણ કોઈ ચોક્કસ સાકાર- રૂપ સાથે તમે દૂરતા, દ્વૈત ભાવ, અસ્વીકૃતિ નો ભય અને બીજી સીમાઓ નો અનુભવ કરો છો. નિદ્રા અને સમાધિની સ્થિતિ સિવાય, આપણા બધા સંવાદ નામ-રૂપ ધારી આકાર સાથે જ થતા હોય છે. અને જો તમે ભિન્ન ભિન્ન સ્વરૂપમાં – મૂર્ત રૂપે ઈશ્વરને નથી જોતા તો જીવનના એક ગતિશીલ, પ્રભાવી ઘટકને તમે દિવ્યતાથી પૃથક સમજો છો. જેઓ ઈશ્વરને અમૂર્ત માને છે, પ્રતીકો દ્વારા ઈશ્વર ને વર્ણવે છે, તેઓ ઘણી વખત સ્વયં ઈશ્વર કરતાં પ્રતીકો સાથે વધુ તાદાત્મ્ય અનુભવે છે! તો, પ્રારંભમાં આકાર-રૂપ દ્વારા જ નિરાકાર ઈશ્વરને જાણી શકાય છે.
યાત્રાનું બીજું ચરણ છે: સામીપ્ય. તમે જે સ્વરૂપે ઈશ્વર ની નિહાળો છો, તેની સાથે અત્યંત નિકટતાનો અનુભવ કરવો તે સામીપ્ય છે. તમે સમગ્ર સૃષ્ટિ સાથે અત્યાધિક આત્મીયતાનો અનુભવ કરો છો. આ ચરણમાં અસ્વીકૃતિ નો ભય અને અન્ય ભય પૂર્ણપણે વિલીન થઇ જાય છે. પરંતુ તે સમય અને સ્થળથી બાધિત રહે છે.
ત્રીજું ચરણ છે: સાન્નિધ્ય. પ્રભુની નિરંતર ઉપસ્થિતિનો અનુભવ તે સાન્નિધ્ય છે. અહીં સમય અને સ્થળનું બંધન પણ રહેતું નથી.
ચોથું ચરણ છે: સાયુજ્ય. જયારે તમે પ્રભુ સાથે દ્રઢ, ચિરસ્થાયીત્વ થી સંયોજાઓ છો તે સાયુજ્ય છે. તમને સાક્ષાત્કાર થાય છે કે તમે અને પ્રભુ એક જ છો. પ્રિયતમ પ્રભુમાં તમે વિલીન થાઓ છો, દ્વૈત ભાવ અલોપ થઇ જાય છે.
તમારા પ્રભુની સંભાળ લો! નાસ્તિક કોઈક ખૂણે છુપાઈને બેઠો છે. સંશય, અવિશ્વાસ અને અજ્ઞાન : તમારા મનની અંદર છુપાયેલ નાસ્તિકો છે. તો તમારા પ્રભુની સંભાળ લો!

 

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular