Sunday, July 13, 2025
Google search engine
HomeNewsSportsપંડ્યાએ મેચને શાનદાર રીતે સમાપ્ત કરીઃ આઝમ

પંડ્યાએ મેચને શાનદાર રીતે સમાપ્ત કરીઃ આઝમ

દુબઈઃ અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપ-2022માં ભારત અને પાકિસ્તાન ગ્રુપ-Aમાં એમની પહેલી મેચ રમ્યા હતા અને એમાં ભારત પાંચ-વિકેટથી વિજયી થયું. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ પાકિસ્તાન ટીમ 19.5 ઓવરમાં 147 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે રોમાંચક ક્ષણો વચ્ચે 19.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 148 રન કરીને મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. બોલિંગમાં ત્રણ વિકેટ લીધા બાદ બેટિંગમાં એ ફિનિશર રહ્યો હતો. 17 બોલમાં 33 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. સિક્સર રૂપે વિનિંગ શોટ ફટકારીને એણે મેચને સમાપ્ત કરી હતી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે બાદમાં પંડ્યાના મુક્તકંઠે વખાણ કર્યા હતા. એણે કહ્યું કે, ‘પંડ્યાએ મેચને શાનદાર રીતે સમાપ્ત કરી. એણે બોલિંગ પણ સરસ કરી હતી અને બેટિંગમાં એણે મેચને સરસ રીતે ફિનિશ કરી. મારું માનવું છે કે એ ઘણો જ સારો ઓલરાઉન્ડર છે.’ 

કે.એલ. રાહુલ પહેલા જ બોલે, કેપ્ટન રોહિત શર્મા 12 રન કરીને આઉટ થયા બાદ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 35 રન કરીને દાવને સંભાળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ બેટિંગ ક્રમમાં બઢતી અપાયા બાદ 35 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ (18) વિકેટ પડ્યા બાદ જાડેજા અને પંડ્યા ચેઝ કરવા મથામણ કરી રહ્યા હતા. મધ્યમ ઝડપી બોલર હારિસ રઉફે ફેંકેલી 18મી ઓવરમાં પંડ્યાએ 3 બાઉન્ડરી ફટકારીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી હતી. પણ 19મી ઓવરના પહેલા જ બોલે જાડેજા આઉટ થતાં ભારતને માથે ફરી ટેન્શન ઊભું થયું હતું. પાંચ બોલમાં જીત માટે સાત કરવાના હતા. પંડ્યાએ બીજા બોલમાં સ્ટ્રાઈક મળ્યા બાદ ચોથા બોલે સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો.

સ્પર્ધામાં ભારતનો મુકાબલો હવે 31 ઓગસ્ટે હોંગકોંગ સાથે થશે. સામે છેડે ગ્રુપ-Bમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. પ્રારંભિક મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને પરાજય આપ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular