Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsSportsશરમજનકઃ ઈરફાન પઠાણની નેટયુઝર્સે ટીકા કરી

શરમજનકઃ ઈરફાન પઠાણની નેટયુઝર્સે ટીકા કરી

વડોદરાઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવાના સંદર્ભમાં દેશમાં પ્રવર્તતા લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે દેશભરમાં નાગરિકોએ રવિવાર પાંચ એપ્રિલે રાતે 9 વાગ્યે પોતપોતાના ઘરની લાઈટ બંધ કરી દીધી હતી અને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અને મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ વડે પ્રકાશનો ફેલાવો કરીને મહાબીમારી સામેની લડાઈમાં એકતા પ્રદર્શિત કરી હતી.

એને કારણે #9baje9minute હેશટેગ ટ્રેન્ડિંગમાં રહ્યો હતો.

ગઈ કાલે એ 9 મિનિટ દરમિયાન લોકોએ પ્રકાશપર્વના સંદર્ભમાં પ્રકાશના ફેલાવાની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. એમાં અમુક તોફાની લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ફટાકડા ફોડનારાઓ વિશે નારાજગી વ્યક્ત કરી હતી. એણે ફટાકડા ફોડવાની તે પ્રવૃત્તિની ટ્વિટર પર ટીકા કરી હતી. એને પગલે અમુક લોકોએ જવાબમાં ઈરફાનની ટીકા કરી હતી. કેટલાકે ઝનૂની રીતે જવાબ આપ્યા હતા, ગાળો પણ લખી હતી.

પોતાની ટીકા કરનારાઓની ઈરફાને બાદમાં ઝાટકણી કાઢી હતી.

પહેલા ટ્વીટમાં ઈરફાને લખ્યું હતું કેઃ ‘લોકોએ ફટાકડા ફોડવાની શરૂઆત કરી ત્યાં સુધી બધું એકદમ સરસ રીતે ચાલ્યું હતું. #IndiaVsCorona’

પઠાણના આ ટ્વીટ બાદ એને ગંદી ગાળો દેતા મેસેજિસનો મારો શરૂ થયો હતો.

એના જવાબમાં, પઠાણે એવા કેટલાક જવાબી ટ્વીટ્સને ભેગા કરીને એક ટ્વીટ કર્યું હતું જેની કેપ્શનમાં લખ્યું હતું: ‘અમને બંબાવાળાઓની જરૂર છે, ટ્વિટર ઈન્ડિયા તમે મદદ કરી શકો ખરા?’

એક ઈન્ટરનેટ યુઝરે ઈરફાનને કહ્યું હતું કે તું આ ટ્રોલની અવગણના કર, પણ ઈરફાને કમેન્ટના વિભાગમાં જવાબમાં લખ્યું હતું કે, ‘લોકો શું કહે છે એની હું ચિંતા કરતો નથી. લોકો મારા ચરિત્રને જાણે છે, પણ ઝનૂન અટકવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાતે સચીન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત અનેક ક્રિકેટરો અને રમતવીરોએ મોદીની અપીલનું અનુસરણ કરીને લાઈટ બંધ કરીને પ્રકાશ ફેલાવ્યો હતો અને કોરોના સામેની લડાઈમાં એકતા પ્રદર્શિત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઈરફાન અને એના ક્રિકેટર ભાઈ યુસુફ પઠાણ પણ કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉનને લીધે મુશ્કેલીમાં આવી ગયેલા ગરીબ અને બેસહારા લોકોની મદદ માટે આગળ આવ્યા છે. બંને ભાઈએ જરૂરિયાતમંદ લોકો માટે 10 કિલો ચોખા અને 700 કિલો બટાટા દાન કરવાનો નિર્ણય લીધો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular