Monday, May 26, 2025
Google search engine
HomeNewsSportsતીરંદાજો દીપિકાકુમારી, અતાનુ દાસે લગ્ન કર્યાં; ધોનીએ હાજરી આપી

તીરંદાજો દીપિકાકુમારી, અતાનુ દાસે લગ્ન કર્યાં; ધોનીએ હાજરી આપી

રાંચી: ઝારખંડના આ પાટનગર શહેરની રહેવાસી તથા આંતરરાષ્ટ્રીય સ્તરની તીરંદાજ દીપિકા કુમારીએ સાથી તીરંદાજ ખેલાડી અતાનુ દાસ સાથે મંગળવારે લગ્ન કર્યા હતા.  કોરોનાકાળમાં સરકાર તરફથી રજૂ કરાયેલી ગાઈડલાઈન્સના પાલન સાથે રાંચીના મોરહાબાદી સ્થિત વૃંદાવન બેંક્વેટ હોલમાં લગ્ન સમારોહ સંપન્ન થયો હતો. આ દરમિયાન અતાનુ મોઢા પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દીપિકા અને અતાનુને આશીર્વાદ આપવા માટે લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમણે આ નવદંપતીને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા આપી હતી.

દીપિકા અને કોલકાતાના 28 વર્ષીય અતાનુની સગાઈ 10 ડિસેમ્બર 2018ના થઈ હતી. કેન્દ્રીય મંત્રી અને ભારતીય તીરંદાજી સંઘના અધ્યક્ષ અર્જુન મુંડા દીપિકાનું કન્યાદાન કરવાના હતા પણ તે કોઈ કારણોસર લગ્નમાં હાજરી આપી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે ટ્વીટ કરીને લગ્નમાં ગેરહાજર રહેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો અને નવદંપતીને સુખી દાંપત્યજીવનની શુભેચ્છા પાઠવી હતી.

મહત્વનું છે કે, દીપિકાની આ સફળતામાં મુંડાની મહત્વની ભૂમિકા રહી છે. દીપિકા કુમારીના લગ્ન સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની પત્ની સાક્ષી અને દીકરી સાથે હાજરી આપી હતી અને વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.

26 વર્ષની દીપિકા કુમારી દુનિયાની નંબર-1 તીરંદાજ રહી ચૂકી છે. તેણે 2010માં કૉમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 2012 અને 2018માં આર્ચરી કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજી તરફ 2013 અને 2014ના વર્લ્ડકપમાં તેણે ટીમની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ઑલિમ્પિકમાં રમી ચૂકી છે. તેને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી છે. અતાનુ દાસ પણ ઓલિમ્પિયન ખેલાડી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular