Friday, May 16, 2025
Google search engine
HomeNewsSportsએશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતે ચીનને હરાવીને રચ્યો ઇતિહાસ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતે ચીનને હરાવીને રચ્યો ઇતિહાસ

નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવી દીધું છે.આ મેચના પ્રારંભથી બંને ટીમો તરફથી કોઈ પણ ગોલ નહોતું કરી શક્યું, પણ મેચ પૂરી થવાની થોડી મિનિટો પહેલાં ભારતના જુગરાજ સિંહે ગોલ કર્યો હતો. આ ગોલને કારણે ભારતીય હોકી ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પોતાને નામે કરી છે.

ચીન સામેની મેચમાં ભારતનો એકમાત્ર ગોલ 51મી મિનિટે થયો હતો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો હતો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલીને શાનદાર ગોલ કર્યો હતો. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું.ભારતને પહેલા ક્વાર્ટરમાં જ બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ બંને વખત ચીનના ગોલકીપરે પોતાની ગોલ પોસ્ટ સુરક્ષિત રાખી હતી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો

આ જીત સાથે ભારતે ગોલ્ડ મેડલ અને ચીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ત્રીજા સ્થાન માટે પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું હતું. આ પહેલાં ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને ચીન આમને-સામને આવ્યા હતા, જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી આસાન વિજય નોંધાવ્યો હતો.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એક વાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular