Sunday, July 13, 2025
Google search engine
HomeNewsSportsઆઈપીએલ-2021: હર્ષલ પટેલે એક ઓવરમાં 37-રનની ‘ગિફ્ટ’ આપી

આઈપીએલ-2021: હર્ષલ પટેલે એક ઓવરમાં 37-રનની ‘ગિફ્ટ’ આપી

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-14 સીઝનની રમાયેલી મેચમાં વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના અને સાણંદનિવાસી જમોડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બોલિંગની મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારે ધુલાઈ કરી હતી અને તેની એક જ ઓવરમાં 37 રન મેળવ્યા હતા.

આ એક ઓવર ફેંકીને હર્ષલ પટેલે અણગમતા આઈપીએલ રેકોર્ડમાં પોતાનું નામ પણ જોડી દીધું છે. પોતાની લેંગ્થ ગુમાવી દેનાર હર્ષલે પોતાની અને ચેન્નાઈના દાવની છેલ્લી ઓવરમાં 37 રન આપ્યા હતા. જાડેજાએ એની નબળી બોલિંગની જબ્બર ધુલાઈ કરી હતી. જાડેજાએ પહેલા બે બોલમાં સિક્સર ફટકારી હતી. હર્ષલે ત્રીજો બોલ નો-બોલ (કમરથી ઉંચો બોલ) ફેંક્યો હતો. તે પછીના, ત્રીજા બોલમાં જાડેજાએ ફરી સિક્સર ફટકારી હતી. ચોથા બોલમાં જાડેજાએ દોડીને બે રન લીધા હતા. પાંચમા બોલે જાડેજાએ ફરી સિક્સર ઝીંકી હતી અને આખરી બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. આઈપીએલમાં એક જ ઓવરમાં 36 રન કરવાની સિદ્ધિ આ પહેલાં ક્રિસ ગેલ નોંધાવી ચૂક્યો છે. એણે 2011ની આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 36 રન ફટકાર્યા હતા.

ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 191 રન કર્યા હતા. જાડેજા 28 બોલમાં પાંચ સિક્સર, ચાર બાઉન્ડરી સાથે 62 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ (33) અને ફાફ ડુ પ્લેસીસ (50)ની જોડીએ પહેલી વિકેટ માટે 74 રન કર્યા હતા. સુરેશ રૈના 24 અને અંબાતી રાયડુ 14 રન કરીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેની 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. જોકે ચેન્નાઈની 3 વિકેટ લેવામાં એ સફળ પણ રહ્યો હતો. પટેલે આ ધુલાઈ પૂર્વે એની 3 ઓવર ખૂબ સરસ દેખાવ કર્યો હતો. એણે માત્ર 14 રન આપ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. મેચ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સે 69-રનથી જીતી લીધી હતી. 192 રનના ટાર્ગેટ સામે બેંગલોરની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 122 રન જ કરી શકી હતી. જાડેજા બોલિંગમાં પણ ચમક્યો હતો અને 3 વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત એણે ડેનિયલ ક્રિસ્ટીયનને રનઆઉટ પણ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular