Saturday, May 24, 2025
Google search engine
HomeNewsSportsચેન્નાઈ સુપર કિંગ્સના ક્રિકેટર, સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો?

ચેન્નાઈ સુપર કિંગ્સના ક્રિકેટર, સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો?

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 13મી મોસમનો આરંભ થવાને આડે હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના એક ક્રિકેટર તથા સ્ટાફના અનેક સભ્યોને આજે નોવેલ કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો હોવાનો અહેવાલ છે.

સોશિયલ મિડિયા પર જોવા મળેલા અનેક અહેવાલો અનુસાર, ચેન્નાઈ ટીમે આને કારણે જ તેની નેટ પ્રેક્ટિસ કરવાનું મુલતવી રાખ્યું છે. એની નેટ પ્રેક્ટિસ આજથી શરૂ થવાની હતી, પરંતુ હવે એણે તે બે દિવસ મોકૂફ રાખી છે.

જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે એમના નામ હજી જાણવા મળ્યા નથી. વળી, ચેન્નાઈસ્થિત સીએસકે ટીમ તરફથી આ વિશે સત્તાવાર રીતે હજી સુધી કંઈ જણાવવામાં આવ્યું નથી.

અનેક દાવાઓમાં જણાવાયું છે કે દુબઈમાં ચેન્નાઈ ટીમના એક ભારતીય ક્રિકેટર સહિત ઓછામાં ઓછા 10 સભ્યોનો કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કહેવાય છે કે ચેન્નાઈ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહરને કોરોના થયો છે અને સપોર્ટ સ્ટાફના 12 સભ્યોને પણ ચેપ લાગ્યો છે.

આઈપીએલ પ્રોટોકોલ્સ મુજબ, ખેલાડીઓનો ક્વોરન્ટાઈન પીરિયડના પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાશે અને જો ત્રણેય ટેસ્ટ નેગેટિવ આવે તો જ એમને પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે.

આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 19મી સપ્ટેંબરથી શરૂ થવાની છે. એમાં આઠ ટીમ રમશે. મેચો યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહ, એમ 3 સ્થળે રમાશે. યૂએઈમાં કોરોનાના કેસો અત્યંત જૂજ સંખ્યામાં થયા હોવાથી આ વખતની સ્પર્ધા ભારતને બદલે અહીં યોજવાનું નક્કી કરાયું છે.

સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત અન્ય ટીમો છેઃ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular