Monday, May 19, 2025
Google search engine
HomeReligion & SpiritualityArt Of livingઅસ્તિત્વનો અનુભવ

અસ્તિત્વનો અનુભવ

માત્ર જેમને આંખો છે તે જ જોઈ શકે છે અને કાન છે તે જ સાંભળી શકે છે. જે જોવાનું છે તેને સાંભળી શકાતું નથી – તેને જોવું જ પડે છે. જીવનમાં પાંચ પરિમાણ કે પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે- જોવું, સાંભળવું, સુંઘવું, સ્વાદ અને સ્પર્શ. એક અન્ય પરિમાણ પણ છે જે ધ્યાન બહાર ગયું છે, અને તે છે અનુભવવું-હયાતીનો અનુભવ.

પ્રકાશને આંખો દ્વારા સાંભળી શકાતો નથી-તેને આંખો દ્વારા જોવો પડે છે.ધ્વનિ આંખો દ્વારા જોઈ શકાતો નથી- તેને કાન દ્વારા સાંભળવો પડે છે.એ જ રીતે,હયાતીનો હ્રદય દ્વારા અનુભવ કરવો પડે છે.

ઈશ્વર જ્ઞાનેન્દ્રિયો માટેનો પદાર્થ નથી-ઈશ્વર લાગણીઓમાં લાગણીનું તત્વ છે,હયાતીમાં હયાતી છે,મૌનનો ધ્વનિ છે, જીવનનો પ્રકાશ છે,દુનિયાનું આવશ્યક તત્વ છે અને પરમ સુખનો રસાસ્વાદ છે. મનુષ્ય જીવન ત્યારે જ સમૃધ્ધ બને છે જ્યારે આપણે હયાતીની આ છઠ્ઠી ઈન્દ્રિયને અનુભવી શકીએ છીએ! જો તમે હતાશ થયા છો અને આ હતાશા ચાલુ રહે છે તો તમે તમારી આજુબાજુ હતાશાના ‘સૂક્ષ્મ કણો’ ઉત્પન્ન કરો છો. આ સૂક્ષ્મ કણો વાતાવરણમાં ચોંટી જાય છે.
તમે એ જગ્યાએથી જતા રહો તે પછી પણ જો કોઈ તે જગ્યાએ જાય છે તો તે કોઈ પણ કારણ વગર હતાશા અનુભવવા માંડે છે.તમે આવો અનુભવ કર્યો છે?તમે કોઈ રુમમાં દાખલ થાવ છો અને ઓચિંતું તમને ગુસ્સાના સ્પંદન અનુભવવા લાગે છે.થોડી મીનીટ પહેલા તમે સ્વસ્થ હતા,પણ તમે જેવા એ રુમમાં પ્રવેશ્યા એવા ગુસ્સો,તનાવ અને ઉશ્કેરાટ તમને ઘેરી વળ્યા. માણસ તેના વાતાવરણથી પીડિત બની ગયો છે.તેનો પોતાના મન પર કાબૂ નથી-તે વાતાવરણથી અને તેમાંના સમગ્ર તનાવથી પીડિત થઈ જાય છે.

આપણે આપણા વાતાવરણને આપણી નકારાત્મક લાગણીઓ દ્વારા ખૂબ સૂક્ષ્મ રીતે પ્રદુષિત કરીએ છીએ. અને વાતાવરણમાંથી એ દૂર થવામાં ઘણો સમય લાગે છે. એ અનિવાર્ય છે કે તમે ક્યારેક તનાવ અનુભવો,નકારાત્મક લાગણીઓ થાય,શંકા થાય,મનોભાવ વ્યાકુળ થાય- કોઈ ઈચ્છતું નથી હોતું છતાં આ બધું થઈ શકે છે.તો,આવું જ્યારે થાય છે ત્યારે આપણે કેવી રીતે પરિસ્થિતિ સંભાળી લઈએ છીએ?

આપણે જીવનમાં અન્ય બાબતો વિશે ઘણું સાંભળીએ છીએ,પણ આપણા પોતાના વિશે જાણવા માટે – મનને કેવી રીતે સંભાળવું એ માટે સાવ થોડો સમય ફાળવીએ છીએ.વ્યક્તિ વર્તમાન ક્ષણમાં કેવી રીતે રહી શકે? વ્યક્તિ ખુશ અને કૃતજ્ઞ કેવી રીતે રહી શકે?-આ આપણે શીખ્યા નથી અને એ ખૂબ કમનસીબ બાબત છે.તો, એનો ઉપાય શું?
અહીં આપણે એક એકદમ મૂળભૂત સિધ્ધાંત કે જે આપણા વાતાવરણ,મન,લાગણીઓ અને એકંદરે આપણા જીવનને નિયંત્રિત કરે છે એને ભૂલી રહ્યા છીએ.આપણા શરીરની નકારાત્મક લાગણીઓની સરખામણીમાં સુખ અને શાંતિના સ્પંદનો ટકાવી રાખવાની ક્ષમતા વધુ છે,કારણ કે આપણા અસ્તિત્વના કેન્દ્રમાં સકારાત્મકતા છે.જેવી રીતે એક અણુના બંધારણમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં અને ઈલેક્ટ્રોન માત્ર પરિઘમાં હોય છે-આપણા જીવનમાં પણ એમ જ હોય છે.આપણા અસ્તિત્વના કેન્દ્રમાં પરમ સુખ, સકારાત્મકતા અને ખુશી છે,પણ તે નકારાત્મક કણોના વાદળથી ઘેરાયેલા છે. શ્વાસની મદદથી આપણે ટૂંકા સમયમાં જ સહેલાઈથી આપણી નકારાત્મક લાગણીઓમાંથી બહાર આવી જઈ શકીએ છીએ.

તમે આ નકારાત્મક વાદળને ધ્યાન તથા કેટલીક શ્વસન પ્રક્રિયાઓ દ્વારા હટાવી શકો છો.મને લાગે છે ભવિષ્યમાં નવા નિયમો આવશે કે જે હતાશા અનુભવે એને દંડ થાય!આજે જ્યાં ત્યાં કચરો ફેંકવા માટે લોકોને દંડ થાય છે;ભવિષ્યમાં લાગણીઓના કચરા સામે નિયમો હશે- હતાશ થવા માટે દસ હજાર રુપિયા દંડ!ત્યાર પછી તમને શ્વાસ લઈ આવો,ધ્યાન કરો એવું કહેવામાં આવશે-કોઈ દવાની ગોળી ગળ્યા વગર તમારા તમામ તનાવને દૂર કરી દો!

તમારે શેના માટે હતાશ થવું પડે?! આમેય તમે અહીં થોડા વર્ષો માટે છો-આ ગ્રહ પર થોડા જ વર્ષો માટે!જ્યાં સુધી તમે અહીં છો ત્યાં સુધી તમે ખુશ રહોને!આ જીવન પાસે તમને આપવા માટે ઘણું બધું છે!જો તમે તમારા આત્માને નવયૌવન બક્ષવા થોડો સમય કાઢશો તો આ જોઈ શકશો.તમારા એક સ્મિત માટે તમારો આત્મા તલસે છે. જો તમે એ આપી શકો છો તો તમને આખું વર્ષ ઊર્જાસભર લાગશે અને કોઈ પણ બાબત તમારું સ્મિત છીનવી નહીં શકે.

જેને દાબી ના દઈ શકીએ એવી ખુશી એ સફળતાની નિશાની છે! આત્મવિશ્વાસ, કરુણા,ઉદારતા અને સ્મિત કોઈ છીનવી શકતું નથી! ખરેખર ખુશ રહી શકવાની વાત છે…અને વધુ મુક્ત થઈ શકવાની! આ એક સફળ માણસની નિશાનીઓ છે.

તમારા ઊંડાણમાં જોવા માટે થોડો સમય કાઢો અને મનને શાંત પાડો. આમ, તમારા મનમાં રહેલી તમામ છાપો ભૂંસાઈ જશે અને જે હયાતી છે,દિવ્ય છે તેને અનુભવી શકાય છે–એ જ આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular