Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsSportsવોર્નરની તોફાની સેન્ચુરી; ‘પુષ્પા’ સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન

વોર્નરની તોફાની સેન્ચુરી; ‘પુષ્પા’ સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન

બેંગલુરુઃ 36 વર્ષની ઉંમરે પણ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની રન-ભૂખ ગજબની છે. આજે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં વિસ્ફોટક, વિક્રમસર્જક સેન્ચુરી ફટકારી. એ 124 બોલમાં 163 રન કરીને આઉટ થયો હતો. એના દાવમાં 14 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ હતો. એણે સાથી ઓપનર તથા ‘બર્થડે બોય’ મિચેલ માર્શ (121)ની સાથે મળીને 259 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 367 રનનો સ્કોર ખડો કર્યો હતો.

વોર્નરે તેની ફાંકડી સદીની ઉજવણી આગવી સ્ટાઈલમાં કરી હતી. દક્ષિણ ભારતીય ફિલ્મો પ્રત્યે વોર્નરનો પ્રેમ જગજાહેર છે. એ ઘણી વાર દક્ષિણ ભારતીય ફિલ્મોનાં ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો છે. એ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનો ચાહક છે. આજે 85 બોલમાં, સાત ચોગ્ગા, છ છગ્ગા સાથે સદી ઠોક્યા બાદ એણે પોતાના ટ્રેડમાર્ક અંદાજમાં હવામાં ઉછળીને અને પછી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઈલમાં – ગળા પર હાથ ફેરવીને ઉજવણી કરી હતી. એની સ્ટાઈલ જોઈને ચાહકો એની પર ફિદા થઈ ગયા હતા.

વન-ડે ક્રિકેટમાં વોર્નરની આ 21મી સદી છે. પાંચમી ઓવરમાં ઉસામા મીર ફિલ્ડરે મિડ-ઓન ક્ષેત્રમાં વોર્નરનો અત્યંત આસાન કેચ પડતો મૂક્યો હતો. એ વખતે વોર્નરે માત્ર 10 રન કર્યા હતા. તે જીવતદાનનો વોર્નરે પૂરો લાભ ઉઠાવ્યો હતો અને વધુ 153 રન ઠોકી દીધા.

વર્લ્ડ કપમાં વોર્નરની આ પાંચમી અને પાકિસ્તાન સામે સતત ચોથી ODI સદી છે. આ સાથે વોર્નર વર્લ્ડ કપમાં કુલ પાંચ સદી સાથે રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) અને કુમાર સાંગકારા (શ્રીલંકા)ની સિદ્ધિ સાથે જોડાયો છે. યાદીમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા સાત વર્લ્ડ કપ સદી સાથે મોખરે છે. બીજા ક્રમે સચીન તેંડુલકર છે – 6 સદી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular