Saturday, July 5, 2025
Google search engine
HomeNewsSportsબર્થડે બોય 'હિટમેન' શર્માના આ રેકોર્ડ તોડવા સરળ નથી

બર્થડે બોય ‘હિટમેન’ શર્માના આ રેકોર્ડ તોડવા સરળ નથી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માનો આજે 33મો જન્મદિવસ છે. ક્રિકેટ જગતમાં ‘હિટમેન’ નામથી મશહૂર આ ભારતીય ક્રિકેટરે એવા કેટલાય રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવા બીજા બેટ્સમેનો માટે મુશ્કેલ છે. 1987માં નાગપુરમાં જન્મેલા આ દિગ્ગજ ખેલાડીએ 2007માં આંતરરાષ્ટ્રીય વન-ડે કેરિયરની શરૂઆત કરી હતી અને થોડાંક વર્ષોમાં એ સિદ્ધિ હાંસલ કરી હતી, જેનું સપનું દરેક યુવા ક્રિકેટર જોતો હોય છે. આ બર્થડે બોયે અત્યાર સુધીમાં એવા રેકોર્ડ બનાવ્યા હતા, જેને તોડવા કોઈ પણ ક્રિકેટર માટે સરળ નહીં હોય.

વનડેમાં ત્રણ બેવડી સેન્ચુરી

વન-ડે મેચમાં કોઈ બેટ્સમેનની ડબલ સેન્ચુરી થાય એ મોટી વાત છે. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી આઠ વાર એવું થયું છે, જેમાં ત્રણ વાર રોહિત શર્માએ બેવડી સેન્ચુરી મારી છે. આ સિવાય બેવડી સેન્ચુરી મારનાર ક્રિકેટરો છે – સચિન તેન્ડુલકર, વિરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેઇલ, માર્ટિન ગપ્ટિલ અને ફખર જમાં છે.

વન-ડે મેચમાં સૌથી વધુ રન

વર્ષ 2014માં શ્રીલંકાની સામે રમતા રોહિત શર્માએ 264 રન ફટકાર્યા હતા. વન-ડે ઇન્ટરનેશનલના ઇતિહાસમાં આનાથી વધુ રન અત્યાર સુધી કોઈ બેટ્સમેને કર્યા નથી.

T20 આંતરરાષ્ટ્રીયની સૌથી ઝડપી સદી

T20 ઇન્ટરનેશનલમાં પણ રોહિત શર્મા સૌથી ઝડપી સદીનો રેકોર્ડની બરોબરી કરી ચૂક્યો છે. ગયા વર્ષે રોહિતે શ્રીલંકાની સામે 35 બોલમાં સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરની બરોબરી કરી હતી. તેણે શ્રીલંકાની સામે 43 બોલમાં 118 રન કર્યા હતા. આ કોઈ પણ ભારતીય ક્રિકેટર દ્વારા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર સેન્ચુરી

રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ચાર સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. ન્યુ ઝીલેન્ડના કોલિન મુનરો અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે આ કરિશ્મા 3-3 વાર કરી બતાવ્યો છે.

IPLનો સૌથી સફળ કેપ્ટન

રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચાર વિજેતા ટ્રોફી જીતી છે. જે અન્ય કોઈ પણ કેપ્ટન કરતાં વધુ છે. એમ.એસ. ધોની તેની પાછળ છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઇ સુપર કિંગ્સે ત્રણ વાર વિજેતા ટ્રોફી જીતી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular