Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSportsટીવી, ડિજિટલ બંનેમાં બીસીસીઆઈના મિડિયા રાઈટ્સ અંબાણીએ જીત્યા

ટીવી, ડિજિટલ બંનેમાં બીસીસીઆઈના મિડિયા રાઈટ્સ અંબાણીએ જીત્યા

મુંબઈઃ વાયકોમ18 કંપનીએ આવતા પાંચ વર્ષ માટે ટીવી અને ડિજિટલ, બંને માધ્યમમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના મિડિયા રાઈટ્સ હાંસલ કર્યા છે. આની જાહેરાત બીસીસીઆઈના માનદ્દ સચિવ જય શાહે કરી છે. આજે યોજવામાં આવેલા ઈ-ઓક્શનમાં વાયકોમ18 કંપનીએ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની હોટસ્ટારને પરાજય આપ્યો છે. વાયકોમ18 મિડિયા પ્રા.લિ. મુંબઈસ્થિત મિડિયા કંપની છે. તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની નેટવર્ક18 ગ્રુપ અને પેરામાઉન્ટ ગ્લોબલનું સંયુક્ત સાહસ છે. તેની સ્થાપના 2007માં કરવામાં આવી હતી. તે ભારતમાં અનેક ટીવી ચેનલ્સ તેમજ કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયોઝની માલિકી ધરાવે છે.

જય શાહે ટ્વીટ કરીને વાયકોમ18ને અભિનંદન આપ્યા છે. એમણે સાથોસાથ, પાંચ વર્ષ સુધી બીસીસીઆઈને ટેકો આપવા બદલ સ્ટાર ઈન્ડિયા અને ડિઝની પ્લસ હોટસ્ટારનો આભાર પણ માન્યો છે.

બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે વાયકોમ18 નવાંગતુક છે. પોતાની ટીવી ચેનલ સ્પોર્ટ્સ18 અને ડિજિટલ પ્લેટફોર્મ જિયો સિનેમાની મારફત એ 2027ની સાલ સુધી મહિલાઓની પ્રીમિયર લીગ સ્પર્ધાના ટીવી અને ડિજિટલ રાઈટ્સ ધરાવે છે. તેણે 2024-31 સુધી ભારતમાં પ્રસારિત થનાર દક્ષિણ આફ્રિકા સાથેની મેચોના રાઈટ્સ પણ મેળવ્યા છે. વાયકોમ18એ બીસીસીઆઈના મિડિયા રાઈટ્સ ડિઝની હોટસ્ટાર પાસેથી લઈ લીધા છે. ડિઝની સ્ટારે રૂ. 6,138 કરોડમાં 2018-23 સુધીના સમયગાળા માટે ટીવી અને ડિજિટલ રાઈટ્સ જીત્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular