Tuesday, October 28, 2025
Google search engine
HomeNewsGujaratસરકારે રાજ્યના ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ.37.80 કરોડની રકમ ફાળવી

સરકારે રાજ્યના ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ.37.80 કરોડની રકમ ફાળવી

રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB)ને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર કાળજીપૂર્વક વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂ.37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે આ માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જીપીવાયવીબીના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી કે જેમાં મુખ્યમંત્રીએ બોર્ડની ગ્રામ્ય કક્ષાના દેવસ્થાનોના વિકાસ અંગેની દરખાસ્તોને મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે, તેમાં વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ 4 તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ શ્રી ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ શ્રી ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ શ્રી મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 15.66 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ તીર્થસ્થાનોમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ શ્રી ઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી હનુમાન મંદિર તથા શ્રી શનિદેવ મંદિર, કડી ખાતે આવેલ શ્રી દશામા મંદિર અને વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ શ્રી ભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. 4.09 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં સમી તાલુકાના વુરાણા મુકામે આવેલ શ્રી ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા 4.48 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ શ્રી ખોડલધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.64 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલ શ્રી રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.30 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 47.57 લાખની સૈદ્ધાંતિક મંજુરી અને પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતે આવેલ શ્રી ભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 2.70 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular