Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratઆજે તમિલ લોકોનું નવું વર્ષ પુથાન્ડુ, રાજકોટમાં વસતા 2 હજારથી વધુ તમિલિયન...

આજે તમિલ લોકોનું નવું વર્ષ પુથાન્ડુ, રાજકોટમાં વસતા 2 હજારથી વધુ તમિલિયન પરિવાર સાથે કરશે ઉજવણી

સૌરાષ્ટ્ર અને તમિલ લોકોનો નાતો હજારો વર્ષ જૂનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવનાને સાર્થક કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો પ્રારંભ આગામી તા. 17 થી થવા જઈ રહ્યા છે. જેમા મૂળ સૌરાષ્ટ્ર વાસીઓ જે તામિલનાડુમાં હજારો વર્ષો પહેલા સ્થળાંતરિત થયેલા છે તેઓ પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડાવા જઈ રહ્યા છે.

તમિલ સંગમ પૂર્વે તમિલિયન લોકો માટે ઉજવણીઓ વિશિષ્ઠ પ્રસંગ આજે છે. 14 એપ્રિલે તમિલ નવું વર્ષ પુથાન્ડુ અથવા પુથુવરુષમ દિવસ હોઈ તમિલ સમુદાયના લોકો માટે પુથાન્ડુનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસ તમિલ કેલેન્ડરનો પ્રથમ દિવસ છે. તે દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. તમિલ નવું વર્ષ તમિલ મહિના ‘ચિથિરાઈ’ના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે રાજકોટ રેલવે ડિવિઝનમાં સહાયક વાણિજ્ય પ્રબંધક તરીકે સેવા આપતા તિરુનેલવેલીના શ્રી વી. ચંદ્રશેખર જણાવે છે કે,  અહીં રાજકોટમાં બે હજાર જેટલા તમિલ પરિવારો વસવાટ કરે છે. જેઓ હર્ષોલ્લાસ સાથે પુથાન્ડુ તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આ  દિવસે ઘરને રંગોળી તેમજ સુશોભન કરવામાં આવે છે. નવા કપડાં પહેરવા, મંદિરમાં જઈ ઈશ્વરના દર્શન તેમજ પૂજા-પાઠ કરવામાં આવે છે. ઘરમાં અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે અને એક બીજાને શુભેચ્છા પાઠવી નવ વર્ષની ઉજવણી કરતા હોય છે.

સૌરાષ્ટ્રના લોકો ખુબ માયાળુ અને મિલનસાર હોવાનું તેઓ રાજકોટ અને તેમના વતન  ખાતે સૌરાષ્ટ્ર તમિલ લોકો અંગે પ્રતિભાવ આપતા જણાવે છે. સૌરાષ્ટ્રના લોકો ખુબ સહેલાઈથી ભળી જાઈ છે. તમિલનાડુમાં વસવાટ કરતા મૂળ સૌરાષ્ટ્રના લોકો વર્ષોથી વસવાટ કરતા હોઈ ખુબ સરસ તમિલ બોલે છે. તેઓ માત્ર તેમના દેખાવ પરથી અલગ તરી આવે છે. સૌરાષ્ટ્ર તમિલ લોકો કુશળ કલાકાર તેમજ સારા બિઝનેસમેન હોવાનું તેઓ આનંદ સાથે જણાવે છે.

આ પ્રસંગે તમિલનાડુમાં પ્રસિદ્ધ ફિલ્મ ગાયક શ્રી ટી.એમ. સૌંદરરાજનને યાદ કરી જણાવ્યું હતું કે, તેઓ મૂળ સૌરાષ્ટ્રીયન હોવાં છતાં તેમના મધુર આવાજ થકી તમિલ ગીતો દ્વારા તેઓએ ખુબજ લોકચાહના મેળવી હતી.  મૂળ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ શ્રી ટી.એમ. સૌંદરરાજન ગીતકાર, સંગીતકાર તેમજ પ્લેબેક સિંગર હતાં. તેઓ ભક્તિ ગીતોનું લેખન અને સંગીત પણ આપતા હતાં. તેઓએ તમિલ ફિલ્મોમાં અનેક ગીતોમાં તેમનો કર્ણપ્રિય કંઠ આપ્યો હતો. તેમનુ વર્ષ ૨૦૧૩માં અવસાન થયેલું.

તમિલનાડુના સેલમ જિલ્લાના શ્રી બાલાસુબ્રમણય્મ રાજકોટ રેલવે ડિવિઝનમાં બુકીંગ સુપરવાઈઝર છે. તેઓ ૧૨ વર્ષથી વધુથી સમયથી સૌરાષ્ટ્રમાં નોકરી કરે છે. તેઓ જણાવે છે કે, ગુજરાત અમારું સેકન્ડ હોમ ટાઉન છે. અહીં  કામ કરવાની ખુબ મજા આવે  છે. અહીંના લોકો, સંસ્કૃતિ, ખાણીપીણીથી તેઓ અત્યંત પ્રભાવિત છે. જયારે પણ તેમના વતન જાય ત્યારે  સૌરાષ્ટ્રની ભવ્યતા વિષે ચોક્કસ તેઓના મિત્રો અને પરિવારજનોને માહિતગાર કરે છે.

આવતા સપ્તાહમાં જયારે તમિલનાડુથી સૌરાષ્ટ્ર તમિલ લોકો ટ્રેન દ્વારા સોમનાથ, દ્વારકા, રાજકોટ સહિતના સ્થળે મુલાકાતે આવવાના હોઈ શ્રી વી.ચંદ્રશેખર તેઓને આવકારવા ખુબ ઉત્સાહિત છે. આગામી સમયમાં આ સંબંધ વધુને વધુ મજબૂત બને તેમ તેઓ ઈચ્છે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular