Saturday, May 17, 2025
Google search engine
HomeNewsSports34-વર્ષ જૂના કેસમાં સિધુને એક-વર્ષની કેદની સજા

34-વર્ષ જૂના કેસમાં સિધુને એક-વર્ષની કેદની સજા

નવી દિલ્હીઃ 1988માં રોડ પર મારામારીના બનેલા એક બનાવના કેસમાં પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ભારતીય બેટર નવજોતસિંહ સિધુને સુપ્રીમ કોર્ટે આજે એક વર્ષની જેલની સજા ફરમાવી છે. 1988ની 27 ડિસેમ્બરે પટિયાલા શહેરમાં શેરાંવાલા ગેટ ક્રોસિંગ નજીકના રસ્તા પર તે ઘટના બની હતી. એ વખતે સિધુ અને એમના એક મિત્ર રુપિન્દરસિંહ સંધુએ એમની જિપ્સી કાર રસ્તાની વચ્ચે પાર્ક કરી હતી. મૃતક ગુરનામસિંહ તથા બીજા બે જણ એક મારુતિ કારમાં સવાર થયા હતા. તેઓ પૈસા કઢાવવા માટે બેન્ક તરફ જતા હતા. તેઓ ક્રોસિંગ પાસે પહોંચ્યા ત્યારે એમણે રસ્તાની વચ્ચોવચ્ચ જિપ્સી પાર્ક કરેલી જોઈ. એમણે સિધુ અને સંધુને એમની કાર હટાવવા કહ્યું હતું. સિધુ અને સંધુએ ના પાડતાં બોલાચાલી થઈ હતી.

એવો આક્ષેપ છે કે બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ હતી અને સિધુએ મૃતક ગુરનામસિંહને માથામાં મુક્કો માર્યો હતો. એમનું બાદમાં મૃત્યુ થયું હતું. એ વખતે સિધુ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 1999માં, પુરાવાના અભાવે પટિયાલા ટ્રાયલ કોર્ટે સિધુ સામે હત્યાનો ગુનો પડતો મૂક્યો હતો. બાદમાં, એમની સામે હત્યાના કેસને બદલે ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 2006માં, કોર્ટે સિધુ અને સંધુ, બંનેને અપરાધી જાહેર કર્યા હતા અને એમને ત્રણ વર્ષની જેલ તથા રૂ. એક લાખના દંડની સજા ફરમાવી હતી. સિધુએ તે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. વર્ષો સુધી ખટલો ચાલ્યા બાદ સુપ્રીમ કોર્ટે આખરે આજે સિધુને અપરાધી જાહેર કર્યા છે અને એમને એક વર્ષની આકરી મહેનતવાળી સજા ફટકારી છે.

આજે કોર્ટના ચુકાદા બાદ સિધુએ ટ્વીટ કર્યું હતું, ‘હું કાયદાનું માન જાળવવા શરણે જઈશ.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular