Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratનવરાત્રિમાં ટોળાં ન થાય એ માટે સોસાયટીની પહેલ

નવરાત્રિમાં ટોળાં ન થાય એ માટે સોસાયટીની પહેલ

અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધતું અટકાવવા રાસ ગરબાની સાથે મોટી સંખ્યામાં લોકો ટોળે વળતા હોય એવાં મેળાવડા પર સરકાર દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે ત્યારે હવે નવરાત્રિ કે દીવાળી જેવા તહેવારો પણ જાહેરમાં નહીં ઉજવી શકાય એ સ્પષ્ટ થઇ ગયું છે.

આ સંજાગોમાં લોકો નિયંત્રણો વચ્ચે પણ ટોળાંમાં ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ માટે શહેરના કેટલીક સોસાયટીના આગેવાનોએ અત્યારથી જ અગમચેતીના પગલાં ભરવાની શરુઆત કરી દીધી છે. કેટલાક જાગૃત નાગરિકો સરકારના આદેશની સાથે જ સંક્રમણ અટકાવવા સજ્જ થઇ ગયા છે. શહેરના ચાંદલોડીયા – ગોતા વિસ્તારની વિશ્વાસ સિટી-૩ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજાણી નહીં કરવાના નિર્ણયના બેનર્સ લગાડેલા જોવા મળે છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી વિશ્વાસ સિટી 3 નામની આ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ અંગેના બેનર્સ લગાડવામાં આવ્યા છે. બેનર્સ માં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ‘કોરોનાની મહામારી ને લીધે નવરાત્રિની ઉજવણી બંધ છે. સોસાયટીમાં ફક્ત માતાજીની માંડવી મૂકી અને મહારાજના હસ્તે આરતી ઉતારવામાં આવશે. રહીશો એ પોતાના ઘરેથી દર્શન કરવા.’

સોસાયટીના ચેરમેન ચિત્રલેખા.કોમ ને કહે છે, સરકાર આદેશ આપે એ પહેલાં જ સોસાયટીના રહીશો અને હોદ્દેદારો દ્વારા કોરોના કાળમાં નવરાત્રિ કેવી રીતે ઉજવવી એ નક્કી કરી દેવામાં આવ્યું હતું.

અન્ય એક સોસાયટી દેવમ રેસિડન્સીના અગ્રણી મનોજ વાલિયા કહે છે, દેશ અને દુનિયામાં વધતા જતાં કોરોનાના સંક્રમણ ને જ્યાં જ્યાં મોટા પાયે નવરાત્રિ મહોત્સવ થતાં હોય ત્યાં સ્વયંભૂ શક્તિની પૂજા કરી છૂટા પડવું જોઇએ. રાસ ગરબાની રમઝટ બંધ રાખવી જોઇએ.

ચેરમેન ચિરાગ રાવલ કહે છે, અમારી સોસાયટીમાં પણ એક નવરાત્રિ અંગેનો પત્ર તૈયાર કરાવી દીધો છે. જેમાં સરકારની ગાઇડ લાઇન પ્રમાણે જ ચાલવાનો ઉલ્લેખ કરાયો છે. આ કપરા સમયમાં મેળાવડા કરવા યોગ્ય નથી.

(પ્રતીકાત્મક તસવીર)

મહામારી દરમિયાન ગામ-શહેરના શેરી, મહોલ્લા, સોસાયટીના અગ્રણીઓ સરકારની કેટલીક અવઢવમાં મૂકી દે એવી અધકચરી જાહેરાતો-નિયમો-નિર્ણયોથી વધારે મુંઝવણમાં મૂકાઇ જાય છે. એમાં ક્યાંક રાજકીય લાભો પણ જોવાતા હોય છે. ઉત્સવ મહોત્સવ ઘેલી પ્રજા મતદાન વખતે નારાજ ના થાય એ માટે કડક કાયદામાં ઢીલાશ પણ આવી જાય છે.

એની સામે શહેરની સોસાયટીના આવા કેટલાક અગ્રણીઓ મહામારી કે આફતોમાં સાવધાની અને સલામતીભર્યા પગલાં પહેલેથી જ લઇ લેતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular