Monday, July 14, 2025
Google search engine
HomeNewsSportsસ્લો ઓવર-રેટનો ગુનોઃ સેમસન પર સસ્પેન્શનનો ખતરો

સ્લો ઓવર-રેટનો ગુનોઃ સેમસન પર સસ્પેન્શનનો ખતરો

અબુધાબી આઈપીએલ-2021ના દ્વિતીય ચરણમાં બે મેચમાં ઓવર-રેટ ધીમો રહી જવાના ગુના બદલ રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસનને લાખો રૂપિયાનો દંડ કરાયો છે અને તે એક મેચ માટે સસ્પેન્ડ થાય એવો ખતરો પણ એની પર તોળાઈ રહ્યો છે. ઓવરોની ગતિ ધીમી રાખવા બદલ આઈપીએલ આયોજકોએ કડક નિયમો ઘડ્યા છે.

ગઈ કાલે અહીં રમાઈ ગયેલી મેચમાં સેમસનની રાજસ્થાન ટીમનો દિલ્હી કેપિટલ્સ સામે 33-રનથી શરમજનક પરાજય થયો હતો. તે મેચમાં સેમસને 70 રનનો પ્રભાવશાળી બેટિંગ પરફોર્મન્સ બતાવ્યો હતો, પરંતુ ટીમનો બીજો કોઈ બેટ્સમેન મદદે ન આવતાં ટીમ હારી ગઈ. આ મેચમાં ઓવરોની ગતિ ધીમી રહી જવા બદલ સેમસન અને ટીમના ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. સેમસનને 24 લાખ રૂપિયાનો દંડ કરાયો છે જ્યારે અન્ય 10 ખેલાડીઓને છ-છ લાખ રૂપિયા (25 ટકા મેચ ફી)નો દંડ કરાયો છે. સેમસન અને તેની ટીમ દ્વારા આઈપીએલ આચારસંહિતાનું આ બીજી વારનું ઉલ્લંઘન હતું. સેમસનને અગાઉ પણ સ્લો ઓવર-રેટ માટે દંડ કરાયો હતો. એ વખતે તેને રૂ. 12 લાખનો દંડ કરાયો હતો. હવે જો રાજસ્થાન ટીમ ત્રીજી વાર સ્લો ઓવર-રેટની ભૂલ કરશે તો કેપ્ટન હોવાને નાતે સેમસને એક મેચના સસ્પેન્શનની સજા ભોગવવી પડશે. ગઈ કાલની મેચમાં દિલ્હી સામે હાર થતાં રાજસ્થાન ટીમ માટે પ્લેઓફમાં પહોંચવાનું વધારે મુશ્કેલ બની ગયું છે. પ્લેઓફમાં પહોંચવા માટે હવે તેણે પોતાની બાકી રહેલી પાંચમાંથી ચાર મેચ જીતવી પડે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular