Monday, May 26, 2025
Google search engine
HomeNewsSportsઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્વે 3 પાકિસ્તાની ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્વે 3 પાકિસ્તાની ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટરો – શાદાબ ખાન, હેરિસ રઉફ અને હૈદર અલીનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી પાકિસ્તાન ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થાય એ પહેલાં ટીમના ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટીમના ત્રણ ખેલાડી – હૈદર અલી, હેરિસ રઉફ અને શાદાબ ખાનના કોવિડ-19નાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે રાવલપિંડીમાં આ ખેલાડીઓની કોરોના તપાસ ન થઈ ત્યાં સુધી તેમનામાં કોવિડ-19નાં એક પણ લક્ષણો દેખાયા નહોતાં.

સેલ્ફ આઇસોલેશનમાં જવાની સલાહ

PCBની મેડિકલ પેનલે આ ત્રણ ખેલાડીઓ સાથે જે લોકો સંપર્કમાં આવ્યા છે, તેમને સેલ્ફ આઇસોલેશનમાં જવાની સલાહ આપી છે. આ ત્રણ ક્રિકેટરોમાંથી લેગ સ્પિનર શાદાબ એકમાત્ર સિનિયર ક્રિકેટર છે, જ્યારે રઉફે ફક્ત માત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે ઊંચું રેટિંગ ધરાવતા બેટ્સમેન હૈદર અલીને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પહેલી વાર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તમામ ખેલાડીઓના કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવ્યો

પાકિસ્તાન ટીમ આવતી 28 જૂને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થવાની છે. એ પૂર્વે ટીમના સભ્યોના કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઈમાદ વસિમ અને ઉસમાન શિનવારીનો પણ રાવલપિંડીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પણ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ આવતી કાલે એટલે કે 24 જૂને લાહોર જશે.

અન્ય ખેલાડીઓના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા

ક્લિફ ડીકોન, શોએબ મલિક અને વકાર યુનુસને બાદ કરતાં પાકિસ્તાનના અન્ય ખેલાડીઓ અને ટીમ અધિકારીઓનો સોમવારે કરાચી, લાહોર અને પેશાવર સ્થિત કેન્દ્રોમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એમના રિપોર્ટ્સની રાહ જોવાઈ રહી છે.

PCBએ 29 ખેલાડીઓની ટીમ માટે પસંદગી કરી

PCBએ 29 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે, તેમજ ચાર ખેલાડીઓને રિઝર્વ તરીકે પણ રાખ્યા છે – બિલાલ આસિફ, ઇમરાન બટ્ટ, મુસા ખાન અને મોહમ્મદ નવાઝ. PCBના ડોક્ટર સોહેલ સલીમે કહ્યું છે કે કોરોના રોગચાળા વચ્ચે ઇંગ્લેન્ડ ખાતેનો ક્રિકેટ પ્રવાસ એક મોટું જોખમ છે, પણ એ જોખમ લેવું જરૂરી છે.

શાહિદ આફ્રિદીનો કોરોનો વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ

આ પહેલાં જૂનના પ્રારંભમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન તૌફિક ઉમરનો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, પણ હાલ હવે તે સ્વસ્થ થઈ ગયો છે.

બાંગ્લાદેશના ત્રણ ખેલાડીના કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ

બાંગ્લાદેશના કેપ્ટન મુશરફ મુર્તુઝા તેમજ સાથી ખેલાડીઓ નઝમૂલ ઇસ્લામ અને નફીસ ઇકબાલનો કોવિડ-19નો ટેસ્ટ એ ગયા સપ્તાહે પોઝિટીવ આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular