Sunday, July 13, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ મહાસાગર દિવસ’ અને વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિકના જન્મ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ મહાસાગર દિવસ’ અને વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ : દર વર્ષે તારીખ 8 જૂનના રોજ ‘વિશ્વ મહાસાગર દિવસ’ મનાવવામાં આવે છે. પૃથ્વી પર આપણું જીવન ટકાવી રાખવા માટે મહાસાગરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. વિશ્વભરમાં આવેલા સાત સમુદ્રોમાં આર્ક્ટિક, ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક, ઉત્તર પેસિફિક, દક્ષિણ પેસિફિક, ભારતીય/ હિન્દ મહાસાગર અને દક્ષિણ મહાસાગરોનો સમાવેશ થાય છે. પૃથ્વી પરનું 97 ટકા જળ મહાસાગરો અને સમુદ્રોમાં રહેલું છે. માત્ર 3 ટકા જળ જ પીવાલાયક પાણી છે. પૃથ્વીનો 71 ટકા વિસ્તાર જળમાં રોકાયેલો છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 2009થી 8 જૂનના દિવસે ‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.

ત્યારે હવે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીની અત્યાધુનિક એક્વેટિક ગેલેરીમાં પણ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી  કરવામાં આવી.  જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઘણું નુકસાનકારક

આ પ્રસંગે ખાસ હાજર રહેલા ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડો. દેવેન્દ્રસિંહ ઝાલાએ દરિયામાં પ્રદૂષણ ઓછું થાય તે માટે તથા દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયાસ કરવા વિદ્યાર્થીઓ અને લોકોને આહવાન કર્યું હતું. તો સાથે સાથે ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર વ્રજેશ પરીખે વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે દરિયાઈ જીવો માટે અને પૃથ્વી પરના પર્યાવરણ માટે સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઘણું નુકસાનકર્તા છે. તેથી આપણે સહુએ આપણા રોજિંદા જીવનમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ જેથી  દરિયાઈ જીવસૃષ્ટિને ઓછું નુકસાન થાય.

વિદ્યાર્થીઓએ સંદેશ આપ્યો

આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ સ્કિટ દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ તથા સંવર્ધન માટે તેમજ દરિયામાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટેનો સંદેશ આપ્યો.

વિશેષ રૂપે આ કાર્યક્રમમાં ઈકોફ્રેન્ડલી વસ્તુઓ દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વિદ્યાર્થીઓએ કાર્ડ મેકિંગ જેવી ઈન્ટરેક્ટિવ એક્ટિવિટિ કરી. જેમાં તેમણે દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત હાજર રહેલા મહાનુભાવો, મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓએ દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે પોતે લીધેલા સંકલ્પ મેસેજ બોર્ડ પર લખ્યા.

ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસની ઉજવણી કરાઈ

‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણીની સાથે સાથે મહાન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસની પણ ગુજરાત સાયન્સ સિટી ખાતે ઉજવણી કરવામાં આવી. ફ્રાન્સિસ ક્રિકને DNAની સંરચના માટે નોબેલ પારિતોષિક એનાયત કરાયો હતો. ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી દ્વારા DNAના મોડલ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે DNA એ એક અતિ અગત્યનો જૈવિક અણુ છે. જેના વગર જીવન શક્ય નથી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ DNAની પ્રતિકૃતિ પણ બનાવી હતી અને 200થી વધારે વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

વિશ્વ મહાસાગર દિવસ’ નો ઇતિહાસ શું છે ?

વર્ષ 1992 માં કેનેડાના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ડેવલપમેન્ટ અને ઓશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેનેડા દ્વારા રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં અર્થ સમિટ,  યુ.એન. કોન્ફરન્સ ઓન એન્વાયર્નમેન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં આ દિવસની ઉજવણી કરવા અંગેનો વિચાર પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2002 માં ‘વિશ્વ મહાસાગર દિવસ’ ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2008માં ‘વિશ્વ મહાસાગર દિવસ’ ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.

વિશ્વ મહાસાગર દિવસ’ ની ઉજવણી કરવા પાછળનો હેતુ શું છે ?

આંતરરાષ્ટ્રીય મહાસાગર દિવસ વિશ્વવ્યાપી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસના લક્ષ્યાંકોના અમલીકરણને સમર્થન આપે છે, અને દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણમાં જાહેર હિતને પ્રોત્સાહન આપે છે. સમુદ્ર અને તેના સંસાધનોના ટકાઉ સંચાલન માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular