Monday, May 19, 2025
Google search engine
HomeNewsSportsભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવાની માગણી

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ-સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવાની માગણી

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે. આ બંને દેશ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝને મહાન બેટ્સમેનો સચીન તેંડુલકર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલેસ્ટર કુકનું નામ આપવાની ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર મોન્ટી પાનેસરે માગણી કરી છે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝને ‘તેંડુલકર-કુક ટ્રોફી’ નામ આપવું જોઈએ એવું તેણે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને દંતકથાસમાન બેટ્સમેન સુનીલ ગાવસકરના નામ પાછળ ‘બોર્ડર-ગાવસકર ટ્રોફી’ નામ આપવામાં આવ્યું છે.

પાનેસર, જે ભારતીય મૂળનો બ્રિટિશ શીખ નાગરિક છે અને એનું મૂળ નામ મધુસૂદનસિંહ પાનેસર છે, તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું છે કે તેંડુલકર અને કુક, બંનેએ પોતપોતાના દેશ વતી ટેસ્ટ ક્રિકેટમાં રમીને સૌથી વધુ રન કર્યા છે. બંને જણ એકબીજાની સામે પણ ઘણું રમ્યા છે. અમે માનીએ છીએ કે તેંડુલકર સૌથી મોટા દંતકથાસમાન તેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બંને દેશમાં જ્યારે પણ ટેસ્ટ સિરીઝ રમાય ત્યારે એની ટ્રોફીને એમનું નામ આપવામાં આવે. પાનેસરનું આ ટ્વીટ ખૂબ વાઈરલ થયું છે. ક્રિકેટપ્રેમીઓએ તેના આ સૂચનને ટેકો આપ્યો છે. પાનેસરે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને બીસીસીઆઈને ટેગ કર્યું છે. પાનેસરે 2006માં નાગપુરમાં ભારત સામે રમીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular